5 વર્ષમાં બેન્કોએ પેનલ્ટીના નામે ગ્રાહકો પાસેથી ૩૫,૬૦૦ કરોડ વસુલ્યા
(એજન્સી)નવી દિલ્હી, ભારતમાં બેન્કો સર્વિસ ચાર્જિસ તરીકે દર વર્ષે તગડી કમાણી કરી છે જે સંસદમાં રજુ થયેલા આંકડા પરથી સાબિત થાય છે. રાજ્યસભામાં આજે રાજ્યકક્ષાના નાણામંત્રીએ જણાવ્યું હતું કે ૨૦૧૮થી અત્યાર સુધીમાં, એટલે કે છેલ્લા પાંચ વર્ષોમાં બેન્કોએ ગ્રાહકો પાસેથી ૩૫,૫૮૭ કરોડ રૂપિયા જુદા જુદા સર્વિસ ચાર્જ અને પેનલ્ટી તરીકે વસુલ્યા છે.
તેમાંથી ૨૧,૦૪૪ કરોડ રૂપિયા તો મિનિમમ બેલેન્સ ન રાખવાના કારણે નોન-મેન્ટેનન્સ ચાર્જ તરીકે વસુલવામાં આવ્યા છે. બેન્કોમાં તમે દરેક ક્વાર્ટરમાં મિનિમમ બેલેન્સ ન રાખો, એટીએમના વધારાના ટ્રાન્ઝેક્શન કરો અથવા એસએમએસ સર્વિસ મેળવો ત્યારે દરેક વખતે બેન્કોને તેમાં કમાણી થાય છે.
મોટી સરકારી અને પ્રાઈવેટ બેન્કોએ પાંચ વર્ષના સમયગાળામાં ગ્રાહકો પાસેથી ૩૫,૫૮૭ કરોડ રૂપિયા મેળવ્યા છે. તેમાં પણ મોટી કોમર્શિયલ બેન્કો આવા ચાર્જિસ વસુલવામાં સૌથી આગળ છે. છેલ્લા પાંચ વર્ષની અંદર બેન્કોએ મિનિમમ બેલેન્સ ન રાખવાના કારણે જે પેનલ્ટી વસુલી તેની રકમ ૨૧,૦૦૦ કરોડ રૂપિયા કરતા પણ વધારે છે તેમ સરકારે સંસદમાં જણાવ્યું છે.
રાજ્યકક્ષાના નાણામંત્રી ભગત કરાડે એક પ્રશ્નના જવાબમાં આ જણાવ્યું હતું. બેન્કો દ્વારા વસુલવામાં આવતો ઉંચો સર્વિસ ચાર્જ એક મહત્ત્વનો મુદ્દો છે અને તે અંગે સરકાર સમક્ષ ઘણી ફરિયાદો પણ આવી છે.