ગોધરામાં MGVCL અને જી.યુ.વી.એન.એલ દ્વારા વીજ ચેકીંગ કરાયું
(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આજે એમ.જી.વી.સી.એલ અને જી.યુ.વી.એન.એલ દ્વારા સંયુક્ત રીતે વીજ ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જેમાં કુલ રૂ.૩૯.૭૫ લાખ ની એસેસમેંટ ઝડપી પાડવામાં આવી હતી.ઉપરોક્ત કામગીરી ને પગલે વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો.
ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આજ રોજ ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ અને મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ ગોધરા વીજ ચેકીંગ ની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેમાં પશ્ચિમ વિસ્તારના પેટા વિભાગના ફીડર જેવા કે લાલબાગ,નવા બજાર,સ્વામીનારાયણ ટાવર, પોલન બજાર, ગોન્દ્રા,સિગ્નલ ફળિયું,
સિવિલ લાઇન્સ,રહેમત નગર, જહુર પૂરા,શિકારી મહોલ્લા,મીઠીખાન મહોલ્લા, વ્હોરવાડ,ચેતન દાસ પ્લોટ, ગેની પ્લોટ વગેરે મા ૬૭ જેટલી ગેંગ(ટીમ) દ્વારા વીજ કનેકશનો ની તપાસ હાથ ધરી હતી.આ કાર્યવાહી દરમિયાન ૧૫૦૦ જેટલા વીજ કનેક્શન ની તપાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જે તપાસ દરમિયાન ૯૮ વીજ કનેક્શનમાં ગેરરિતી ઝડપાઇ હતી. અને આ ગેરરિતિમાં રૂ.૩૯.૭૫ લાખની એસેસમેન્ટ ઝડપી પાડવામાં આવી હતી અને આગામી દિવસોમાં વસુલાત ની કામગીરી હાથ ધરવામાં આવશે.આ કાર્યવાહીમાં ૫૪ લોકલ પોલીસ કર્મચારીઓ,જી.યુ.વી.એન.એલ નાં ૨૬ કર્મચારીઓ મદદ લેવામાં આવી હતી.