મણિપુરમાં ૭૨ કલાકમાં ૫ લોકોનાં મોત અને ૧૮ ઘાયલ
નવી દિલ્હી, મણિપુરમાં હિંસા અટકી રહી નથી. તાજેતરના ગોળીબારમાં અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે બે સમુદાયો વચ્ચે સતત ગોળીબાર બાદ છેલ્લા ૭૨ કલાકમાં મણિપુરના બિષ્ણુપુર અને ચુરાચંદપુર જિલ્લામાં ઓછામાં ઓછા પાંચ લોકો માર્યા ગયા હતા. 5 people died and 18 injured in 72 hours in Manipur
આ દરમિયાન ૧૮ ઘાયલ થયા છે. અધિકારીએ જણાવ્યું કે, બિષ્ણુપુર જિલ્લાના ખોઈરંતકની તળેટીમાં અને ચુરાચંદપુર જિલ્લાના ચિંગફેઈ અને ખૌસાબુંગ વિસ્તારોમાં ગોળીબાર ચાલી રહ્યો હતો. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, અધિકારીએ જણાવ્યું કે હિંસા મંગળવારે (૨૯ ઓગસ્ટ) ના રોજ શરૂ થઈ હતી જ્યારે ખોઇરેંટક વિસ્તારમાં ભારે ગોળીબાર બાદ આશરે ૩૦ વર્ષની વયના એક ગામ સ્વયંસેવકનું મોત થયું હતું.
તેમણે જણાવ્યું કે બુધવાર સાંજથી થોડા કલાકોની શાંતિ બાદ ગુરુવારે સવારે ફરીથી બે જૂથો વચ્ચે ગોળીબાર શરૂ થયો. અધિકારીઓએ જણાવ્યું હતું કે બુધવારની હિંસામાં ઘાયલ એક વ્યક્તિનું મિઝોરમ થઈને ગુવાહાટી જતી વખતે મૃત્યુ થયું હતું. અન્ય એક ઘાયલ વ્યક્તિનું પણ ગુરુવારે સવારે ૯ વાગ્યે ચુરાચંદપુર જિલ્લા હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું, જ્યાં તેની સારવાર ચાલી રહી હતી.
અધિકારીઓએ જણાવ્યું કે મંગળવારે બિષ્ણુપુરના નારાયણસેના ગામ પાસે હિંસાની અલગ-અલગ ઘટનાઓમાં બે લોકો માર્યા ગયા અને છ ઘાયલ થયા. સૂત્રોએ જણાવ્યું હતું કે એક પીડિતનું ગોળી વાગવાથી મૃત્યુ થયું હતું, જ્યારે બીજાનું મૃત્યુ ત્યારે થયું હતું જ્યારે તેની પોતાની દેશી બનાવટની બંદૂકની ગોળી તેના ચહેરા પર વાગી હતી.
દરમિયાન, ઈન્ડીજીનસ ટ્રાઈબલ લીડર્સ ફોરમ (આઈટીએલએફ) એ ચુરાચંદપુરમાં તાત્કાલિક ઇમરજન્સી બંધની હાકલ કરી છે કારણ કે હિંસામાં મૃત્યુઆંક પાંચ પર પહોંચી ગયો છે. ITLFના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પાણી અને તબીબી પુરવઠા સહિતની આવશ્યક સેવાઓને શટડાઉનમાંથી મુક્તિ આપવામાં આવી છે.
ITLFએ એવો પણ દાવો કર્યો હતો કે પીડિતોમાં ગાયક એલએસ મંગાબોઈ લંગડીમ (૫૦) પણ સામેલ છે, જેમણે ૩ મેના રોજ મણિપુરમાં વંશીય હિંસા ફાટી નીકળ્યા પછી ગીત બનાવ્યું હતું. એ પણ સરકારને લૂંટેલા હથિયારોની શોધ કરવા વિનંતી કરી છે.
મણિપુર પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું કે સુરક્ષા દળોએ કાંગપોકપી, થોબલ, ચુરાચંદપુર અને ઇમ્ફાલ-પશ્ચિમ જિલ્લાના સરહદી અને સંવેદનશીલ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું.
આ દરમિયાન પાંચ હથિયારો, ૩૧ દારૂગોળો, ૧૯ વિસ્ફોટક, IED સામગ્રીના ત્રણ પેક મળી આવ્યા હતા. પોલીસે વિવિધ જિલ્લાઓમાં ૧૩૦ નાકા પણ લગાવ્યા છે અને નિયમોના ભંગ બદલ ૧,૬૪૬ લોકોની અટકાયત કરી છે.