યુકેએ વર્ક વિઝા આપવામાં નવો રેકોર્ડ બનાવ્યો
નવી દિલ્હી, વિદેશમાં જઈને કામ કરવા માગતા સ્કીલ્ડ ભારતીયો માટે અત્યારે સારામાં સારી તક છે. ખાસ કરીને યુકે સરકારે ખાલી જગ્યાઓ ભરવા માટે કમર કસી છે જેના કારણે રેકોર્ડ સંખ્યામાં લોકોને વર્ક વિઝા અપાઈ રહ્યા છે. એક તરફ દેશમાં શરણાર્થીઓની સમસ્યા પેદા થઈ છે જેને કાઢવા માટે વડાપ્રધાન રિશિ સુનક જાતજાતના રસ્તા વિચારી રહ્યા છે. બીજી તરફ સ્કીલ્ડ લોકો કાયદેસર રીતે આવવા માગતા હોય તો તેના માટે કામ સરળ થઈ ગયું છે.
હવે વર્ક વિઝાની વાત કરીએ. લેટેસ્ટ આંકડા પ્રમાણે જૂન ૨૦૨૨થી જૂન ૨૦૨૩ સુધીમાં યુકેએ માઈગ્રન્ટ્સને ૩.૨૧ લાખ વર્ક વિઝા આપ્યા છે. યુકે અત્યારે મોટા ભાગના કામ માટે માઈગ્રન્ટ પર આધારિત બનતું જાય છે તેના કારણે વિદેશના લેબરની જરૂર છે. ખાસ કરીને બ્રેક્ઝિટ પછી યુકેમાં સ્કીલ્ડ લોકોની અછત છે.
ગયા વર્ષે યુકેએ જે વર્ક વિઝા આપ્યા હતા તેના કરતા આ વખતે ૪૫ ટકાનો વધારો થયો છે. જાેકે, માઈગ્રેશનમાં જેમ વધારો થાય તેમ વડાપ્રધાન રિશિ સુનકની ટીકા પણ વધતી જાય છે કારણ કે તેઓ માઈગ્રેશન પર અંકુશ મુકવાના વચન સાથે સત્તા પર આવ્યા છે. આગામી દિવસોમાં આ એક ચૂંટણીનો મુદ્દો પણ બનવાનો છે.
યુકેમાં ૨૦૨૨માં માઈગ્રેશનની સંખ્યા વધીને છ લાખ કરતા વધારે હતી. તેમાં પણ શોર્ટ ટર્મ વર્કર્સનો સમાવેશ નથી થતો. યુકે હવે ડિપેન્ડન્ટ વિઝા પર ફોકસ કરી રહ્યું છે. યુકેમાં કામ કરતા લોકો હવે સરળતાથી પોતાના આશ્રિતોને એટલે કે ડિપેન્ડન્ટને બોલાવી શકે છે. લેટેસ્ટ આંકડા પ્રમાણે સ્ટુડન્ટ અથવા વર્કર્સ દ્વારા પોતાના ડિપેન્ડન્ટ માટે લેવામાં આવેલા વિઝાની સંખ્યા બમણી થઈને ૩.૭૫ લાખને પાર કરી ગઈ છે.
ગયા વર્ષમાં યુકેમાં કામ કરતા લોકો પોતાના ૨.૨૦ લાખ સગાઓને અહીં લઈ આવ્યા હતા જ્યારે વિદ્યાર્થીઓ પોતાના ૧.૫૪ લાખ ડિપેન્ડન્ટને યુકે લાવ્યા હતા. યુકેમાં અત્યારે મેડિસિન, આઈટી, હેલ્થકેર વગેરેમાં માણસોની સખત જરૂર છે. છેલ્લા એક વર્ષમાં હેલ્થ કેરમાં લગભગ ૧.૨૩ લાખ લોકોને વિઝા આપવામાં આવ્યા હતા. તેનાથી અગાઉના વર્ષ સાથે સરખામણી કરવામાં આવે તો હેલ્થકેર વર્કસર્ને વિઝા આપવાના પ્રમાણમાં ૧૬૦ ટકાનો વધારો થયો છે.
તેમાં સૌથી વધારે વિઝા ભારતીયો અને નાઈજિરિયાના લોકોને મળ્યા છે. કોવિડ પછી મોટા ભાગના સેક્ટરમાં માણસોની અછત છે. એક અંદાજ પ્રમાણે એકલા યુકેમાં ૧૦ લાખથી વધુ જગ્યા ખાલી છે જેને ભરવા માટે ભારત સહિતના દેશોમાંથી સ્કીલ્ડ લોકોને લાવવા પડશે. તેના કારણે જ વર્ક વિઝા આપવાનું વધ્યું છે.
સ્ટુડન્ટ વિઝાની કેટેગેરીમાં પણ વધારે માગ છે અને તેમાં સૌથી વધારે ભારતીય તથા ચાઈનીઝ સ્ટુડન્ટને વિઝા મળ્યા છે. ગયા વર્ષમાં યુકેમાં વિદેશી સ્ટુડન્ટની સંખ્યા ૨૩ ટકા વધીને પાંચ લાખ થઈ હતી જેમાં ભારતીય સ્ટુડન્ટ સૌથી મોટી સંખ્યામાં છે. યુકેમાં વીમો અને પેન્શનના લાભ લેતા લોકોની સંખ્યા જાેવામાં આવે તો તે પણ દર્શાવે છે કે માઈગ્રન્ટની સંખ્યા વધી છે. ૨૦૦૨થી તેનો રેકોર્ડ રાખવાનું શરૂ થયું છે જેમાં વર્ક કે સ્ટડી માટે યુકે આવેલા લોકોની નોંધ રાખવામાં આવે છે.
આ આંકડો અગાઉના વર્ષમાં ૮.૮૦ લાખ હતો જે આ વખતે વધીને સીધો ૧૧ લાખને પાર કરી ગયો છે. તેમાંથી ૧.૨૫ લાખ લોકોને બાદ કરતા બાકીના તમામ લોકો યુરોપિયન યુનિયન બહારથી આવ્યા હતા. યુરોપના બાકીના દેશોની જેમ જ યુકેમાં પણ હાઈ સ્કીલ લોકોની અછત છે. તેથી પ્રોગ્રામર્સ, સોફ્ટવેર ડેવલપર્સ, સાઈબર સિક્યોરિટી સ્પેશ્યાલિસ્ટ, હેલ્થ સર્વિસ વગેરેમાં સૌથી વધારે જાેબ ઉપલબ્ધ છે. આ ઉપરાંત ગ્રાફિક ડિઝાઈનર, સેલ્સ આસિસ્ટન્ટ, ઓપરેશન મેનેજર વગેરે પોસ્ટ માટે પણ માણસોની જરૂર છે.SS1MS