હિંમતનગરની ૩ હોસ્પિટલને PMJAYની કામગીરીથી દુર કરાઈ
ભાગ્યોદય હોસ્પિટલને રૂ.પ૦ હજારનો દંડ-સાબરકાંઠા આરોગ્ય વિભાગે PMJAYની કામગીરી કરતી હોસ્પિટલોમાં ચેકિંગ કર્યું
હિંમતનગર, સાબરકાંઠા જિલ્લામાં ખાનગી હોસ્પિટલોમાં પીએમજેવાય મા યોજનાની કામગીરીમાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિઓ થતી હોવાની ફરિયાદ બાદ સાબરકાંઠાની ૬ હોસ્પિટલોમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું
જેમાં હોસ્પિટલોમાં પીએમજેવાય મા યોજનાની ગેરરીતિઓ માલૂમ પડતાં હિંમતનગર શહેરમાં આવેલી શંકુઝ કેન્સર હોસ્પિટલ, સંજીવની નિયોનેટલ હોસ્પિટલ અને ભાગ્યોદય હોસ્પિટલને યોજનાકીય અનિયમિતતાને કારણે પીએમજેવાય મા યોજનાની કામગીરીમાંથી દૂર કરાયા હતા. ભાગ્યોદય હોસ્પિટલને રૂ.પ૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજ સુતરીયાએ જણાવ્યું હતું કે સોમવારે હિંમતનગરની ભાગ્યોદય હોસ્પિટલ, શંકુઝ કેન્સર હોસ્પિટલ અને સંજીવની નિયોનેટલ હોસ્પિટલ તેમજ ખેડબ્રહ્માની જીવન જયોત હોસ્પિટલ તલોદની આશીર્વાદ હોસ્પિટલ અને ઈડરની આસ્થા સર્જીકલ હોસ્પિટલ ખાતે યોજનાકીય કામગીરી અંતર્ગત ચકાસણી કરવામાં આવી હતી.
જે દરમિયાન આ હોસ્પિટલોમાં ગુણવત્તાયુકત સેવાઓ, જરૂરી સુવિધાઓ, ફાયર એનઓસી, બીયુ પરમીશન, બાયોમેડીકલ વેસ્ટ મેનેજમેન્૭ જેવા જરૂરી મુદ્દાઓની જીણવટતાપૂર્વક ચકાસણી કરવામાં આવી હતી.
હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને હોસ્પિટલમાં આવતા આવતી સારવાર, સેવાઓ અંગે સ્વચ્છતા, ડોકટર અને સ્ટાફની વર્તણૂંક તથા હોસ્પિટલ દ્વારા લેબોરેટરી તથા અન્ય તપાસ મફતમાં કરવામાં આવે છે કે કેમ તે બાબતે પણ ટીમ દ્વારા પુછપરછ કરવામાં આવી હતી.
આ તપાસ દરમિયાન હિંમતનગર ખાતેની ભાગ્યોદય હોસ્પિટલમાં પીએમજેવાય મા યોજનામં નોંધણી થયેલા દર્દીઓમાંથી એક દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું ન હતું જેની ચકાસણી ટીમ દ્વારા રિપોર્ટ કરાયા બાદ જિલ્લા આરોગ્ય અધિકારીની સુચના અનુસાર ભાગ્યોદય હોસ્પિટલને રૂ.૧૦ હજાર પેસન્ટ પેકેજના પાંચગણા એટલે કે રૂ.પ૦ હજારનો દંડ ફટકારવામાં આવ્ય્ હતો.
આ ઉપરાંત ૬ હોસ્પિટલો પૈકી હિંમતનગરની શંકુઝ કેન્સર હોસ્પિટલ, સંજીવની નિયોનેટલ હોસ્પિટલ અને ભાગ્યોદય હોસ્પિટલને યોજનાકીય અનિયમિતાઓને કારણે પીએમજેવાય મા યોજનાની કામગીરીમાંથી કામચલાઉ રીતે સ્થિગત કરવાનો આદેશકરાયો હતો.