IITE ગાંધીનગર: છઠ્ઠો પદવીદાન સમારોહ-મહાત્મા મંદિર ખાતે યોજાયો
આઝાદીના અમૃતકાળના પ્રારંભે કંઈક કરવાની ભાવના સાથે દેશ માટે જીવવા સૌ દેશવાસીઓ-યુવાનો સંકલ્પબદ્ધ બને: કેન્દ્રીય ગૃહ-સહકારિતા મંત્રીશ્રી અમિતભાઇ શાહ
મહાત્મા મંદિર ખાતે કેન્દ્રીય ગૃહ-સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ તેમજ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે IITEના ૨,૯૨૭ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઇ
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે દીક્ષાંત સંબોધન કરતાં કહ્યું હતું કે, આઝાદીના અમૃતકાળના પ્રારંભે કંઈક કરવાની ભાવના સાથે દેશ માટે જીવવા સૌ દેશવાસીઓ-યુવાનો સંકલ્પબદ્ધ બને. ભારતના ભાવિ નાગરિકોના નિર્માણ કરવાનો દસ્તાવેજ એટલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તૈયાર થયેલી નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP)-૨૦૨૦ છે. ભારતીય શિક્ષણ પ્રણાલીમાં આમૂલ પરિવર્તન કરવાની શક્તિ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સમાયેલી છે.
ભારતના હજારો વર્ષ જૂના પ્રાચીન જ્ઞાન, સંસ્કૃતિ-પરંપરાની સાથે આધુનિકતાનો સમન્વય નવી શિક્ષણ નીતિમાં જોવા મળે છે જે ભવિષ્યમાં માત્ર ભારતને જ નહીં પણ વિશ્વને યોગ્ય દિશા-નિર્દેશ આપશે. IITE જેવી સંસ્થાઓ પ્રાચીન અને આધુનિક, પૂર્વ–પશ્ચિમ જ્ઞાનને જોડીને શ્રેષ્ઠ શિક્ષકના માધ્યમથી શ્રેષ્ઠ નાગરિક ઘડતરનું કાર્ય કરી રહી છે.
મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે આજે કેન્દ્રીય ગૃહ-સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ તેમજ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે IITEના ૨,૯૨૭ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઇ. આ પ્રસંગે ઉચ્ચ-તાંત્રિક શિક્ષણ મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ તથા ઉચ્ચ શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરિયા ઉપસ્થિત રહ્યા હતા.
ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, ભારતની સૌપ્રથમ શિક્ષકોને પ્રશિક્ષણ આપતી સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન- IITEની સ્થાપના વર્ષો પહેલાં તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં કરી હતી. આ પ્રકારના વિવિધ નવા આઈડિયા સાથે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં વર્ષો બાદ ભારતમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ- ૨૦૨૦નો અમલ કરવામાં આવ્યો છે.
જેમાં અનેકવિધ હાલની જરૂરીયાતોને અનુરૂપ શિક્ષણના નવા પ્રયોગો-અભ્યાસક્રમને સ્થાન આપવામાં આવ્યું છે. આ નવી શિક્ષણ નીતિનો પ્રથમથી લઈને અંતિમ પૃષ્ઠ સુધી વિગતવાર અભ્યાસ કરવા કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી શાહે પદવી પ્રાપ્ત શિક્ષકોને આહવાન કર્યું હતું.
કેન્દ્રીય મંત્રી શ્રી શાહે વિદ્યાર્થીઓને ગુરુનો અર્થ સમજાવતા કહ્યું કે, પુરાતનકાળમાં ગુરુનો મહિમા અનેરો હતો જે આજે ફળીભૂત થાય તે માટે તમારે પ્રયાસો કરવાના છે. તેમણે કહ્યું કે, ગુરુમાં ‘ગુ’ એટલે અંધકાર ‘રૂ’ એટલે પ્રકાશ. અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય તે સાચો ગુરુ. બાળકોને અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાન આપીને સંપૂર્ણ વ્યક્તિ-નાગરિક બનાવવાની જવાબદારી આપ સૌએ નિભાવીને સાચા માર્ગે લઈ જવા માર્ગદર્શક બનવાનું છે. બાળક આવનારા સમયમાં શ્રેષ્ઠ-પ્રબુદ્ધ નાગરિક બને એવા સંસ્કારોનું સિંચન માટે સૌએ સહિયારા પ્રયાસો કરવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
શ્રી અમિત શાહે આઇઆઇટીઇના અભ્યાસક્રમમાં ફરજિયાત સંસ્કૃત વિષય સમાવી તેને ભણાવવામાં આવે છે તે બાબતની વિશેષ નોંધ લઇ દીક્ષાર્થીઓને કહ્યું હતું કે, સંસ્કૃત ભાષા જ્ઞાનનો ખજાનો છે અને તેથી જ તેનો અભ્યાસ અત્યંત જરૂરી છે, જેના સામાન્ય અભ્યાસથી પણ જીવનમાં કોઈ સમસ્યા એવી નહીં રહે જેનું સમાધાન તમારી પાસે ન હોય.
શ્રી શાહે સંતાનોને માતૃભાષામાં જ અભ્યાસ કરાવવા ઉપર ભાર મૂકીને જણાવ્યું હતું કે, આપણી ભાષાને સંરક્ષિત અને સંવર્ધિત કરવાની આપણા સૌની નૈતિક જવાબદારી છે. તેથી પ્રત્યેક નાગરિકે પોતાના સંતાનને માતૃભાષામાં જ ભણાવવા સંકલ્પ લેવો જોઈએ. માતૃભાષામાં અભ્યાસ કરતા બાળકોની ગ્રહણશક્તિ, તર્કશક્તિ અને નિર્ણય શક્તિ અત્યંત મજબૂત બને છે, જે દેશના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. માતૃભાષામાં જ સંતાનને ભણાવવાનો આપણો સંકલ્પ જો સાકાર થશે તો દેશને આગળ વધતા કોઈ રોકી નહીં શકે.
તેમણે કહ્યું હતું કે, આજના આ પદવીદાન સમારોહમાં કુલ ૨૯૨૭ માંથી ૨૦૦૦ જેટલી બહેનોએ શિક્ષકની પદવી પ્રાપ્ત કરી છે જે આપણા સૌ માટે ગૌરવ સમાન છે. દિકરીઓ જેટલી વધુ શિક્ષિત હશે તેટલો સમાજ અને ભારતનું ભાવિ શિક્ષિત બનશે. આપણે સૌ જાણીએ છીએ કે બાળક માટે પ્રથમ શિક્ષક તેની માતા જ હોય છે.
શ્રી શાહે કહ્યું કે, ૧૫મી ઓગસ્ટ, સ્વાતંત્ર્ય દિવસને ગણતરીના કલાકો બાકી છે ત્યારે સમગ્ર દેશમાં ખૂણે ખૂણે દેશભક્તિનો જુવાળ ઉત્પન્ન કરવાનું કાર્ય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી થકી કર્યું છે. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી ૧૫ ઓગસ્ટ ૨૦૨૩એ પૂર્ણ થશે તે જ સમયથી ‘આઝાદીનો અમૃત કાળ’ શરૂ થઈ જશે, જે વર્ષ ૨૦૪૭ સુધી ચાલશે. આ સમયગાળામાં અર્થવ્યવસ્થા, ટેકનોલોજી, શિક્ષણ, આરોગ્ય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રક્ષા, રિસર્ચ સહિત તમામ ક્ષેત્રોમાં પરિવર્તન આવશે અને દેશમાં ચારેય દિશામાં અકલ્પનીય વિકાસ થશે. ૧૩૦ કરોડ દેશવાસીઓના પુરુષાર્થ થકી આ અમૃતકાળ દરમિયાન એવા દેશનું નિર્માણ થશે જે દરેક ક્ષેત્રમાં સર્વપ્રથમ હશે.
શ્રી અમિત શાહે પ્રત્યેક દેશવાસીઓને એક નાનામાં નાનો પણ દેશ માટે ખૂબ મોટો સાબિત થાય તેવો સંકલ્પ લેવા માટે અનુરોધ કરતા ઉમેર્યું હતું કે, આજથી જ પ્રત્યેક નાગરિક એક નાનો સંકલ્પ લે. “હું મારી થાળીમાં રહેલું ભોજન પૂર્ણ કરી હવેથી અન્નનો સહેજ પણ બગાડ કરીશ નહીં. હું ટેક્સ ચોરી કરીશ નહીં. ઘરની બહાર નીકળતા પહેલા ઘરના પંખા-ટ્યુબલાઈટ સહિત તમામ સ્વિચ બંધ કરીને નીકળવાનો સંકલ્પ લઈ હું આજથી જ વીજળીની બચત શરૂ કરીશ. હું ટ્રાફિકના નિયમોનું આજથી જ સંપૂર્ણ પાલન કરીશ.” આ પ્રકારના નાના પરંતુ દેશની પ્રગતિ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા સંકલ્પ લેવા આહવાન કરી શ્રી શાહે વધુમાં ઉમેર્યું હતું કે, જો આ જ રીતે પ્રત્યેક વ્યક્તિ એક પગલું આગળ વધશે, તો તે એક પગલું નહીં, પરંતુ ૧૩૦ કરોડ પગલા આપણો દેશ આગળ વધ્યો તેમ કહેવાશે જે મહાન ભારતની કલ્પના સાચા અર્થમાં પરિપૂર્ણ કરશે.
શિક્ષક જ વિદ્યાર્થીઓને આદર્શ નાગરિક બનવા માટે પ્રેરિત કરી શકે અને તેના માધ્યમથી જ શ્રેષ્ઠ ભારતનું નિર્માણ શક્ય બનશે તે દિશામાં કાર્ય કરવા પદવી પ્રાપ્ત શિક્ષકો યુવાનોને ગૃહ મંત્રીશ્રીએ આહવાન કરીને ઉજ્જવળ કારકિર્દી માટે અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી:
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાનના છઠ્ઠા દીક્ષાંત સમારોહમાં કુલાધિપતિ તરીકે સંબોધન કરતાં કહ્યું હતું કે, ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તેમના દુરોગામી અભિગમને પરિણામે ગુજરાતે ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, સંસ્કૃત યુનિવર્સિટી, રક્ષા શક્તિ યુનિવર્સિટી, કામધેનુ યુનિવર્સિટી, પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી જેવી કેટલીક એવી શિક્ષણ સંસ્થાઓ ભારતને આપી છે જે દેશની ભવિષ્યની આકાંક્ષાઓને પહોંચી વળવા સક્ષમ છે. ગુજરાતે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, મહર્ષિ દયાનંદ સરસ્વતી જેવા મહાપુરુષો ભારતને આપ્યા છે. ગુજરાતની ભૂમિએ દેશનું નેતૃત્વ સંભાળી રહેલા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મ આપ્યો છે. એ જ પરંપરામાં શ્રી અમિતભાઈ શાહ પણ ગુજરાતના પનોતા પુત્ર છે. આવા સશક્ત નેતૃત્વમાં ભારત જ્યારે વિશ્વગુરુ બનવાની દિશામાં આગળ ધપી રહ્યો છે ત્યારે દેશની યુવા શક્તિ રાષ્ટ્ર નિર્માણમાં આગળ આવે એ માટે તેમણે આહ્વાન કર્યું હતું.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સ્નાતક અને સ્નાતકોત્તર પદવીઓ પ્રાપ્ત કરનાર દીક્ષાર્થીઓને અભિનંદન પાઠવતાં કહ્યું હતું કે, જીવનમાં સદાય સત્યનું આચરણ કરજો. સત્ય એ મહાન વસ્તુ છે, જે અસત્યના પહાડને ધરાસાઈ કરવા સમર્થ છે. કર્તવ્યપાલન અને કમિટમેન્ટ જ ધર્મ છે. હંમેશા જવાબદાર નાગરિક બનજો. રાષ્ટ્રના ઉત્થાન અને નિર્માણ માટે કર્મયોગી, કર્તવ્યનિષ્ઠ બનશો તો વિજય થશો. આજીવન વિદ્યાર્થી બની રહેજો. ખેડૂત ખેતરમાં જવાનું બંધ કરી દે તો ખેતી નષ્ટ થાય છે, તેમ વિદ્યાર્થી ભણવાનું છોડી દે તો વિદ્યા લુપ્ત થઈ જાય છે. આજીવન અભ્યાસ સાથે જોડાયેલા રહેજો. વિદ્યાને લોકોની ભલાઈ માટે વાપરજો. સમાજ અને રાષ્ટ્રના કલ્યાણ માટે વિદ્યાને વહેંચતા રહેજો. માનવતાને હંમેશા મહત્વ આપજો. બીજાના હૃદયના સ્પંદનોને પોતાના હૃદયમાં અનુભવજો.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, મહાન એ છે જે બીજાની સંવેદનાની અનુભૂતિ કરે છે. જેઓ દુનિયાના બની જાય છે અને દુનિયાને પોતાની બનાવી લે છે. માતા-પિતા અને ગુરુજીનું હંમેશા સન્માન કરજો. વ્યસનોથી દૂર રહેજો. ભણેલા-ગણેલા સમાજમાં વૃદ્ધાશ્રમો નથી શોભતા. તેમણે ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાનના સહુ વિદ્યાર્થીઓને માતા-પિતાનું આજીવન સન્માન કરવાના સંકલ્પ લેવડાવ્યા હતા. રાજ્યપાલશ્રીએ સંસ્થાનના કુલપતિ ડૉ. હર્ષદભાઈ પટેલ અને સૌ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.
ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ ભાઇ પટેલે પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, IIT અને IIM ની જેમ ગુજરાતનો શિક્ષક પણ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની જગ્યા બનાવી શકે તેવા ઉમદા હેતુથી તત્કાલીન મુખ્યમંત્રીશ્રી તથા વડાપ્રધાનશ્રીએ IITE ની રચના કરી હતી. આવતીકાલના ભવિષ્ય એવા યુવાનોને યોગ્ય શિક્ષા આપી રાષ્ટ્ર સેવામાં મદદરૂપ બનવા માટે તૈયાર કરવાની મહત્વની જવાબદારી શિક્ષકોના શિરે છે. શિક્ષકો બાળકોને તૈયાર કરવાનું મહત્વનું માધ્યમ છે ત્યારે આપ સૌ પોતાની જવાબદારી સુપેરે નિભાવશો તેવો મને વિશ્વાસ છે.
ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાનનાં કુલપતિ શ્રી હર્ષદ પટેલે સ્વાગત કરતાં જણાવ્યું કે, આ પદવીદાન સમારંભમાં યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કરનારા બી.એ બી.એડ.ના ૩૫, બી.એસસી. બી.એડ.ના ૯૮, બી.એડ. એમ.એડ.ના ૬, બી.એડ.ના ૨૬૫૦, એમ.એ. એમ. એડના ૧, એમ.એસસી. એમ.એડ.ના ૪૭, તેમજ એમ.એડ.ના ૨૯ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી. ઉપરાંત એમ.એ. (એજ્યુકેશન)ના ૫૯, એમ.એ.ના ૧ અને પી.એચડી.(એજ્યુકેશન)ના ૧ જેવા સ્નાતક અને અનુસ્નાતક કાર્યક્રમો તેમજ શિક્ષણ વિદ્યાશાખામાં શોધ કાર્યક્રમ પીએચ.ડી.ના કુલ મળીને ૨૯૨૭ વિદ્યાર્થીઓએ પદવી પ્રાપ્ત કરી છે. આ તમામ પદવીપ્રાપ્ત વિદ્યાર્થીઓનું ભાવિ ઉજ્જવળ બને તેવી શુભેચ્છાઓ સાથે પ્રત્યેક વિદ્યાર્થી પોતાની નૈતિક જવાબદારી સમજીને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં પોતાનું યોગદાન આપે તેવું આહવાન કર્યું હતું.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે IITEના વાર્ષિક અહેવાલનું વિમોચન કરવામાં આવ્યું હતું.
પદવીદાન સમારોહમાં IITEની ગવર્નિગ, એક્ઝયુકેટિવ, એકેડેમિક અને ફાયનાન્સ કમિટીના સભ્યોશ્રીઓ, કુલ સચિવ શ્રી હિમાંશુભાઈ પટેલ, ડીન ડૉ.વિરલબેન જાદવ સહિત રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિશ્રી, IITEની ફેકલ્ટીઝ, પદવી પ્રાપ્ત વિદ્યાર્થીઓ તેમજ તેમના માતા-પિતા ઉપસ્થિત રહ્યા હતા.