ગવર્મેન્ટ પોલિટેક્નિક કેમ્પસમાં ૩૦૦ વૃક્ષોને શહીદોના નામ આપી- વાવેતર કરાશે
અમદાવાદમાં ગવર્મેન્ટ પોલિટેક્નિક કેમ્પસમાં થશે ‘શહીદ વન’નું નિર્માણ-રોટરી ક્લબ સાથે મળીને પોલિટેકનિક કોલેજનો પ્રશંસનીય પ્રયાસ
સ્વતંત્રતા પર્વ નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનને પગલે ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલા ગવર્મેન્ટ પોલિટેકનિક કેમ્પસ ખાતે શહીદોના સન્માનનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે.
ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ અને રોટરી ક્લબના સંયુક્ત પ્રયાસથી કેમ્પસમાં ૧૫ ઓગસ્ટના રોજ ૩૦૦ વૃક્ષોનું વાવેતર કરાશે. સૌથી મહત્વની વાત એ છે કે, આ વૃક્ષોને ભારતભૂમિ માટે વીરગતિ વહોરનાર શહીદોના નામ આપવામાં આવશે.
પોલિટેકનિક કોલેજના પ્રિન્સિપાલ શ્રી ભાસ્કર ઐયર ના જણાવ્યા પ્રમાણે કોલેજની જ નેશનલ કેડેડ કોર (NCC) અને નેશનલ સર્વિસ સ્કીમ (NSS) પાંખ આ વૃક્ષોનું જતન કરશે.
૩૦૦ વૃક્ષોના વાવેતરથી કોલેજ કેમ્પસમાં એક અલાયદુ અર્બન ફોરેસ્ટ બની જશે જેનો લાભ કેમ્પસના વિદ્યાર્થીઓ ઉપરાંત સ્થાનિકોને પણ મળશે.