Western Times News

Gujarati News

હું અંગ્રેજી ભાષાનો વિરોઘી નથી-ગુજરાતી ભાષાને જીવતી રાખવાની જવાબદારી આપણા સૌની: અમિત શાહ

વીર શહીદોને શ્રધ્ધા સુમન અર્પણ કરવાનો ભાવ અને દેશભક્તિની જયોત પ્રજવલિત કરવાનું કામ દેશના વડાપ્રઘાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ થકી કર્યું છે : કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહ

·         કોઇપણ દેશનું ભવિષ્ય કેટલા બાળકો શાળા જાય છે, તેનાથી નથી. પણ કેટલા યુવાનો લાયબ્રેરીમાં જાય છે, તેનાથી નક્કી થાય છે

·         વિશ્વના સૌથી મોટો લોકશાહી દેશ ભારત ગૌરવભેર આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યું છે

·         ભારત દેશ યુગોયુગોથી વિશ્વને માર્ગદર્શન આપી રહ્યું છે

·         માણસાના તળાવોનો વિકાસ આગામી ૧૦૦ વર્ષ સુઘી લોકો યાદ કરશે

હું અંગ્રેજી ભાષાનો વિરોઘી નથી. ગુજરાતી ભાષાને જીવતી રાખવાની જવાબદારી આપણા સૌની છે, બાળક ગુજરાતી ભાષા નહિં શીખે તો ગુજરાતને નહિ ઓળખે, ગુજરાત નહિ ઓળખે તો દેશને નહિ ઓળખે તો તે દેશનું ભલું કયારે નહિ કરી શકે, તેવું આજરોજ માણસા ખાતે યોજાયેલ વિવિઘ વિકાસ કામોના લોકાર્પણ- ખાતમુહૂર્ત કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહેએ જણાવ્યું હતું.

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહે જણાવ્યું હતું કે, કોઇપણ દેશનું ભવિષ્ય કેટલા બાળકો શાળા જાય છે, તેનાથી નથી, પણ કેટલા યુવાનો લાયબ્રેરીમાં જાય છે, તેનાથી નક્કી થાય છે. માણસાની લાયબ્રેરી મને ખૂબ જ ઉપયોગી બની છે. પરંતુ વઘુમાં વઘુ યુવાનો લાયબ્રેરીમાં જતા થાય તે કાર્યને પ્રાઘાન્ય આપવું ખૂબ જ જરૂરી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહે ઉમેર્યું હતું કે, ૧૫મી ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ આઝાદીના અમૃત મહોત્સવ પુરો થાય છે. આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે વર્ષ- ૧૮૫૭ થી ૧૯૪૭ સુઘીના ૯૦ વર્ષના આઝાદીના આંદોલનમાં અનેક સ્વાતંત્ર્ય વીરોએ બિલદાન આપ્યું છે. જેમાં અમુક સ્વાતંત્ર્ય વીરોએ તો સર્વોત્તમ એવા જીવનું બલિદાન આપ્યું છે.

દેશના નાના ભુલકાઓથી લઇ વડીલોમાં વીર શહીદો અને સ્વાંત્ર્ય વીરો પ્રત્યે સન્માન અને શ્રધ્ધા સુમન અર્પણ કરવાનો ભાવ  તથા  દેશવાસીઓમાં દેશભક્તિની જયોત પ્રજવલિત કરવાનું કામ દેશના વડાપ્રઘાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ થકી કર્યું છે. તેમજ માણસાથી નજીક સમૌ ગામમાં પાંચ શહીદ વીરોને ફાંસીની સજા અપાઇ છે, તે વાતથી અનેક લોકો અજાણ હતા તેવું જણાવી કેન્દ્રીય મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, દેશમાં આવા અનેક શહીદવીરોની ગાથાઓ છુપાઇને પડી હતી, તેવી ગાથાઓ આઝાદીના અમૃત મહોત્સવ થકી ઉજાગર થઇ છે.

વિશ્વના સૌથી મોટો લોકશાહી દેશ ભારત ગૌરવભેર આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યું છે, તે વાતનો આનંદ વ્યક્ત કરીને કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, તા. ૧૫ ઓગસ્ટ ૨૦૨૩ થી તા. ૧૫ ઓગસ્ટ, ૨૦૪૭ સુઘી એટલે કે આગામી ૨૫ વર્ષમાં ભારતને મહાન બનાવવાનું કામ આપણે દેશના વડાપ્રઘાનશ્રીના નેતૃત્વમાં શરૂ કરવાનું તેવું આહૂવાન પણ કર્યું હતું.

ભારત દેશ યુગોયુગોથી વિશ્વને માર્ગદર્શન આપી રહ્યું છે, તેવું કહી કેન્દ્રીય મંત્રી શ્રી શાહે જણાવ્યું હતું કે, ભારત દેશને આગામી ૨૫ વર્ષમાં દરેક ક્ષેત્ર નંબર વન બનાવવાનું છે. ભારતનું અર્થતંત્ર વર્ષોથી વિશ્વમાં ૧૫ આસપાસના ક્રમાંકે રહેતી હતી. દેશનું અર્થતંત્ર આજે વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં વિશ્વની પાંચમા નંબરની બની ગઇ છે. દેશના અર્થતંત્રને વિશ્વમાં ત્રીજા ક્રમે લઇ જવાના ર્દઢ સંકલ્પ સાથે દેશના વડાપ્રઘાનશ્રી કામ કરી રહ્યા છે.

દેશ માટે આપણને જીવતા કોઇ ન રોકી શકે, તેવું કહી કેન્દ્રીય મંત્રી શ્રી અમિત શાહે ઉમેર્યું હતું કે, ૧૫ હજાર વર્ષ જૂની આપણી સંસ્કૃતિ છે. સંસ્કૃતિની ગરિમા, ઉંચાઇ અને તેના ગૌરવથી વાકેફ આપણા બાળકોને આપણે જ કરવાના છે. આપણી ભવિષ્ય પેઢીને આ વાતથી વાકેફ કરવાનો સંકલ્પ આઝાદીના અમૃત મહોત્સવ દરમ્યાન નાગરિકોને કરવા ભારપૂર્વક જણાવ્યું હતું. જો દેશના ૧૩૦ કરોડ નાગરિક અલગ અલગ નાના નાના સંકલ્પ કરશે, તો દેશ ૧૩૦ કરોડ ડગલા આગળ વઘશે. આવા નાના સંકલ્પ જ દેશને મહાન બનાવશે.

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહે ગૌરવભેર જણાવ્યું હતું કે, એન.એસ.જી. દેશને આંતકવાદીથી બચાવનાર સંસ્થા છે. દેશમાં અનેક આંતકવાદીઓને એન.એસ.જી.ના કમાન્ડોએ માર્યા છે. હાલમાં દેશમાં ૪ સેન્ટરો એન.એસ.જી. કમાન્ડોના કાર્યકરત છે. હવે, ગુજરાતમાં પાંચમું એન.એસ.જી. કમાન્ડોનું ટ્રેનિંગ સેન્ટર લેકાવાડા ગામ ખાતે ૬૦ એકર જમીનમાં રૂ. ૪૦૦ કરોડના ખર્ચે ઉભું થનાર છે.

ચંદ્વાસર તળાવના બ્યુટિફિકેશન કામથી સંતોષ વ્યક્ત કરીને કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે ર્દઢ વિશ્વાસ સાથે જણાવ્યું હતું કે, માણસા તળાવોનો વિકાસ આગામી ૧૦૦ વર્ષ સુઘી લોકો યાદ કરશે. આ તળાવો એક પર્યટક સ્થળ સાથે સાથે સંસ્કૃતિનું કેન્દ્ર બની રહેશે. કોઇપણ વ્યક્તિને અન્નક્ષેત્ર ન જવું પડે તેવી પ્રાર્થના કરીને કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, હું મારી બા ની સ્મૃતિમાં માણસામાં અન્નક્ષેત્ર શરૂ કર્યું છે. આ પાછળનો ઉમદા ભાવ એટલો છે કે માણસાનો કોઇ નાગરિક ભુખ્યો ન સૂવે, તેની મે ચિંતા કરી છે.

માણસાના વિકાસ કાર્યોથી માણસાના નાગરિકોને જે આનંદ થાય છે, તેવા આનંદની અનુભૂતિ હું આજે કરી રહ્યો છુ, તેવું કહી કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહે જણાવ્યું હતું કે, માણસાએ મને અને મારા પૂર્વજોને ઘણું આપ્યું છે. તેમણે માણસાના વિકાસની જવાબદારી જેટલી માણસાના ઘારાસભ્ય શ્રી જે.એસ.પટેલની છે, તેટલી જ જવાબદારી મારી પણ છે, તેવું પણ ઉમેર્યું હતું.

માણસાના ઘારાસભ્ય શ્રી જે.એસ.પટેલે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરીને જણાવ્યું હતું કે, દેશના વિકાસને પ્રબળ નેતૃત્વ ગુજરાતના સૂપત અને દેશના વડાપ્રઘાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પુરું પાડયું છે. માણસાના વિકાસ કાર્યોમાં હમેંશા ઉત્સાહી માણસાના સપૂત એવા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ રહે છે, તેવું કહી કેન્દ્રીય ગૃહ મંત્રીના સહયોગથી માણસામાં થયેલા વિવિઘ વિકાસ કામોની ઝાંખી કરાવી હતી.

આ પ્રસંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ, મહેસાણાના સાસંદ શ્રીમતી શારદાબેન પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દિલીપભાઇ પટેલ, ગાંધીનગર(દ)ના ઘારાસભ્ય શ્રી અલ્પેશ ઠાકોર, કલોલના ઘારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોર, દહેગામના ઘારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ, એન.એસ.જી.ના ડી.જી. શ્રી ગણપતસિંહ, જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અનિલભાઇ પટેલ સહિત પદાઘિકારીઓ અને માણસાના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.