સંદેશરના દંપત્તિનું ગળે ફાંસો ખાધેલી હાલતમાં શંકાસ્પદ મોત
(એજન્સી)આણંદ, આણંદ નજીક આવેલા સંદેશર ગામના કંકુડી વિસ્તારમાં રહેતું એક યુવાન દંપત્તિ આજે સવારના સુમારે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃત અવસ્થામાં મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે વિદ્યાનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સંદેશરના કંકુડી વિસ્તાર ઈન્દિરા નગરી પાસે રહેતો અલ્પેશભાઈ મનુભાઈ તળપદા (ઉ. વ. ૨૫)પોતાના મોટાભાઈ રીન્કેશ સાથે શાકભાજીનો વેપાર કરીને ગુજરાન ચલાવતો હતો. ઘરના આગળના ભાગે તે પોતાની પત્ની આરતીબેન સાથે રહેતો હતો
જ્યારે પાછળના ભાગે રીન્કેશભાઈ અને નજીકમાં આવેલા છાપરામાં તેણીની માતા રહેતી હતી. આજે સવારના દશેક વાગ્યાના સુમારે અલ્પેશભાઈ અને આરતીબેન બન્ને ખાટલાની રસી વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ વિદ્યાનગર પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ તુરંત જ ઘટનાસ્થળે ધસી ગઈ હતી
અને તપાસ કરતા બન્નેના ગળાના ભાગે ફાંસો ખાધેલાના નિશાન મળી આવ્યા હતા. જાે કે બન્નેને ખાટલામાં સુવડાવ્યા હોઇ તેમણે જાતે ફાંસો ખાધો કે કોઈએ ફાંસો આપી દીધો જેવી બાબતે રહસ્ય સર્જાયું હતુ.
જેને લઈને પોલીસે બન્ને લાશોનો કબ્જાે લઈને અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવવા માટે કરમસદની હોસ્પિટલમાં મોકલી આપી હતી.
જ્યાં પીએમ કરવામાં આવતાં પ્રાથમિક દ્રષ્ટીએ ગળે ફાંસો ખાવાથી મોત થયાનું ખુલવા પામ્યું છે. પરંતુ વીસેરા લઈને ગાંધીનગર એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા છે. જ્યાં પૃથ્થકરણ બાદ બન્નેના મોત પરથી પર્દાફાશ થઈ જશે તેમ મનાઈ રહ્યું છે.