કેનેડાની ઈમિગ્રેશન સિસ્ટમમાં ચેડા કરનાર સામે પગલાં ભરાશે
(એજન્સી)નવી દિલ્હી, કેનેડા ઉચ્ચ અભ્યાસ માટે જઈ રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જાય છે અને તેમાં પણ ભારતીયો સૌથી આગળ છે. કેનેડામાં ભારતીય સ્ટુડન્ટની સંખ્યા નવો રેકોર્ડ બનાવી રહી છે ત્યારે તેમાં ખોટી માહિતી આપીને કે સિસ્ટમ સાથે ચેડા કરનારા લોકોથી કેનેડા પરેશાન છે.
તેના કારણે હવે ઈમિગ્રન્ટ્સની આકરી ચકાસણી કરવાનો ર્નિણય લેવાયો છે તેથી તાજેતરમાં પંજાબના ૭૦૦ વિદ્યાર્થીઓ સાથે જે ઘટના બની હતી તે ફરીથી ન બને.
હાલમાં ભારત સહિતના તમામ દેશોમાંથી મોટી સંખ્યામાં ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ કેનેડા જઈ રહ્યા છે. ૨૦૨૩ના પ્રથમ બે ક્વાર્ટરમાં ભારતીય વિદ્યાર્થીઓને લગભગ ૯૭ હજાર જેટલી પરમિટ ઈશ્યૂ થઈ હતી. ૨૦૨૨માં પણ આવી જ રીતે મોટી સંખ્યામાં સ્ટુડન્ટ કેનેડા ગયા હતા. ૨૦૨૨માં આખા વર્ષ દરમિયાન ૨.૨૬ લાખ ભારતીયોને સ્ટડી પરમિટ મળી હતી.
એક તરફ સ્ટુડન્ટ વિઝાની સંખ્યા વધતી જાય છે ત્યારે બીજી તરફ કેનેડાની ઇમિગ્રેશન સિસ્ટમમાં ચેડા કરીને અથવા ખોટા કાગળો આપીને વિઝા મેળવવામાં આવે છે તેવી ફરિયાદો પણ વધી છે. તેના કારણે જ તાજેતરમાં લગભગ ૭૦૦ ભારતીય વિદ્યાર્થીઓને કેનેડાથી ડિપોર્ટ કરવામાં આવે તેવી નોબત આવી હતી, પરંતુ પછી મામલો ઠંડો પડી ગયો છે.
હવે કેનેડાએ બનાવટ કરીને અથવા અપ્રામાણિક રીતે આવી રહેલા લોકો સામે પગલાં લેવાનું નક્કી કર્યું છે. કેનેડા સરકારે કહ્યું કે જે લોકો વિઝિટ કરવા માટે અથવા મુલાકાત લેવા કે સ્ટડી માટે કેનેડા આવે છે તેમના હિતનું રક્ષણ કરવામાં આવશે અને ઈમિગ્રેશન સિસ્ટમના છીંડાનો ઉપયોગ કરનારા સામે પગલાં લેવાશે.
ખાસ કરીને સ્ટડી પરમિટ લેવા માટે જે અરજી કરવામાં આવે છે તેમાં જ કેટલીક વખત ફ્રોડ ડોક્યુમેન્ટ હોય છે. અમુક વિદ્યાર્થીઓ બનાવટી એક્સેપ્ટન્સ લેટર આપે છે. હવેથી આવા બધા ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવશે. કેનેડાની એજ્યુકેશન સિસ્ટમ માટે ભારત એક મહત્ત્વનો દેશ છે
કારણ કે અહીંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવે છે, પરંતુ તેની સાથે સાથે કેટલીક બાબતોની ચોકસાઈ રાખવી પણ જરૂરી છે. હાલમાં ભારત, ચીન અને ફિલિપાઈન્સથી સૌથી વધારે વિદ્યાર્થીઓ કેનેડા આવે છે. આ ઉપરાંત કેનેડાના પીઆર એટલે કે પર્મેનન્ટ રેસિડન્સી મેળવવામાં પણ ભારતીયો આગળ છે. જૂન મહિના સુધીમાં ૮૪,૪૨૫ લોકોને કેનેડાના પીઆર મળ્યા હતા.