નડિયાદની મૈત્રી સંસ્થાના દિવ્યાંગ બાળકોએ રાખડીઓ બનાવી
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) શાળા નં. -૪ પીજ ભાગોળ ખાતે આવેલ મૈત્રી સંસ્થામાં દિવ્યાંગ બાળકોને શિક્ષણ, તાલીમ, વ્યાવસાયિક તાલીમ વગેરે દ્વારા છેલ્લા ૨૫ વર્ષથી તેઓનો સર્વાંગી વિકાસ કરી સમાજમાં પુનર્વસન કરવામાં આવે છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે દિવ્યાંગ બાળકો રુદ્રાક્ષ, ક્રિસ્ટલ, મોતી, સ્ટોન, છેડીયા, ડાયમંડ, દોરા, પેન્ડલ ,કજરી, કેપ, એન્ટીક મટીરીયલ વગેરેનો ઉપયોગ કરી ફેન્સી ડિઝાઇનર રાખડીઓ તથા પૂજાની થાળી અને કંકાવટી પોતાના સ્વ હસ્તે બનાવી છે.
આ રાખડીઓનું પ્રદર્શન તથા વેચાણ નજીવી કિંમતે કરવામાં આવે છે, જે બજાર કરતા પણ સારી અને કિફાયતી હોય છે. આ દિવ્યાંગ બાળકો દ્વારા બનાવેલ રાખડીયો નું પ્રદર્શન અને વેચાણ ચારૂસેટ યુનિવર્સિટી ચાંગા ખાતે તથા જિલ્લા કોર્ટ કમ્પાઉન્ડ નડિયાદ ખાતે પણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત છેલ્લા એક મહિનાથી મૈત્રી સંસ્થામાં પણ પ્રદર્શન અને વેચાણ રાખવામાં આવેલ છે
આ દિવ્યાંગ બાળકો દ્વારા બનાવેલ રાખડીયો નડિયાદ ઉપરાંત વિદેશમાં વસતા લોકો પણ ખૂબ જ ઉત્સાહભેર મંગાવે છે જેમાં અમેરિકા,કેનેડા, લંડન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, આફ્રિકા વગેરે જેવા દેશોમાંથી પણ આ રાખડીઓ મંગાવવામાં આવે છે આ વર્ષે મૈત્રી સંસ્થાના દિવ્યાંગ બાળકો છેલ્લા અઢી મહિનાથી વિવિધ હેન્ડમેઇડ ડિઝાઇનર ફેન્સી રાખડીયો બનાવી રહ્યા છે અને જેમનો લક્ષ્યાંક ૫૦૦૦ ઉપર રાખડીઓ બનાવવાનો છે.
આ દિવ્યાંગ બાળકો દ્વારા બનાવેલ રાખડીયો પ્રદર્શન અને વેચાણ ઉપરાંત સ્લમ વિસ્તાર માં વિનામૂલ્યે આપવામાં આવે છે તથા જેલમાં કેદીઓને પણ મોકલવામાં આવે છે અને રાખી સેલિબ્રેશન અંતર્ગત સંતો ,સરકારી અધિકારીશ્રીઓ, રાજકીય અગ્ર ગણીય વ્યક્તિઓ, દાતાઓ તથા શુભેચ્છકોને મૈત્રીની દિવ્યાંગ બાળાઓ રક્ષા બાંધી તેમના આરોગ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરે છે