Western Times News

Gujarati News

ભાવનગર અને સુરેન્દ્રનગરમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા

લાંબા વિરામ બાદ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ

આજે પણ વરસાદ પડવાની આગાહીઃ ઈડરના સદાતપુરા, ગંભીરપુરા, સાપાવાડા અને જાદર પંથકમાં વરસાદ વરસતા ખેડૂતો ખુશ ખુશાલ
અમદાવાદ, અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં લાંબા વિરામ બાદ ફરી એક વખત વરસાદી માહોલ જાેવા મળી રહ્યો છે. આજે વહેલી સવારથી જ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનાં ઝાપટા પડ્યાં છે જ્યારે મધ્ય ગુજારત અને સૌરાષ્ટ્ર કચ્છમાં પણ વરસાદી માહોલ જાેવા મળી રહ્યો છે.

વરસાદ પડવાનાં કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આવતીકાલ સોમવારે પણ રાજ્યભરમાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાતનાં કેટલાંક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં વરસાદ વરસ્યો છે. લાંબા વિરામ બાદ સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જાેવા મળ્યો છે. સાબરકાંઠા જિલ્લાના ઇડર પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે.

ઇડર શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. ઈડરના લાલોડા, સદાતપુરા, ગંભીરપુરા, સાપાવાડા અને જાદર પંથકમાં વરસાદ વરસતા ખેડૂતો ખુશ ખુશાલ થયા છે. પંથકમાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં મગફળીના પાકનું વાવેતર કર્યું હતું. વરસાદ વરસતા મગફળીના પાકને પિયત મળશે.

સાબરકાંઠા જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. લાંબા વિરામ બાદ હિંમતનગર શહેરમાં વરસાદ વરસ્યો છે. હિંમતનગર શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. હિંમતનગર શહેરના મોતીપુરા, સહકારીજીન,છાપરિયા અને ટાવર રોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે.

હવામાન વિભાગે વરસાદની લઈને ફરી એક વખત આગાહી કરી છે. રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ૨૧ ઓગસ્ટના દક્ષિણ ગુજરાતમાં હળવો અને મધ્યમ વરસાદ રહેશે. ઉત્તર ગુજરાતમાં પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી અને અમદાવાદમાં વરસાદ વરસશે.

૨૨ ઓગસ્ટના દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ રહેશે તેમ હવામાન વિભાગનું અનુમાન છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ અને દીવમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અમદાવાદ અને ગાંધીનગરમાં ૨૪ કલાક હળવો વરસાદ રહેશે.

મધ્ય પ્રદેશમાં એક લો પ્રેશર સિસ્ટમ છે તેના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલ સુધી ૯૩.૫ ટકા વરસાદ વરસી ચૂક્યો છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે. પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમા બનેલું લોપ્રેસર મધ્ય પ્રદેશ સુધી પહોંચી ગયું છે અને હવે તે ઉતર તરફ ગતિ કરશે.

જેના કારણે ગુજરાત ઉપર ૭૦૦ ૐઁના મિડ લેવલ પર સીયર ઝોન સર્જાયો છે. તેના કારણે ૨૦, ૨૧ અને ૨૨ ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદની શક્યતા છે. ગુજરાતના અનેક જિલ્લામા ૧ થી ૪ ઈંચ જેટલો વરસાદ વરસશે. ગુજરાતમાં ૨૦, ૨૧, ૨૨ ઓગ્સ્ટના વરસાદની આગાહી કરવામાં આવી છે.

છોટાઉદેપુર ,રાજપીપળા, દાહોદ , ગોધરા, અમદાવાદ , મહિસાગર , બરોડ , ગાંધીનગર અને ખેડામાં ૧ થી ૪ ઈંચ જેટલા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, વાપી , ડાંગ , તાપી, બિલીમોરા અને સૌરાષ્ટ્રમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે. ભાવનગર અને સુરેન્દ્રનગરમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ૨૩ તારીખથી મોન્સુન બ્રેક આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.