કસ્ટમ્સના કાયદાની આંટીઘૂંટીમાં ગુજરાતી ફસાયોઃ 60 લાખના સોનું ગુમાવ્યું
કસ્ટમે તે ગોલ્ડ બાર મિન્ટમાં મોકલી દીધું છે, તેની સામે માત્ર ૧૫,૮૦૦ રૂપિયા આપવા ઓફર કરે છે-કસ્ટમે પ્રવાસી પાસેથી રૂપિયા ૬૦ લાખનું સોનું જપ્ત કર્યું
નવી દિલ્હી, ભારતમાં કસ્ટમ્સના કાયદાની આંટીઘૂંટી એવી છે કે સામાન્ય માણસ તેમાં ફસાઈ જાય તો ક્યાંયનો નથી રહેતો. વિદેશથી એક કિલો ગોલ્ડ લઈને આવેલા એક ગુજરાતીએ એરપોર્ટ પર પોતાની પાસેનું ગોલ્ડ ડિકલેર કરી દીધું છતાં કસ્ટમ્સે તેને જપ્ત કરી લીધું અને હવે ૬૦ લાખના સોનાના બદલામાં માત્ર ૧૫,૮૦૦ રૂપિયા ઓફર કરે છે
કારણ કે ગોલ્ડ બાર તો ટંકશાળમાં મોકલી દીધું છે. આવી આશ્ચર્યજનક ઘટના રાજકોટના વતની જસપાલ સિંહ તોમર સાથે બની છે. ૨૦૨૦માં તેઓ પોતાની બહેનના લગ્ન માટે દુબઈથી આવ્યા ત્યારે પોતાની સાથે એક કિલોનો ગોલ્ડ બાર લાવ્યા હતા. તે સમયે તે સોનાની કિંમત ૪૧ લાખ રૂપિયા હતી.
કસ્ટમે સોનું જપ્ત કરીને મિન્ટ એટલે કે ટંકશાળમાં મોકલી દીધું હતું. તે ઘટનાના ત્રણ વર્ષ પછી કસ્ટમ વિભાગ માત્ર ૧૫,૮૦૦ રૂપિયાની ઓફર કરે છે અને જસપાલ સિંહ તોમર કસ્ટમ સામે કોર્ટમાં કેસ લડી રહ્યા છે. કસ્ટમની ઓફર સ્વીકારવામાં જસપાલ સિંહને ભારે નુકસાન છે કારણ કે આજે એક કિલો સોનાની કિંમત લગભગ ૬૦ લાખ રૂપિયા થાય છે.
ત્રણ વર્ષની અંદર સોનાનો ભાવ લગભગ ૫૦ ટકા વધી ગયો છે પરંતુ કસ્ટમ આ વાત સમજવા તૈયાર નથી. જસપાલ સિંહ તોમર આ અન્યાય સામે ગુજરાત હાઈકોર્ટમાં કેસ લડી રહ્યા છે. તેમના વકીલ મનન પાનેરીએ જણાવ્યું કે ફેબ્રુઆરી ૨૦૨૦માં તોમર અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા ત્યારે તેમની પાસે એક કિલો સોનાનો બાર હતો.
તેમણે રેડ ચેનલ પર આ ગોલ્ડનું ડિકલેરેશન આપી દીધું હતું અને તેના પર લાગુ પડતી ડ્યૂટી ચુકવવા તૈયારી દેખાડી હતી. છતાં કસ્ટમે તેમનું સોનું જપ્ત કર્યું હતું. જસપાલ સિંહ તોમરે આ સોનું ફરીથી દુબઈ એક્સપોર્ટ કરવાની ઓફર કરી છતાં તેનો અસ્વીકાર થયો. તેમના પર ૩૦ લાખની પેનલ્ટી કરવામાં આવતા તેમણે કસ્ટમ કમિશ્નર સમક્ષ અપીલ કરી.
૨૪ મે ૨૦૨૨ના રોજ તેઓ પેનલ્ટી ચુકવવા પણ તૈયાર હતા. કારણ કે એક કિલો સોનાનો ભાવ હવે ૬૦ લાખની નજીક હતો અને તેમણે પેનલ્ટી ભરી હોત તો પણ ૩૦ લાખ રૂપિયાની બચત થવાની હતી. પરંતુ કસ્ટમે જણાવ્યું કે તેમના ગોલ્ડ બારને ઓગસ્ટ ૨૦૨૨માં ટંકશાળમાં મોકલી દેવાયું છે જે પરત મળી શકે તેમ નથી.
તેના કારણે તોમર હાઈકોર્ટમાં ગયા અને તેમનું એક કિલો ગોલ્ડ બાર પરત અપાવવા માટે અરજી કરી. તેમણે એમ પણ કહ્યું કે તેઓ પેનલ્ટીના રૂપિયા ચુકવી દેવા માટે તૈયાર છે. આ દરમિયાન કોર્ટમાં એ દલીલો ચાલે છે કે તોમરની અપીલ પેન્ડિંગ હોય ત્યારે કસ્ટમ પાસે ગોલ્ડનો નિકાલ કરવાનો અધિકાર છે કે નહીં.