Western Times News

Gujarati News

ગુજરાતના સૌથી ગરમ શહેરમાં અમદાવાદ બીજા ક્રમાંકે

રાજ્યમાં હજુ વરસાદ હાથતાળી આપી રહ્યો હોવાથી ખેડૂતો ચિંતાતુર બન્યા

અમદાવાદ, શહેરમાં લાંબા સમયથી વરસાદે વિરામ લીધો છે અને વચ્ચે વચ્ચે વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે, જાે કે હજુ લોકો વરસાદ માટે તરસે છે. હવે ગરમીનો પારો ઊંચકાયો છે.

ગઈ કાલે અમદાવાદ ૩૪.૬ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન સાથે ગુજરાતના હોટેસ્ટ સિટીમાં બીજા ક્રમાંકે આવ્યું હતું. હવે અમદાવાદમાં ગરમીમાં થયેલો વધારો ચર્ચાસ્પદ બન્યો છે, જ્યારે ભાવનગર ૩પ.પ ડિગ્રી ગરમી સાથે રાજ્યનું સૌથી હોટેસ્ટ સિટી બન્યું છે.

અમદાવાદ સહિત રાજ્યભરમાંથી વરસાદે વિદાય લીધી છે, જેના કારણે સ્વાભાવિકપણે સમગ્ર રાજ્યમાં ગરમી વધી છે. પાટણમાં ૩૩ ડિગ્રી, રાજકોટમાં ૩૩ ડિગ્રી, ભૂજમાં ૩ર.ર ડિગ્રી અને ગાંધીનગરમાં ૩૧.પ ડિગ્રી સેલ્સિયસ ગરમી નોંધાઈ હતી. આમ, સમગ્ર ગુજરાતમાં ગરમીના વધતા પ્રમાણે લોકોમાં નવી ચર્ચા જગાડી છે. વરસાદ હજુ પણ મચક આપે તેમ લાગતુ નથી એટલે આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ જળવાઈ રહેશે.

શહેરમાં આજે સવારે પણ ગરમીનો પારો ઊંચકાયો હતો અને ર૬.૩ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જે સામાન્ય તાપમાન કરતા એક ડિગ્રી વધુ હતું, જ્યારે આજે સવારના ૮.૩૦ વાગ્યે હવામાંનો ભેજ ૮પ ટકા નોંધાયો હતો. સ્થાનિક હવામાન વિભાગની આગાહીમાં જણાવ્યા મુજબ શહેરમાં આગામી ૩૦ ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડવાની કોઈ શક્યતા નથી.

શહેરમાં આ દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેમ પણ હવામાન વિભાગ જણાવે છે. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદ અંગે કરેલી આગાહીને તપાસતા આજે બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જૂન્‌ગઢ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને દીવમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ થઈ શકે છે,

જ્યારે આવતી કાલે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ગાજવીજ સાથેનો વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગની આગાહીમાં દર્શાાઈ છે. જ્યારે ર૭ ઓગસ્ટે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા-નગર હવેલી, તા.ર૮ અને ર૯ ઓગસ્ટે પણ સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ કે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. મેઘરાજા ગુજરાતને હાથતાળી આપી રહ્યા હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.

સ્થાનિક હવામાન વિભાગની આગાહીને જાેતાં રાજ્યમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા હોઈ દક્ષિણ ગુજરાત સિવાયના ભાગમાંથી વરસાદ ગાયબ થવાની સંભાવના છે. ર૯ ઓગસ્ટ સુધીના રાજ્યમાં હવામાન અંગેની આગાહીમાં ભારે વરસાદને લઈ કોઈ ચેતવણી કે એલર્ટ આપવામાં આવ્યું નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.