21 લાખથી વધુ નાગરિકો રાષ્ટ્રગાન-ધ્વજવંદન કાર્યક્રમમાં સહભાગી થયા
રાજ્યમાં તા.૦૯ થી ૨૦ ઓગસ્ટ દરમિયાન ૧૪ હજારથી વધુ ગામો, ૨૪૮ તાલુકા, ૧૫૭ નગરપાલિકા તેમજ ૦૮ મહાનગરપાલિકા કક્ષાએ કુલ ૨૧ લાખથી વધુ નાગરિકોએ લીધી પંચપ્રણ પ્રતિજ્ઞા
Ø દેશભક્તિના વિવિધ કાર્યક્રમોનાં સ્થળોએ ૧૫ લાખથી વધુ નાગરિકોએ સેલ્ફી લીધી
Ø વસુધા વંદન કાર્યક્રમમાં રાજ્યભરમાં કુલ ૧૨ લાખથી વધુ રોપાઓનું વાવેતર કરાયું
‘આઝાદી કા અમૃત મહોત્સવ’ને યાદગાર તેમજ ભવ્ય બનાવવા ગુજરાત સહિત ભારતભરમાં ‘મારી માટી, મારો દેશ’ અભિયાનને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. રાજ્યભરમાં તા.૦૯ થી ૨૦ ઓગસ્ટ દરમિયાન ગ્રામીણ, તાલુકા અને શહેરીકક્ષાએ ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી, મંત્રી મંડળના સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ, સ્થાનિક મહાનુભાવો-આગેવાનો,
અધિકારીઓ તેમજ નાગરિકોની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ થીમ આધારિત દેશભક્તિના કાર્યક્રમો યોજાયા હતા. આ અભિયાન દરમિયાન રાજ્યના ૩૩ જિલ્લાના ૧૪,૬૦૭ ગામો, ૨૪૮ તાલુકા પંચાયત, ૧૫૭ નગરપાલિકા તેમજ ૦૮ મહાનગરપાલિકા કક્ષાએ કુલ ૨૧,૨૮,૧૦૫ નાગરિકોએ સહભાગી થઇને પંચપ્રણ પ્રતિજ્ઞા લીધી છે.
‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ બે લાખથી વધુ નાગરિકો સાથે રાજ્યમાં કુલ ૨૧,૦૧,૦૮૫ નાગરિકો રાષ્ટ્રગાન અને ધ્વજવંદન કાર્યક્રમમાં સહભાગી થયા હતા. ઉપરાંત આ કાર્યક્રમમાં સુરત, બનાસકાંઠા, દાહોદ અને નર્મદા જિલ્લામાં ૧-૧ લાખથી વધુ નાગરિકો જોડાયા હતા.
રાજ્યભરમાં દેશભક્તિના વિવિધ કાર્યક્રમોનાં સ્થળોએ ૧૫,૫૮,૧૬૬ નાગરિકોએ સેલ્ફી લીધી છે. પર્યાવરણની જાળવણીના હેતુ સાથે વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત ૧૬,૩૩૬ વૃક્ષારોપણના સ્થળો-અમૃત વાટિકાઓમાં ૧૨,૨૮,૦૨૫ રોપાઓનું વાવેતર કરાયું છે.
આ અભિયાન દરમિયાન વિવિધ સ્થળોએ ૧૫,૧૩૬ શિલાફલકમ-પથ્થરની તક્તીનું મહાનુભાવોના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું છે. જ્યારે વીર વંદના કાર્યક્રમ હેઠળ કુલ ૨૯,૯૨૫ વીરો-વીરાંગનાઓ-પરિવારોને સન્માનિત કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતભરમાં તા. ૦૯ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં તેમજ તા.૧૬ થી ૨૦ ઓગષ્ટ ૨૦૨૩ દરમિયાન તાલુકા કક્ષાએ ‘મારી માટી, મારો દેશ‘ અભિયાન યોજાયું હતું. જેમાં બાળકો, યુવાનો, ભાઈઓ, બહેનો તેમજ વડીલોએ ઉત્સાહભેર ભાગ લઈને દેશભક્તિના આ અભિયાનને સફળ બનાવ્યું છે.