ચમનપુરામાં અસામાજિક તત્વો બેફામ બન્યાઃ તલવાર-છરી સાથે દાદાગીરી

અમદાવાદમાં સડકછાપ ટપોરીઓની તલવાર-છરી સાથે દાદાગીરી-હાલ તલવાર અને છરી સાથે વીડિયો બનાવી પોસ્ટ કરનાર લાલા સોપારી ગેંગના શખ્સો સામે પોલીસ કેવા પ્રકારની કાર્યવાહી કરે તે જેવું રહ્યું
અમદાવાદ, અમદાવાદમાંથી ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. શહેરના ચમનપુરા વિસ્તારમાં લોકો સામે રોફ જમાવવા માટે લાલા સોપારી ગેંગના શખ્સોએ ઘાતક હથિયારો સાથે વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.
અસમાજિક તત્વોએ લોકોમાં ધાક જમાવવા માટે વીડિયો બનાવ્યો હોય તેવું સાફ જાેવા મળી રહ્યું છે. આ વીડિયો પોસ્ટ કરતાની સાથે જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પોલીસ આવા લુખ્ખા તત્વો સામે દાખલારૂપ કાર્યવાહી ક્યારે કરશે તે એક મોટો સવાલ લોકોમાં ઉઠ્યો છે.
શહેરના ચમનપુરા વિસ્તારમાં લાલા સોપારી ગેગના શખ્સોએ ધારદાર હથિયારો સાથે વીડિયો બનાવીને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં ૨૦થી વધુ યુવકો જાેવા મળી રહ્યા છે. જેમાંથી કેટલાકના હાથમાં તીક્ષ્ણ હથિયારો જાેવા મળી રહ્યા છે.
મહત્વનું છે કે, હથિયારો સાથે વીડિયો બનાવવા સામાન્ય વાત થઇ ગઇ હોય તેમ અવારનવાર આવા વિવાદાસ્પદ વીડિયો સામે આવતા રહે છે અને જે વાયુવેગે વાયરલ પણ થઇ જાય છે. આ વિવાદાસ્પદ વીડિયો બાદ પોલીસ કાયદાકીય કાર્યવાહી પણ કરે છે પરંતુ આવા વીડિયો બનાવવાનું અટકી રહ્યું નથી.
ત્યારે હાલ તલવાર અને છરી સાથે વીડિયો બનાવી પોસ્ટ કરનાર લાલા સોપારી ગેંગના શખ્સો સામે પોલીસ કેવા પ્રકારની કાર્યવાહી કરે તે જેવું રહ્યું.
સળગતા સવાલ
– અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ કેમ?
– હથિયારો સાથે રોફ જમાવનારા લુખ્ખો તત્વો સામે ક્યારે કાર્યવાહી થશે?
– અમદાવાદમાં અસામાજિક તત્વોને કેમ નથી પોલીસનો ડર?
– શું અસામાજિક તત્વોને કાયદાનો કોઈ ભય નથી?
– આમની સામે દાખલારૂપ કાર્યવાહી ક્યારે કરાશે?
– આવા અસામાજિક તત્વોને કોનું પીઠબળ છે?
– સોશિયલ મીડિયામાં રોફ જમાવીને શું સાબિત કરવા માગે છે?