Western Times News

Gujarati News

ટીમ વડોદરા દ્વારા આયોજીત ‘પ્રવાસન પર પરિસંવાદ’માં સહભાગી થતા પ્રવાસન મંત્રી

મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે માંડવી ચોક ખાતે ‘વડોદરા સિટી હેરિટેજ’ તકતીનું અનાવરણ

(માહિતી) વડોદરા, વડોદરા શહેરના સાંસ્કૃતિક વારસાને વધુ ઉન્નત બનાવવા હેતુસર ટીમ વડોદરા દ્વારા આયોજીત ‘પ્રવાસન પર પરિસંવાદ’માં પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઈ બેરા સહભાગી થયા હતા. તેમની સાથે વિધાનસભાના મુખ્ય દંડકશ્રી બાળકૃષ્ણ શુક્લ પણ ઉપસ્થિત રહ્યા હતા.

વડોદરામાં પર્યટક સ્થળોનો કઈ રીતે વિકાસ કરી શકાય ? અને સાંસ્કૃતિક વારસાને વધુ ઉત્કૃષ્ટ બનાવવા માટેની કાર્યશાળામાં પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ આ વિચાર બદલ ટીમ વડોદરાને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, પ્રવાસન ક્ષેત્રે જ્યારે ગુજરાત સતત આગળ વધી રહ્યું છે, ત્યારે વડોદરા પણ પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહ્યું છે.

તેમણે કાર્યશાળામાં દિવસ દરમિયાન અલગ-અલગ સત્રમાં થયેલી ગહન ચર્ચાને વખાણી હતી. આવો વિચાર આવવો અને તાલીમશાળા યોજવી એ વડોદરા પર્યટન ક્ષેત્રે વિકસિત થાય તે માટેનું પ્રથમ પગથિયું તેમ જણાવી, શ્રી મુળુભાઈ બેરાએ વડોદરા શહેરના પ્રવાસન અને સાંસ્કૃતિક ક્ષેત્રના મહત્તમ વિકાસ માટે રાજ્ય સરકાર સાથે હોવાનું જણાવ્યું હતું.

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યુ હતું કે, વડોદરા તો સંસ્કૃતિ અને કલાની નગરી છે. અહીંનો ઈતિહાસ ભવ્ય અને સમૃદ્ધ છે, ત્યારે આવી કાર્યશાળાથી વિકાસનો રોડમેપ યથાર્થ ઠરે છે. વિચાર, આયોજન અને અમલીકરણ થકી વડોદરાનો સાંસ્કૃતિક વારસો વિશ્વ સમક્ષ ઉજાગર થશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

એકતાનગર જતા દેશી-વિદેશી પ્રવાસીઓ જ્યારે વડોદરા થઈને જાય છે, ત્યારે પ્રવાસીઓને વધુમાં વધુ સુવિધા મળે તે માટે તેમણે વિકાસના તમામ કાર્યોમાં પ્રવાસન અને સાંસ્કૃતિક વિભાગ વડોદરાની સાથે હોવાનું જણાવ્યું હતું. તેમણે વડોદરામાં પ્રવાસન સ્થળોના વિકાસ માટે સ્થાનિક સંસ્થા તરફથી જે કોઈ દરખાસ્તો કે પ્રોજેક્ટ મળશે, તેમને સંપૂર્ણ સહકાર આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

વડોદરામાં અનેક ધાર્મિક અને હેરિટેજ સ્થળો છે. અહીં સ્પોર્ટ્‌સ ટુરિઝમની પણ અનેક સંભાવનાઓ છે તેમ જણાવી તેમણે વડોદરા શહેરને વૈશ્વિક કક્ષાનું પર્યટન શહેર બનાવવા માટે ટીમ વડોદરાના સહિયારા પ્રયાસને અભિનંદન પાઠવ્યા હતા. પ્રવાસીઓને વધુમાં વધુ સુવિધા આપવા માટે રાજ્ય સરકારનો પ્રવાસન વિભાગ મોટા-મોટા પ્રોજેક્ટ હાથમાં લઈને તેનું અમલીકરણ કરી રહ્યું હોવાનું તેમણે મક્કમતાથી જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં મંત્રીશ્રીના હસ્તે ‘ધ બરોડા કલેક્ટિવ (સ્ટેજ-૨)’ પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. મેયરશ્રી નિલેશભાઈ રાઠોડે સ્વાગત પ્રવચન આપી શહેરમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે તજજ્ઞો દ્વારા કરવામાં આવેલી ચર્ચા-વિચારણાને યથાર્થ જણાવી હતી.

તો વડોદરા મહાનગરપાલિકાના કમિશનરશ્રી દિલીપ રાણાએ પ્રેઝન્ટેશન થકી વડોદરાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનો વધારે વિકાસ કરવા માટેના ટૂંકા અને લાંબા ગાળાના આયોજનો પર ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. વડોદરા મનપાના દંડકશ્રી ચિરાગ બારોટે કાર્યક્રમની આભારવિધિ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.