ફરતા પશુ દવાખાના દ્વારા પોરમાં ગાયના વાછરડાનો જીવ બચાવાયો
વડોદરા, રાજયના પશુપાલન વિભાગ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસના સંકલનથી વડોદરા જિલ્લામાં દસ ગામ દીઠ ૧૭ જેટલા ફરતા પશુ દવાખાના કાર્યરત છે. જે વડોદરા જિલ્લાના આજુબાજુના ગામડાઓમાં અબોલ પશુ પક્ષીઓ માટે મફત સારવાર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે.
વડોદરાના જિલ્લાના પોર ગામમાં રહેતા અર્પિતભાઈ જૈને ગીર ગાયનાં વાછરડાને અકસ્માત થતા ૧૯૬૨ પર કોલ કર્યો હતો. કોલ મળતા જ ફરતા પશુ દવાખાનાના ડો.પુષ્પેન્દ્રસિંહ પુવાર તથા તેમના પાયલોટ કમ ડ્રેસર ચંદુભાઈ નિનામા ઘટના સ્થળ પહોંચ્યા હતા.
ડો.પુવારે ઘટના સ્થળે પશુનું નિરીક્ષણ કરતા આગળના ડાબા પગે ફ્રેકચર તથા બીજી શારીરિક ઈજાઓ જોવા મળી હતી. વાછરડો ખૂબ જ કણસતી હાલતમાં હોય ઉભુ થવામાં પણ અસક્ષમ હતું.જેથી તુરંત જ પરિસ્થિતિની ગંભીરતા પારખી પશુને જનરલ અનેસ્થેસિયા આપી ચિરાયેલા ભાગનું એન્ટિસેપ્ટીકલી માઈનર સર્જરી કરી હતી.
ગુંટણના નીચેના હાડકામાં ફ્રેકચર હોય ત્યાં પ્લાસ્ટર ઓફ પેરિસનો પાટો બાંધી વાછરડાને પીડામાંથી રાહત અપાવી હતી.બીજી પ્રાથમિક સારવાર તથા ડ્રેસિંગ કરી તેને જરૂરી એન્ટીબાયોટિક તથા દુખાવાના ઈન્જેકશન પણ આપવામાં આવ્યા હતા.લગભગ એકાદ કલાકની મહેનતના ફળસ્વરૂપ સ્થિતિમાં સુધાર આવતા વાછરડાએ રાહત અનુભવી હતી.
આ સમગ્ર ઘટનાના પ્રત્યક્ષદર્શી જેઓએ ૧૯૬૨ કોલ કર્યો હતો તેમણે ગુજરાત સરકાર તથા EMRI GREEN HEALTH SERVICES ની ઇમરજન્સી સેવાને બિરદાવી હતી. વડોદરા જિલ્લાના પ્રોજેક્ટ કોર્ડીનેટર યોગેશ દોશી અને પ્રોગ્રામ મેનેજર ડો. રવિએ ફરતા પશુ દવાખાનાની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી.