મણિપુરમાં ફરી હિંસા શરૂ: 3 લોકોના મોત
બીએસએફ સહિત સુરક્ષાદળોએ તલાશી અભિયાન ચલાવ્યું
(એજન્સી)ઈમ્ફાલ, થોડાક દિવસોની શાંતિ બાદ હિંસાગ્રસ્ત મણિપુરમાં સવારે ફરી એકવાર હિંસા ભડકી. સૂત્રોના જણાવ્યાનુસાર સવારે આશરે ૫.૩૦ વાગ્યે ઉખરુલ જિલ્લાના લિટન પોલીસ સ્ટેશનની હદમાં આવતા થવઈ કુકી ગામમાં શંકાસ્પદ મૈતેઈ શસ્ત્રધારી બદમાશો અને કુકી સ્વયંસેવકો વચ્ચે ભયંકર ગોળીબારની ઘટના બની હતી. તેમાં કુકી સમુદાયના ૩ લોકો મૃત્યુ પામ્યા હતા.
આ ઘટના બાદ બીએસએફ સહિત સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લઈને તલાશી અભિયાન ચલાવ્યો હતો. હાલમાં પણ સ્થિતિ તંગદિલીભરી હોવાના અહેવાલ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે મૈતેઈ ઉપદ્રવીઓએ સૌથી પહલાં ગામની નજીકમાં આવેલી ડ્યુટી પોસ્ટ પર હુમલો કર્યો હતો.
અહીં સ્વયંસેવકો ગામની સુરક્ષા માટે ડ્યુટી કરી રહ્યા હતા. આ ગોળીબારમાં ૩ કુકી સ્વયંસેવકો માર્યા ગયાના અહેવાલ છે. તેમની ઓળખ જામખોગિન હાઓકિપ (૨૬), થાંગખોકાઈ હાઓકિપ (૩૫) અને હોલેનસોન બાઈતે (૨૪) તરીકે થઇ હતી. ઉલ્લેખનીય છે કે આ ગામ મૈતેઈ સમુદાયની વસતી ધરાવતા વિસ્તારથી ઘણું દૂર છે.
મણિપુરમાં બહુસંખ્યક મૈતેઈ સમુદાયના લોકો એસસી/એસટીનો દરજ્જાે અને અનામત આપવાની માગ કરી રહ્યા છે. મૈતેઈ સમુદાયની વસતી પણ મણિપુરમાં ૫૩ ટકા છે. અત્યાર સુધીની હિંસામાં ૧૦૦થી વધુ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે.