રાખડીના ભાવમાં ૧૦થી ર૦ ટકાનો વધારો છતાં બજારોમાં ઉત્સાહ
રક્ષાબંધનના તહેવાર માટે અમદાવાદીઓમાં ઉત્સાહઃ પરંપરાગત ગોટા-નાડાછડીની હળવીફૂલ રાખડી ઓલટાઈમ ફેવરિટ, વેપારીઓના ચહેરા પર પણ રોનક જાેવા મળી
અમદાવાદ, શ્રાવણ સુદ પૂનમ એટલે રક્ષાબંધન. આ દિવસ નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખાય છે. ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બજારમાં બહેનો પોતાના ભાઈ માટે રાખડીની ખરીદી કરવા પહોંચી રહી છે.
આ વર્ષે બજારમં ૪૦૦૦થી વધુ ડિઝાઈનની અવનવી રાખડીઓ ખાસ જાેવા મળી રહી છે. જાે કે ગત વર્ષની સરખામણીએ રાખડીમાં કોઈ ખાસ નવી ડિઝાઈન નથી, પરંતુ ગોટા અને નાડાછડીની બનેલી હળવીફૂલ ડિઝાઈનની રાખડી ઓલટાઈમ હોટ ફેવરિટ છે. રાખડીમાં આ વર્ષે ૧પથી ર૦ ટકાનો ભાવ વધારો જાેવા મળી રહ્યો છે.
ભાવમાં વધારો છ તાં પણ બજારોમાં છેલ્લા દિવસો સુધી ધૂમ ખરીદી જાેવા મળી રહી છે. રક્ષાબંધનમાં બહેન પોતાના ભાઈની રક્ષા માટે રાખડીની ખરીદી કરતી હોય છે, પરંતુ આ વર્ષ ગત વર્ષની સરખામણીએ રો-મટીરિયલના થયેલા ભાવમાં વધારાના કારણે ૧૦થી ર૦ ટકાનો ભાવ વધારો રાખડી બજારમાં જાેવા મળી રહ્યો છે.
રક્ષાબંધનના તહેવાર માટે અમદાવાદીઓમાં અદમ્ય ઉત્સાહ દેખાઈ રહ્યો છે. ઘણાં લાંબાસમય બાદ આવી ખરીદી નીકળતા વેપારીઓના ચહેરા પર પણ રોનક જાેવા મળી છે. વેપારીઓના જણાવ્યા અનુસાર છેલ્લા ઘણાં વર્ષોથી લુમ્બા રાખડીનો ક્રેઝ વધતો જાેવા મળી રહ્યો છે.
ખાસ કરીને લુમ્બામાં બ્રેસલેટ ટાઈપ રાખડીની ડિમાન્ડ વધુ જાેવા મળી રહી છે. બહેનો ભાઈની સાથે લુમ્બા રાખડી તેમની ભાભીને બાંધે છે. આ વર્ષે બજારમાં અવનવી હજારો ડિઝાઈનની રાખડી જાેવા મળી રહી છે, જેમાં ૧૦ રૂપિયાથી લઈને પ૦૦ રૂપિયા સુધીની રાખડી બજારમાં ઉપલબ્ધ છે,
જેમાં આ વર્ષે અમેરિકન ડાયમંડ રાખડી, રોલર રાખડી, કુંદન રાખડી, ચંદન રાખડી, રૂદ્રાક્ષ રાખડીનો ક્રેઝ વધુ જાેવા મળે છે, જ્યારે બાળકોમાં અલગ અલગ કાર્ટૂન તેમજ લાઈટિંગ અને મ્યુઝિકવાળી રાખડી નવી આવી છે. જે બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે, જેમાં ૪૦૦થી વધુ ડિઝાઈન ઉપલબ્ધ છે.
વાંસમાંથી બનતી રંગબેરંગી અને જુદી-જુદી ડિઝાઈનની પ્રાકૃતિક-ઈકો ફ્રેન્ડલી રાખડી પણ બજારમાં ધૂમ મચાવી રહી છે. આ રાખડીઓની કિંમત પ૦થી ર૦૦ રૂપિયા છે. શહેરમાં આ વખતે સિલ્વર અને ગોલ્ડની ખાસ ડિઝાઈનની રાખડીઓ જાેવા મળી રહી છે. આ રાખડીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ રામ મંદિર અને ચંદ્રયા-૩ની અદ્ભૂત ડિઝાઈન બનાવવામાં આવી છે, જે આકર્ષણનું કેન્દ્ર બની છે.
આ વર્ષ બજારમાં રાજા મહારાજાઓના આભૂષણો પર જાેવા મળતી ડિઝાઈન ધરાવતી છાણ અને મેટલમાંથી બનેલી રાખડી જાેવા મળી રહી છે. રાખડીની ડિજાઈનમાં ગણપતિ, સાથિયા, લક્ષ્મીજી, ફૂલ-પાન વગેરેને જડતર તેમજ રંગોથી સજાવીને બનાવવામાં આવી છે.
રાખડી વેચતા વેપારીઓએ કહ્યું કે સામાન્ય રીતે રક્ષાબંધનના એક મહિના પહેલાં તો અમારો ધંધો ૬૦થી ૭૦ ટકા જેટલો થઈ જતો હોય છે. ચીની ઉત્પાદનોના બહિષ્કારની ઝૂંબેશના કારણે રાખડી બજાર હવે મેડ ઈન ઈન્ડિયા બન્યું છે. અત્યારે જારમાં જે પણ રાખડીઓ જાેવા મળી રહી છે તે દેશમાં જ તૈયાર થયેલી હોય છે.