કેન્દ્રીય કર્મચારીઓ ‘વંદે ભારત’ અને ‘હમસફર’ એકસપ્રેસમાં મુસાફરી કરી શકશે
નવીદિલ્હી, કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ માટે સારા સમાચાર છે. નાણા મંત્રાલયના ખર્ચ વિભાગ દ્વારા જારી કરાયેલ ઓફિસ મેમોરેન્ડમ મુજબ હવે કેન્દ્રીય કર્મચારીઓ હાઇસ્પીડ ટ્રેન ‘વંદે ભારત’ અને ‘હમસફર’ એકસપ્રેસમાં મુસાફરી કરી શકશે.
નાણા મંત્રાલયે ઉપરોકત ટ્રેનોમાં કર્મચારીઓના ‘સત્તાવાર પ્રવાસ’ને મંજૂરી આપી છે. હવે તમામ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોના કર્મચારીઓ ‘વંદે ભારત’ અને ‘હમસફર’ એકસપ્રેસમાં પ્રવાસ, તાલીમ, ટ્રાન્સફર અને નિવૃત્તિ પર મુસાફરી કરી શકશે.
નાણા મંત્રાલયના ખર્ચ વિભાગ દ્વારા જારી કરાયેલ ઓફિસ મેમોરેન્ડમ અનુસાર, જે નિયમો કેન્દ્રીય કર્મચારીઓ માટે શતાબ્દી અને રાજધાની ટ્રેનમા મુસાફરી કરવા માટે બનાવવામાં આવ્યા છે, તે જ નિયમો હવે ‘વંદે ભારત’ અને ‘હમસફર’ એકસપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરવા માટે લાગુ થશે. અહીંના નિયમોનો અર્થ ‘પ્રવાસ માટે અધિકૃત’ છે.
અગાઉ સરકારી કર્મચારીઓને તાલીમ, ટ્રાન્સફર અને નિવૃત્તિ વખતે ઉપરોકત વાહનોમાં મુસાફરી કરવાની સુવિધા મળતી ન હતી. જાે કોઇ કર્મચારી ટ્રાન્સફર પર અન્ય જગ્યાએ જાય છે, તો તેને આ ટ્રેનોમાં મુસાફરી કરવાની સત્તાવાર પરવાનગી મળતી ન હતી.
જયારે એક કર્મચારી નિવૃત્તિ પર પોતાના વતન જતો હતો ત્યારે પણ આ ટ્રેનોની સુવિધાથી વંચિત રહેતો હતો. હવે તમામ કર્મચારીઓને પ્રવાસ, તાલીમ, ટ્રાન્સફર અને નિવૃત્તિ વખતે પણ ‘વંદે ભારત’ અને ‘હમસફર’ એકસપ્રેસમાં મુસાફરી કરવા માટે અધિકૃત કરવામાં આવશે.
ગયા વર્ષ સપ્ટેમ્બરમાં કેન્દ્રીય કર્મચારીઅને દેશની પ્રથમ ખાનગી ટ્રેન ‘તેજસ એકસપ્રેસ’માં મુસાફરી કરવાની તક આપવામાં આવી હતી. ભારત સરકારના નાણા મંત્રાલયના ખર્ચ વિભાગે આ અંગે આદેશ જારી કર્યા હતા. જે રીતે સરકારી કર્મચારીઓને ‘શતાબ્દી’ ટ્રેનમાં મુસાફરી કરવાની તક મળતી હતી.
તે જ રીતે મંત્રાલયે કેન્દ્રીય કર્મચારીઓને ‘તેજસ એકસપ્રેસ’માં મુસાફરી કરવાની સુવિધા પુરી પાડી હતી. નાણા મંત્રાલય દ્વારા સરકારી કર્મચારીઓ માટે મુસાફરીના અમુક નિયમો/શરતો નિર્ધારિત કરવામાં આવી છે. નાણા મંત્રાલયના ખર્ચ વિભાગે કહ્યું કે હવે આ ટ્રેનમાં સરકારી કર્મચારીઓ મુસાફરી કરી શકશે.