અમદાવાદમાં ઈ-વ્હિકલ માટે ૨૪ ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવામાં આવશે
(એજન્સી)અમદાવાદ, દેશમાં ઈલેક્ટ્રિક વાહનોની લોકપ્રિયતા ખૂબ ઝડપથી વધી રહી છે. વાહનોથી થતું કાર્બન ઉત્સર્જન, ગ્લોબલ વોર્મિગ અંગે વધી રહેલી જાગૃતિ, ઉત્સર્જન અંગેના કડક માપદંડ અને સરકાર દ્વારા મળતા પ્રોત્સાહનના કારણે ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીમાં વધારો થઈ રહ્યો છે.
દેશમાં ઇલેક્ટ્રિક વ્હીકલનો ક્રેઝ વધી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં ઈ-વ્હિકલ માટે ૨૪ ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવામાં આવશે. એએમસીએ કુલ ૨૪ ચાર્જિંગ સ્ટેશન માટે ટેન્ડર બહાર પાડ્યા હતા. જેમાંથી હાલમાં ૧૨ સ્ટેશન પર કામ ચાલી રહ્યું છે.
અમદાવાદના પ્રહલાદ નગર, સિંધુભવન, ગુરુકુળ સહિતના વિસ્તારોમાં ચાર્જિંગ સ્ટેશનો ઉભા કરાયા છે. એએમસીએ ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન માટે ઈ-વેમ્પ નામની ખાનગી કંપનીને કામ સોંપ્યું છે. એએમસી દ્વારા પીપીપી ધોરણે ઇ-વેમ્પ કંપની સેવા પૂરી પાડશે. આ ચાર્જિંગ સ્ટેશન શરૂ થયા બાદ ઈવી ૩૫ મિનિટમાં ચાર્જ થઈ જશે.
આ ચાર્જિંગ સ્ટેશનો પર પહેલીવાર ફ્રી ચાર્જિંગ કરી આપવામાં આવશે. જ્યારે ૫ ચાર્જિંગ સુધી ૫૦ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ અંગે આર વેમ્પ કંપનીના ફાઉન્ડર દેવાંશ શાહે જણાવ્યું કે, અત્યારે અમદાવાદના ૧૨ લોકેશન શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે.
જેમાં સિંધુભવન, ઇન્કમટેક્સ, પ્રહલાદનગર, નરોડા, નિકલો, સીટીએમ વગેરે વિસ્તારમાં ચાર્જિંગ સ્ટેશનો બનાવવામાં આવી રહ્યા છે. ચાર્જિંગ સ્ટેશન શરૂ થયા બાદ ચાર્જિંગ સ્ટેશનો પર પહેલીવાર ચાર્જિંગ કરાવતા વાહનચાલકોને ફ્રી ચાર્જિંગ કરી આપવામાં આવશે.