પ્રાકૃતિક કૃષિ દ્વારા ડાંગર, ટામેટા, રીંગણ અને મરચાંની ખેતી કરી નોંધપાત્ર આવક મેળવી રહ્યા છે ધરતીપુત્ર પ્રવીણભાઈ પટેલ
ઝીરો બજેટમાં અને આરોગ્ય સાચવતી ખેતી એટલે પ્રાકૃતિક ખેતી – ખેડૂત પ્રવીણભાઈ પટેલ
ભારતવર્ષનાં લાખો ખેડૂતો પ્રાકૃતિક કૃષિના માધ્યમ થકી સુખ અને સમૃદ્ધિનો નવીન પથ કંડારી રહ્યા છે
વડોદરા, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રાકૃતિક કૃષિના આહવાનને ખુલ્લાં હાથે ઝીલીને દેશના લાખો ખેડૂતો આજે રાસાયણિક ખેતીના માર્ગને છોડીને પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યાં છે અને નહિવત ખર્ચે મબલખ ઉત્પાદન મેળવીને ધરતી માતાની સેવા અને ઉપાસના કરતા ધરતીપુત્રો આજે આર્થિક સદ્ધરતા મેળવીને લીલે પાંદડે થયા છે.
પ્રાકૃતિક કૃષિ- પધ્ધતી સંપુર્ણ રીતે કુદરતી ચીજ વસ્તુઓ પર નિર્ભર અને બિનખર્ચાળ હોવાથી ધરતી પુત્રો ઉત્સાહપૂર્વક આમાં જોડાઈ રહ્યા છે. પ્રાકૃતિક કૃષિ જમીનની ફળદ્રુપતા જાળવી રાખે છે તેમજ ગ્રાહકના આરોગ્યને સાચવવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. આજે સમગ્ર રાજ્યની સાથે વડોદરા જિલ્લાના અનેક ખેડુતો પ્રાકૃતિક કૃષિ થકી નોંધપાત્ર આવક મેળવી રહ્યા છે. એવાં જ ખેડૂતોમાંના એક છે વડોદરાના ધરતીપુત્ર પ્રવીણભાઇ પટેલ.
વડોદરાથી અંદાજિત ૧૫ થી ૨૦ કિમી દૂર આવેલા અંતરિયાળ ગામ ઇટોલા ખાતે ખેતી કરતા પ્રવીણભાઈ પટેલ પ્રાકૃતિક ખેતી અપનાવીને આર્થિક રીતે સુખી અને સમૃદ્ધ થઇ રહ્યા છે. તેમણે વર્ષ ૨૦૧૫માં પ્રાકૃતિક ખેતી સંદર્ભે યોજાયેલા એક મેળામાં ભાગ લીધો હતો. ત્યાંથી તેમને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ, તેના ફાયદા અને પર્યાવરણલક્ષી હોવાનું જાણવા મળ્યું હતું. અને તે માહિતી મળતાં જ તેમએન પ્રાકૃતિક કૃષિપદ્ધતિ અપનાવીને ખેતી કરવાનો નિર્ણય કર્યો હતો.
પ્રવીણભાઈ જણાવે છે કે પ્રાકૃતિક કૃષિ માટે જરૂરી એવા જીવામૃત, ઘન જીવામૃત અને બીજામૃત એ તમામ ગૌમૂત્ર, છાણ જેવા વિનામૂલ્યે અને સરળતાથી મળી જાય તેવા તત્વોથી બનતા હોય છે. તેઓના ગામમાં જ ગૌમાતાની સેવા કરતા એક મિત્રને આ અંગે વાત કરતા જ ગૌમૂત્ર અને છાણની વિનામૂલ્યે સુવિધા પ્રાપ્ત થઈ ગઈ હતી જેના લીધે પ્રાકૃતિક કૃષિના તેમના વિચારને સાકાર કરવાનાં તેમનાં સંકલ્પને ગતિ પ્રાપ્ત થઈ હતી. એક તરફ રાસાયણિક ખેતીમાં જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતર જમીનને નુક્સાન કરે છે પણ સમયાંતરે તેનો ઉપયોગ કરવો જ પડે છે જેનાથી ખર્ચ વધે છે અને આરોગ્યપ્રદ પણ નથી. ત્યાં બીજી તરફ પ્રાકૃતિક પદ્ધતિ થકી ખેતીમાં જંતુનાશક દવાઓ અને ખાતરની જરૂરિયાત ન હોવાથી ઝીરો બજેટ અને આરોગ્યને સાચવતી ખેતી એટલે પ્રાકૃતિક ખેતી.
વધુમાં પ્રવીણભાઈ જણાવે છે કે જમીનની ફળદ્રુપતા વધારવા તેમજ તેની ગુણવત્તા જાળવી રાખવા માટે પ્રાકૃતિક ખેતી એક શ્રેષ્ઠ ઉપાય છે. પ્રાકૃતિક કૃષિપદ્ધતિ તથા ઉત્પાદનો અપનાવવાથી દરેક વ્યક્તિનું જીવન સ્વસ્થ અને નિરોગી રહેશે અને આપણા ભારત દેશને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જવામાં અગત્યનો ભાગ ભજવશે. વધુમાં પોતાના ઉત્પાદનો વિશે જણાવતાં પ્રવીણભાઈ કહે છે કે ખેતરમાં પકવવામાં આવતા શાકભાજીઓ તેમના નિયમિત ગ્રાહકોમાં એટલા પ્રચલિત છે કે શાકભાજી તોડવામાં આવે એજ દિવસે તેનું વેચાણ થઈ જાય છે જેથી શાકભાજીનો બગાડ પણ થતો નથી
એક સમયે જમીનના એક ટુકડાથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરનાર પ્રવીણભાઈ છેલ્લા પાંચ વર્ષથી સતત પ્રાકૃતિક ખેતી કરીને સંતોષકારક આવક મેળવતા થયા છે અને આજે તેઓ ૬ વિંઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. પ્રવીણભાઇએ પ્રાકૃતિક કૃષિ થકી રીંગણ, ટામેટા, મરચાં, ચોળી સાથે વિવિધ શાકભાજીની ખેતી કરી છે તે ઉપરાંત તેમણે કરેલા કાળા ઘઉં અને કાળા ટામેટા પ્રાકૃતિક ઉત્પાદન પ્રેમીઓની વિશેષ પસંદગી બન્યા છે. તેના ફાયદા વિશે વાત કરતાં પ્રવીણભાઈ જણાવે છે કે કાળા ઘઉં અને ટામેટાંમાં એન્થોસાયનીન નામનું તત્વ રહેલું હોય છે. તેમાં પૌષ્ટિક તત્વો અને રોગપ્રતિકરકશક્તિમાં વધારો કરતા તત્વો ભરપુર માત્રામાં રહેલા હોવાથી તે સ્વાસ્થ્ય માટે આરોગ્યપ્રદ છે.
પ્રાકૃતિક ખેતીને પ્રોત્સહન આપવા અને તેની જાગરૂકતા વધારવા માટે પ્રવીણભાઈ સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતા જણાવે છે કે જિલ્લા તથા તાલુકા સ્તરે વિવિધ એફ.પી.ઓ.ની સુવિધા મળતા તેઓનું ઉત્પાદન સમગ્ર જિલ્લા પ્રચલિત થયું છે. સરકારના સહકાર, માર્ગદર્શન તેમજ પ્રોત્સાહનને લીધે આવનારા ભવિષ્યમાં તેઓ જંગલ મોડેલ અને બોટનિકલ ગાર્ડન થકી આયુર્વેદિક ખેતીનું આયોજન કરી રહ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.
ખેડૂતોને આર્થિક રીતે સુખી, સમૃદ્ધ અને સશક્ત બનાવવા તથા લોકોને સ્વાસ્થ્યપ્રદ ઉત્પાદનો મળી શકે તે માટે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા સરકાર દ્વારા અનેકવિધ પગલાં લેવાઈ રહ્યા છે. આજે પ્રાકૃતિક ખેતી એક શ્રેષ્ઠ અને ટકાઉ કૃષિપદ્ધતિ તરીકે પુરવાર થઈ રહી છે. જેના થકી ભારતવર્ષના લાખો ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળીને સુખ અને સમૃદ્ધિનો નવીન પથ કંડારી રહ્યા છે.