#Chandrayaan3: સાયન્સ સિટી ખાતે યોજાશે વિવિધ કાર્યક્રમો
મિશન ચંદ્રયાનના લાઈવ સ્ટ્રીમિંગ ઉપરાંત રોકેટ લોન્ચિંગ, રોકેટ મેકિંગ, વોકિંગ ઓન મૂન સહિતના વિષયો પર વર્કશોપ્સ યોજાશે
અંતરિક્ષ વિજ્ઞાનના નિષ્ણાતો ‘મિશન ચંદ્રયાન’ના પડકારો બાબતે વિદ્યાર્થીઓને આપશે રસપ્રદ માહિતી
ભારતના અતિ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ મિશન ચંદ્રયાન-૩ના લેન્ડિંગની ઘડીઓ ગણાઈ રહી છે. દેશભરમાં મિશનની સફળતા માટે પ્રાર્થનાઓનો દોર ચાલી રહ્યો છે. ચંદ્રયાન-૩ના લેન્ડર અને રોવરનું ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ સહુ ભારતીયો માટે ગૌરવવર્ધક ક્ષણ હશે. નાગરિકોની અંતરિક્ષ વિજ્ઞાનલક્ષી જિજ્ઞાસાને પોષવા માટે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે સમગ્ર દિવસ દરમિયાન વિવિધ રસપ્રદ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
૨૩ ઓગસ્ટ, બુધવારના રોજ ભારતનું મિશન ચંદ્રયાન નિર્ણાયક તબક્કામાં હશે. ત્યારે સાયન્સ સિટી કેમ્પસ ખાતે એમ્ફી થિયેટરમાં સાંજે ૫:૩૦થી ૭:૩૦ દરમિયાન મિશન ચંદ્રયાનનું લાઈવ સ્ટ્રીમિંગ દર્શાવવામાં આવશે. આ ઉપરાંત રોકેટ લોન્ચિંગ, રોકેટ મેકિંગ, વોકિંગ ઓન મૂન સહિતના વિષયો પર વર્કશોપ્સ યોજાશે. જેમાં વિદ્યાર્થીઓ સહિત નાગરિકો જોડાઈ શકશે. આ ઉપરાંત અંતરિક્ષ વિજ્ઞાનના નિષ્ણાતો ‘મિશન ચંદ્રયાન’ના પડકારો બાબતે ઉપસ્થિત લોકોને રસપ્રદ માહિતી આપશે. સાથોસાથ ચિત્રસ્પર્ધાનું પણ આયોજન કરાયું છે. આમ, સમગ્ર દિવસ દરમિયાન સાયન્સ સિટી ખાતે રસપ્રદ કાર્યક્રમોની હારમાળા રહેશે.