Western Times News

Gujarati News

શહેરના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્‌યા

અમદાવાદ, કહેવાય છેકે, બધા ભગવાન અને દેવી-દેવતાઓમાં મહાદેવ સૌથી દયાળુ અને ભોળા છે. તેથી તેમને ભોળાનાથ પણ કહેવામાં આવે છે. શિવ શંભુ તેમની પાસે આવનારા ભક્તોના તમામ દુખડા હરી લે છે. અને દરેકના મનની મનોકામના પુરી કરે છે. આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો હતો.

પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થતા જ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્‌યા હતા. શિવ મંદિરોમાં પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શ્રાવણ માસમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. સોમનાથ મહાદેવના દર્શન કરવાથી પાપનો નાશ થાય છે. સોમનાથ મંદિરે વહેલી સવારે ૪ વાગ્યાથી શ્રદ્ધાળુઓ દર્શન માટે આવી પહોંચ્યા હતા.

અમદાવાદમાં આવેલ શિવ મંદિરમાં પણ મોટી સંખ્યામાં શિવ ભક્યો ઉમટ્યા હતા. પ્રખ્યાત મંદિર રામેશ્વરમાં શિવલિંગને ફૂલોથી શણગાર કરાયો હતો તો રાજકોટમાં પંચનાથ મહાદેવ મંદિરે પણ ભક્તો ઉમટ્યા હતા. લોકો પરિવાર સાથે પણ પૂજા કરી રહ્યા છે.

અમદાવાદ, રાજકોટની સાથે જ સુરત, વડોદરા સહિતના શહેરોમાં આવેલ શિવ મંદિરોમાં પણ શિવસ્ત્રોત, શિવ પાઠ અને લઘુરુદ્ર યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણમાં શિવ મહિમાનું વિશેષ મહત્વ હોવાથી શિવ ભક્તો ઉપવાસ અને ભગવાન શિવની આરાધના કરતા હોય છે. શિવભક્તો શિવમંદિરોમાં દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.

વડોદરામાં શ્રાવણ માસના પ્રથમ દિવસે જ શિવજી મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. રાજમહેલ રોડ પર આવેલા ઐતિહાસિક અને પૌરાણિક મંદિર કાશી વિશ્વનાથ મંદિરે શ્રદ્ધાળુઓની ભારે ભીડ એકઠી થઇ હતી. ભક્તો ૧૫૦ વર્ષ જૂના ઐતિહાસિક મંદિર ખાતે શિવજીની આરાધના કરી રહ્યા છે.

ભક્તો શિવની ભક્તિમાં લીન બની દેવાધિદેવ મહાદેવને રિઝવવાના પ્રયાસ કરશે. તો શ્રાવણ માસ દરમિયાન ભક્તો ભગવાન શિવને પ્રિય બિલિપત્ર, દૂધ, ફૂલ સહિતના અલગ- અલગ દ્રવ્યોથી અભિષેક કરશે. તો શ્રાવણ માસ નિમિતે શિવાલયોમાં આજથી દરરોજ મહાદેવની વિશેષ પૂજા- અર્ચના અને શણગાર કરવામાં આવશે.

૧૨ જ્યોતિલિંગ પૈકીના પ્રથમ જ્યોતિલિંગ એવા સોમનાથ મહાદેવ ગુજરાતમાં બિરાજમાન છે. ત્યારે અહીં તો શ્રાવણ મહિના દરમિયાન ભક્તોની ભીડ ઉમટશે. શ્રાવણમાં શિવજીની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિનો શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે. શ્રાવણ માસમાં તહેવારોની પણ ભરમાર રહેશે. રક્ષાબંધન, જન્માષ્ટમી સહિતના તહેવારો પણ આ માસમાં આવતા હોવાથી ભક્તિની સાથે સાથે લોકો તહેવારનો પણ આનંદ માણશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.