અમરાઈવાડીમાં જુગારના અડ્ડા પર SMCનો દરોડોઃ ૧રની ધરપકડ
સંચાલક લોકોને બોલાવી-અંદર બહારનો જુગાર રમાડતો
(એજન્સી)અમદાવાદ, અમરાઈવાડીમાં ચાલતા જુગારના અડ્ડા પર સ્ટેટ મોનીટરીગ સેલની ટીમે દરોડો પાડીને અંદર બહારનો જુગાર રમતા ૧ર માણસોને ઝડપી લીધા હતા. તેમની પાસેથી રોકડા રૂ.પ૦ હજાર ૭ મોબાઈલ અને ૩ વાહન મળીને કુલ રૂા.૧.પ૮ લાખનો મુદામાલ પોલીસે કબજે કર્યો હતો.
આ જુગારધામ પણ અમરાઈવાડી પોલીસની મીઠી નજર હોવાના પણ ગંભીર આક્ષેપો થઈ રહયા છે. અમરાઈવાડી સ્વસ્તિક ચાર રસ્તા જાેગણી માતાના મંદીર પાસેની સુખસાગર સોસાયટીમાં રહેતો પ્રકાશ વસંતભાઈ પરમાર અંદર-બહારનો જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનીટરીગ સેલની ટીમે રવીવારે સાંજે દરોડો પાડયો હતો.
આ રેઈડ દરમ્યાનમાં ત્યાંથી જુગાર રમતા પ્રકાશ પરમાર, ઉમેશ ઠાકોર, મૌલીક મકવાણા, હસમુખભાઈ દંતાણી, આકાશ ચાવડા, નીતીનભાઈ દેવીપુજક વિજયલુહાર, સુરેશ કુમાર સાધુ, સુનીલ ઠાકોર ડાહ્યાભાઈ ચાવડા અનીલ રાઠોડ અને દીપક મીસ્ત્રીની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે તેમની પાસેથી રૂ.પ૦ હજાર રોકડા ૭ મોબાઈલ અને રૂ.૮૦ હજારની કિમતના ૩ વાહન મળીને કુલ રૂ.૧.પ૮ લાખની કિમતનો મુદામાલ જજપ્ત કરવામાં આવ્યો હતો. આ અંગે સ્ટેટ મોનીટરીગ સેલના અધિકારીએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ માટે જુગાર રમતા પકડાયેલા ૧ર માણસોને અમરાઈવાડી પોલીસને સોપી દીધા હતા.
ઉલ્લેખનીય છેકે, અમદાવાદ પોલીસ કમીશ્નર તરીકે જી.એસ. માલીકની નિમણુંક થતા તેમણે દારૂ-જુગાર સહીતની ગેરકાયદે પ્રવૃત્તિ સંપૂર્ણ બંધ કરાવી દેવા પોલીસને કડક સુચના આપી હતી. તેમ છતાં કેટલાક વિસ્તારોમાં દારૂ જુગાર સહીતની પ્રવૃત્તિ હાલમાં પણ ચાલી રહી હોવાથી પીસીબી અને સ્ટેટ મોનીટરીગ સેલ દરોડા પાડી રહી છે.
જેના ભાગરૂપે ગોમતીપુરની એક હોટલમાંથી બે દિવસ પહેલા જુગાર રમતા કોગ્રેસના માજી કોર્પોરેટર સહીત ૬ લોકોને પીસીબીએ ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.