અમેરિકન ગ્રીન કાર્ડ માટે ભારતીયોની અરજીઓનો નિકાલ થવામાં વર્ષો લાગી જશે
અમેરિકન ગ્રીન કાર્ડ માટે 11 લાખ ભારતીયો લાઈનમાં
(એજન્સી)વોશિંગ્ટન, અમેરિકન ગ્રીન કાર્ડની પ્રોસેસ અત્યારે એટલી ધીમી ગતિએ ચાલે છે કે લાખો ભારતીયોની અરજીઓનો નિકાલ થવામાં વર્ષો નહીં પણ દાયકા લાગી જશે.
અત્યારે ભારતીયોની ગ્રીન કાર્ડ અરજીઓ ૧૩૪ વર્ષના બેકલોગમાં ફસાઈ ગઈ છે. એટલે કે આટલી ધીમી ગતિએ ગ્રીન કાર્ડ અપાતા રહેશે તો એક સદી કરતા વધુ સમય લાગી જશે.
અત્યારે જે અરજીઓ થઈ છે તેમાંથી ૧.૩૪ લાખ બાળકો છે જેમની ઉંમર ટૂંક સમયમાં લિમિટની બહાર જતી રહેશે. અમેરિકન ગ્રીન કાર્ડ માટે દુનિયાના દરેક ભાગમાંથી અરજીઓ આવી રહી છે, પરંતુ તેમાં ભારત, ચીન અને ફિલિપાઈન્સથી સૌથી વધુ અરજીઓ પેન્ડિંગ છે.
યુએસ ગ્રીન કાર્ડના નિયમ પ્રમાણે કુલ જે ગ્રીન કાર્ડ આપવાના હોય તેમાંથી કોઈ પણ એક દેશને ૭ ટકા કરતા વધારે ગ્રીન કાર્ડ ઈશ્યૂ કરી શકાય નહીં. આ ક્વોટાના કારણે ભારતીયોને સૌથી વધારે નુકસાન જાય છે.
તાજેતરમાં કેટો ઈન્સ્ટિટ્યુટના એસોસિયેટ ડિરેક્ટર ડેવિડ બિયર દ્વારા કરવામાં આવેલા અભ્યાસ પ્રમાણે લગભગ ૧૦.૭ લાખ ભારતીયોની અરજીઓ ગ્રીન કાર્ડના બેકલોગમાં છે. એટલે કે તેઓ EB-2 અને EB-3 કેટેગરી હેઠળ વેઈટિંગમાં છે. ગ્રીન કાર્ડની અરજી પ્રોસેસ કરવાની ગતિ નહીં વધે તો આટલી અરજીઓનો નિકાલ કરવામાં ૧૩૪ વર્ષ લાગી જશે. સ્થિતિ એવી છે કે હવે કોઈ નવી અરજી કરે તો તેમને તો આજીવન ક્યારેય ગ્રીન કાર્ડ નહીં મળી શકે.
આ રિપોર્ટમાં જણાવાયું છે કે ગ્રીન કાર્ડ માટે જેમણે અરજી કરી છે તેમાંથી ૪.૨૫ લાખ લોકો તો રાહ જાેતા જાેતા જ ગુજરી જશે અને તેમાંથી ૯૦ ટકા ભારતીયો હશે. અત્યારે એમ્પ્લોયર સ્પોન્સર્ડ અરજકર્તાઓની જે અરજીઓ છે તેમાંથી એકલા ભારતીયોનો ૫૦ ટકા હિસ્સો છે.
નવા સ્પોન્સર કરાયેલા ઈમિગ્રન્ટમાંથી અડધા કરતા વધુ લોકોને ગ્રીન કાર્ડ મળે તે અગાઉ તેમનું જીવન પૂરું થઈ જશે. અમેરિકાની ગ્રીન કાર્ડ પ્રોસેસ કરવાની સિસ્ટમ એટલી ધીમી છે કે તેની બધા લોકો ટીકા કરે છે.