31 લાખથી પણ વધુ સહેલાણીઓએ આઈકોનિક અટલબ્રિજની મોજ માણી
દર શનિ-રવિએ આઈકોનિક અટલબ્રિજ ખાતે ૧પથી ર૦ હજાર સહેલાણીઓ ઉમટે છે ઃ વિદેશના મહાનુભાવો પણ બ્રિજની લટાર મારવાનું ભૂલતા નથી
(એજન્સી) અમદાવાદ, શહેરીજનોમાં તો સાબરમતી નદીના બે કાંઠાને જાેડનારા અને રિવરફ્રન્ટ પર બનેલા આઈકોનિક અટલબ્રિજ તો ભારે ઘેલું લગાડ્યું જ છે, પરંતુ અટલબ્રિજની મહેક શહેરના સીમાડા ઓળંગીને સમગ્ર ગુજરાતમાં તેમજ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા પડોશી રાજયોમાં ફેલાઈ ચુકી હોઈ અત્યાર સુધીમાં ૩૧ લાખથી વધુ સહેલાણીઓ અટલબ્રિજની મોજ માણી ચૂક્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગત તા.ર૮ ઓગસ્ટ, ર૦રરએ અટલબ્રિજનું ઉદ્ઘાટન કરાયું હતું ત્યારબાદ તેને બે દિવસ લોકો માટે ખુલ્લો મુકાયો હતો અને પછી સત્તાવાળાઓએ તા.૩૧ ઓગસ્ટથી અટલબ્રિજનો લહાવો લેવા માટે ટિકિટના દર નકકી કર્યા છે. હવેતો આ બ્રિજનું ઓનલાઈન બુકિંગ થઈ રહ્યું હોઈ આબાલવૃદ્ધોમાં તેના આકર્ષણમાં વૃદ્ધિ થઈ છે.
અટલબ્રિજમાં પાન-મસાલા, ગુટખા, ખોરાક, પાલતું પ્રાણી તેમજ રમતગમતના સાધનો લઈ જવા પર પ્રતિબંધ મુકાયો છે. શોરબકોર કરવો, સંગીત વગાડવું કે નાચગાન કરવા પણ પ્રતિબંધિત છે તેમ છતાં તેની સુંદરતા, સ્વચ્છતા અને ખાસ તો સાબરમતી નદીમાં લહેરાતાં પાણીની ઉપર ચાલવાની મજા માણવા સામાન્ય દિવસોમાં આશરે સાત હજાર અને શનિવાર, રવિવાર તેમજ જાહેર રજાના દિવસોમાં ૧પથી ર૦ હજાર સહેલાણીઓ અટલબ્રિજ ઉપર ઉમટે છે.
હવે તો અમદાવાદીઓ ઘેર આવતા મહેમાનોને પણ ખાસ અટલબ્રિજની મુલાકાત માટે લઈ જઈ રહ્યા છે. કાંકરિયા લેકફ્રન્ટ, રિવરફ્રન્ટ, માણેકચોકનું ખાણીપીણી બજાર ઉપરાંત અટલબ્રિજનો પણ મુલાકાતીઓના આકર્ષણ તરીકે ઉમેરો થયો છે. આ તો ઠીક, પણ જી-ર૦, યુ-ર૦ હેઠળ અમદાવાદ આવનારા વિદેશી મહાનુભાવો પણ તેમની મિટિંગોની વ્યસ્તતા વચ્ચે સમય કાઢીને અટલબ્રિજની મુલાકાત લેવાનું ચુકતા નથી.
જેના કારણે ગત તા.૩૧ ઓગસ્ટે, ર૦રરથી તા.૮ ઓગસ્ટ, ર૦ર૩ સુધીના એટલે કે માત્ર ૧૧ મહિના જેટલા ટૂંકા ગાળામાં ૩૧ લાખથી વધુ સહેલાણીઓ અટલરબ્રિજની મુલાકાત લઈ ચુકયા છે. આટલા સમયગાળામાં કુલ ૩૧,૮૮,૮૪૪ મુલાકાતીઓ નોંધાઈ ચુકયા હોઈ આ બાબત લોકોમાં અટલબ્રિજની સતત વધતી લોકપ્રિયતા દર્શાવે છે.
તંત્રના એક રિપોર્ટ પરની માહિતી તપાસતા ચાલુ નાણાકીય વર્ષ ર૦ર૩-ર૪ના એપ્રિલથી જુલાઈ મહિના સુધીમાં ૮૬રપ બાળકો સહિત કુલ ૬,૭૬,૦૩૪ મુલાકાતીઓએ એકલા અટલબ્રિજની મોજ માણી છે, જયારે ફલાવર પાર્ક સાથેનો કોમ્બો ટિકિટ હેઠળ વધુ ર,પ૪,૪૪૮ સહેલાણીઓ નોંધાયા હોઈ એવું કહી શકાય
કે ચાલુ નાણાકીય વર્ષ ર૦ર૩-ર૪ના છેલ્લા ચાર મહિનામાં લગભગ દસ લાખ જેટલા સહેલાણીઓ તંત્રના ચોપડે નોંધાઈ ચુકયા છે. ગત નાણાકીય વર્ષ ર૦રર-ર૩ દરમિયાન તા.૩૧ ઓગસ્ટ- ર૦રરથી ૩૧ માર્ચ- ર૦ર૩ સુધીમાં કોમ્બો ટિકિટ મળીને ર૧.૬૩ લાખથી વધુ સહેલાણીઓએ અટલબ્રિજની મુલાકાત લીધી હતી
મ્યુનિ. તંત્રનો અત્યાર સુધીનો રિપોર્ટ દર્શાવે છે કે તા.૩૧ ઓગસ્ટ, ર૦રરથી ૮ ઓગસ્ટ, ર૦ર૩માં એકલા અટલબ્રિજના ર૪.ર૦ લાખથી વધુ અને કોમ્બો ટિકિટના ૭.૧૮ લાખથી વધુ મળીને કુલ ૩૧.૮૮ લાખથી વધુ સહેલાણીઓ અટલબ્રિજની લટાર મારી ચુકયા હોઈ આ બાબતથી મ્યુનિ. તંત્ર ખુશખુશાલ છે.