ન્યૂજર્સીના રોબિન્સવિલમાં BAPS અક્ષરધામ ખાતે પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિ દિન ઉજવાયો
પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય જીવન, અદ્વિતીય કાર્ય અને પ્રેરણાદાયી મૂલ્યોના સ્મરણ સાથે અનેક સંતો, હરિભક્તોએ શ્રદ્ધાંજલિ આપી
બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થાના અધ્યક્ષ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં રૉબિન્સવિલમાં છેલ્લાં દોઢ મહિનાથી ઉજવાઇ રહેલાં “ફેસ્ટિવલ ઓફ ઈન્સપીરેશન્સ એટલે કે “પ્રેરણાના મહોત્સવ” અંતર્ગત,
તા: 25 ઓગસ્ટના રોજ પ્રમુખસ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પતાં વિશિષ્ટ કાર્યક્રમમાં હજારો હરિભક્તો ભાવવિભોર બન્યા હતા. પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે પ્રમુખસ્વામી મહારાજ સાથેના તેઓના સંસ્મરણો અને દિવ્ય અનુભૂતિઓ વર્ણવી હતી. પ્રમુખસ્વામી મહારાજના નમ્રતા, નિસ્વાર્થ પ્રેમ અને અન્ય અનેક કલ્યાણકારી ગુણોના મૂળમાં તેઓનું ભગવાન સાથે નિરંતર અનુસંધાન હતું.
આ સમગ્ર કાર્યક્રમમાં અનેક સંતોએ પ્રમુખસ્વામી મહારાજ સાથેના તેઓના અંગત અનુભવો અને સંસ્મરણોની હ્રદયસ્પર્શી સ્મૃતિઓ રજૂ કરી. પૂજ્ય સંતોએ જણાવ્યું કે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે શાંતિ અને ધૈર્ય દ્વારા અનેક લોકોના જીવનમાં પરિવર્તન આણ્યું અને સૌને અનેરી કાળજી અને હૂંફ દ્વારા સમતાથી પ્રેમ આપ્યો.
બી.એ.પી.એસના વિદ્વાન વક્તા સંત પૂ. અક્ષરવત્સલદાસ સ્વામીએ જણાવ્યું, “ જેમ કોઈ વ્યક્તિ પુષ્પને હાથમાં રાખીને બાજુ પર મૂકી દે, તો પણ પુષ્પની સુગંધ તો હાથમાં રહી જાય છે. તેમ પ્રમુખસ્વામી મહારાજના ક્ષણિક સંપર્કમાં આવનારને પણ તેઓના દિવ્ય ગુણોનો સ્પર્શ થઈ જતો.”
અનેક દાયકાઓથી પ્રમુખસ્વામી મહારાજના ઘનિષ્ઠ સાંનિધ્યમાં રહેલાં અને અનેકવિધ સેવાપ્રવૃત્તિઓનું વહન કરનાર, બી.એ.પી.એસના વરિષ્ઠ સંત સદ્ગુરુ પૂ. ઈશ્વરચરણદાસ સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજની નમ્રતાના ગુણ માટે જણાવ્યું, “સમગ્ર જીવનકાળ દરમિયાન અનેકવિધ મહાનતમ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોવા છતાં પ્રમુખસ્વામી મહારાજ હંમેશા સઘળી સિદ્ધીઓનું શ્રેય ભગવાનને આપી દેતા. ”
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે પ્રમુખસ્વામી મહારાજ સાથેના તેઓના પ્રસંગોની સ્મૃતિઓ કરતાં જણાવ્યું,
“પ્રમુખસ્વામી મહારાજ સદા અહંશૂન્ય વર્ત્યા. દાયકાઓ પહેલાં તેમણે લીધેલી સેવાની પ્રતિજ્ઞા તેઓએ જીવનની પ્રત્યેક ક્ષણ નિભાવી જાણી. આપણે સૌ સાક્ષી છીએ કે તેઓ કેવું જીવી ગયા અને સંતો અને ભક્તો માટે કેટલું કર્યું! તેઓ અસામાન્ય હતા, પરંતુ સરળ થઈને વર્ત્યા. તેમણે કરેલું પ્રત્યેક કાર્ય ભાવિ પેઢીઓને ઉજાળતું રહેશે. દિવસ કે રાતની પરવા કર્યા વિના, શારીરિક તકલીફોને ગણકાર્યા વિના તેઓ ભક્તોની વચ્ચે વિચરતા રહ્યા.”
કાર્યક્રમમાં અનેકવિધ મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજનો તેઓના જીવનમાં પ્રભાવ વિષયક સ્વાનુભવો રજૂ કર્યા હતા. નેટસન હોટેલ ગ્રુપના સીઈઓ શ્રી સુભાષ સામ પટેલે તેમના જીવનના એક નિર્ણાયક પડાવ વિષયક સ્વાનુભવ રજૂ કરતાં કહ્યું કે જ્યારે તેઓ પોતે તેઓની એન્જિનિયરિંગ ક્ષેત્રમાં કારકિર્દીને લઈને દ્વિધામાં હતા,
ત્યારે પ્રમુખસ્વામી મહારાજે તેઓને વ્યવસાયમાં ઝંપલાવવા માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કહ્યું, “ મારી સફળતા પ્રમુખસ્વામી મહારાજના સૂચન-માર્ગદર્શનને આભારી છે. હું મારા દીકરાને કહું છું કે જો તારે અનુશાસન શીખવું હોય તો પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી શીખજે.“
ત્યારપછી, ડેની ગાયકવાડ ડેવલપમેન્ટ્સ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ્સના સ્થાપક દિગ્વિજય ડેની ગાયકવાડે પોતાનો અનુભવ રજૂ કર્યો. ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન જ્યારે ગાંધીનગર અક્ષરધામમાં પ્રમુખસ્વામી મહારાજની મુલાકાતે આવ્યા, ત્યારે શ્રી ગાયકવાડ અમેરિકી પ્રતિનિધિમંડળમાં સાથે હતા.
તે સમયે થોડી ક્ષણો માટે પ્રમુખસ્વામી મહારાજ અને બિલ ક્લિન્ટન કોઈ દુભાષિયાની મદદ વગર પોત-પોતાની સ્થાનિક ભાષામાં જ વાર્તાલાપ કરી રહ્યા હતા, તે ક્ષણો શ્રી ગાયકવાડ માટે અચરજ ઉપજાવનારી હતી. તેમણે પોતાનો અનુભવ જણાવતાં કહ્યું,” તેઓ બંને અલગ ભાષાઓ બોલી રહ્યા હતા, પરંતુ તેવું લાગી રહ્યું હતું કે તેઓ સઘળું સમજી રહ્યા છે. આવું ત્યારે જ બની શકે કે જ્યારે તમે કાં તો સ્વયં ભગવાન હો અથવા ભગવાનની સમીપ હો.”
સાઉથ એશિયન ટાઈમ્સના સ્થાપક કમલેશ મહેતાએ સ્વાનુભાવ વર્ણવતાં કહ્યું, “ પ્રમુખસ્વામી મહારાજનો પ્રેમાળ સ્પર્શ અને તેમની કરુણાસભર આંખોનું હું હંમેશા સ્મરણ કરું છું. હું દ્રઢપણે એવું માનું છું કે તેઓના આ દિવ્ય સંસ્મરણોના પ્રભાવને કારણે હું સારો માનવી બની શક્યો છું.
તેઓને જેમાં ‘પર્સન ઓફ ધ યર’ તરીકે સન્માનવામાં આવ્યા હતા તે 2014ના અંકને તેઓની સમક્ષ પ્રસ્તુત કરવાની મને તક મળી હતી, તે મારા માટે લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ તુલ્ય છે. તેમના હસ્તાક્ષર તે ન્યૂઝપેપર ઉપર પ્રાપ્ત થયા, તેના માટે હું ધન્યતાની લાગણી અનુભવું છું.” 9 વર્ષ પછી, શ્રી મહેતાએ ખૂબ આદરભાવ સાથે મહંત સ્વામી મહારાજ સમક્ષ અખબાર અને પેન અર્પણ કર્યા હતા.
પૂર્ણતાના આરે આવીને ઉભેલું BAPS સ્વામિનારાયણ અક્ષરધામ, જેનું ઓકટોબર 2023 માં ઉદ્ઘાટન થવાનું છે, તે પ્રમુખસ્વામી મહારાજનો સંકલ્પ હતો. તેમની દીર્ધદ્રષ્ટિ અને માર્ગદર્શનથી પ્રેરિત આ અક્ષરધામમાં, પ્રત્યેક સ્વયંસેવક અભૂતપૂર્વ સમયદાન દ્વારા, નિસ્વાર્થ સેવા દ્વારા, શાશ્વત શાંતિ અને
મૂલ્યોના ધામ એવા અક્ષરધામના પ્રેરણામૂર્તિ પ્રમુખસ્વામી મહારાજને ભવ્ય અંજલિ આપી રહ્યો છે. પ્રમુખસ્વામી મહારાજનો ઉદાત્ત મૂલ્યવારસો આજે પણ જીવંત છે, તે આ કાર્યક્રમ દ્વારા સૌ કોઈએ અનુભવ્યું હતું.