સ્કુલવાનના ડ્રાયવરો દારૂ પીને વાહન ચલાવી રહ્યા છેઃ જવાબદાર કોણ?
દારૂ પીધેલા સ્કુલવાનના ડ્રાઈવરે અકસ્માત કર્યોઃ માસૂમોના જીવ તાળવે ચોંટ્યા-અંદર બેઠેલા માસૂમોના જીવ તાળવે ચોંટ્યાઃ પોલીસે ચાલક વિરુદ્ધ શરૂ કરેલી કાર્યવાહી
અમદાવાદ, શહેરમાં સ્કૂલવાનનો ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં નાના બાળકો ભરેલી વાન ચલાવતો હોવાનો વીડિયો વાઈરલ થયો છે. સ્કૂલવાનનો ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં ગાડી ચલાવી રહ્યો છે તેવા સમયે જવાબદાર કોણ વાલી, સ્કુલના સંચાલકો, પોલીસ કે પછી વહીવટી તંત્ર?
શહેરના મણિનગર વિસ્તારમાં આ સ્કૂલવાનનો અકસ્માત થયો હતો. આ અકસ્માતની જાણ થતાં જ તુરંત ત્યાં લોકોની આસપાસ ભીડ પણ જામી ગઈ હતી અને પોલીસને પણ લોકોએ તુરંત જાણ કરીને બોલાવી લેતા તે પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનાના કારણે પોલીસે સ્કૂલવાનના ડ્રાઈવરની અટકાયત કરી હતી અને સ્કૂલવાનને સાઈડમાં પાર્ક કરી ગાડીમાં બેઠેલા ગભરાયેલા બાળકોને બહાર કાઢ્યા હતા.
જ્યારે આ સ્કૂલ વાનચાલકની અટકાયત કરી વધુ પૂછપરછ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે, આ સ્કૂલવાન નેલ્સન સ્કૂલની છે અને વાનનો ડ્રાઈવર દારુ પીને સ્કૂલવાન ચલાવી રહ્યો હતો. અકસ્માતના કારણે વાનનો આગળની સાઈડનો કાચ તૂટી ગયો હતો અને ગાડીમાં બેસેલા બાળકો પણ આ ઘટનાના કારણે શોકમાં આવી ગયા હતા. અકસ્માત પછીનો આ વીડિયો પણ વાઈરલ થયો છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે બાળકોને સ્કૂલવાનમાં સ્કૂલે મોકલતા વાલીઓ માટે ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાળકોથી ભરેલી વાનનો અકસ્માત એ કોઈ સામાન્ય ઘટના નથી. સદ્દનસીબે આમાં કોઈ જાનહાનિ થઈ નથી.
આ વાનનો ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં ગાડી ચલાવતો હોવાનું વીડિયોમાં દેખાઈ રહ્યું છે. ડ્રાઈવરને કોઈએ પુછતાં આ વાન નેલ્સન સ્કૂલની હોવાનું તે જણાવી રહ્યો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બાળકોને સુરક્ષિત કર્યા હતાં અને ડ્રાઈવર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.