“સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારત’’ની થીમ આધારિત કાર્યક્રમો યોજાશે
તા.૧ થી ૩૦મી સપ્ટેમ્બર દરમિયાન પોષણ માહની ઉજવણી -રાજ્યમાં પોષણ આધારિત સંવેદના માટે માનવજીવનના મુખ્ય તબક્કાઓ વિશે જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કુપોષણ મુક્ત ભારતના સપનાને સાકાર કરવા ભારત સરકાર દ્વારા રાષ્ટ્રવ્યાપી પોષણ અભિયાન ચાલી રહ્યુ છે.
જે અંતર્ગત મહિલા અને બાળવિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસમાં કુપોષણ અને એનિમિયાના નિવારણ માટે પોષણ અભિયાનને જન આંદોલનનું સ્વરૂપ આપી ‘’પોષણ માહ’’ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે “સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારત’’ ની થીમ આધારે દેશભરમાં ઉજવણી કરાશે.
પોષણમાહની ગુજરાતમાં રાજ્યવ્યાપી ઉજવણીના આયોજન માટે ગાંધીનગર ખાતે આઈ.સી.ડી.એસના ડાયરેકટર શ્રી રણજીતકુમાર સિંહના અધ્યક્ષસ્થાને ઉચ્ચ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ વિભાગો દ્વારા કરાયેલી તૈયારીઓની વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ વર્ષે પોષણ ક્ષેત્રે ગુજરાત નંબર-૧ રહે એવા આયોજનો હાથ ધરવામાં આવ્યા છે.
આઈ.સી.ડી.એસના નાયબ નિયામક અને પોષણ અભિયાનના જોઈન્ટ પ્રોજેકટ કો.ઓર્ડિનેટર શ્રી નેહા કંથારિયાએ તમામ નોડલ અધિકારીશ્રીઓને પોષણ માહ-ર૦ર૩માં થનાર વિવિધ થીમ પર યોજાનાર પ્રવૃત્તિઓથી માહિતગાર કર્યા હતા. નોડલ અધિકારીશ્રીઓએ પણ “પોષણમાહ”ની તેમના વિભાગની પ્રવૃત્તિઓના આયોજનની વિગતો આપી હતી.
આ વર્ષે પોષણ માહની ઉજવણી દરમિયાન ભારતમાં પોષણ આધારિત માનવજીવનના મુખ્ય તબક્કાઓ એટલે કે ગર્ભાવસ્થા, બાલ્યાવસ્થા, બાળપણ અને કિશોરાવસ્થા વિશે જાગૃતિ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને આ વર્ષે “સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારત’’ પોષણ માહની થીમ નિયત કરાઈ છે.
પોષણ માહ ર૦ર૩ દરમિયાન, માત્રને માત્ર સ્તનપાન અને પૂરક આહાર, સ્વસ્થ બાળક સ્પર્ધા (SBS), પોષણ ભી પઢાઈ ભી (PBPB), મિશન LiFE દ્વારા પોષણ સ્તરમાં સુધારો, મારી માટી મારો દેશ (MMMD), આદિવાસી આઘારીત પોષણ સેન્સિટાઇઝેશન ટેસ્ટ, ટ્રીટ, ટોક – એનિમિયા થીમ પર ધ્યાન કેન્દ્રિત કરીને વિવિધ પ્રવૃત્તિઓનુ આયોજન કરવામાં આવશે.
રાજ્યભરમાં પોષણ માહની ઉજવણી નિમિત્તે વિભાગોના સંકલનથી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાશે જેમાં સ્તનપાન અને ઉપરી આહાર માટે વધુ સમજ કેળવવા માટે કેમ્પ તથા ગૃહ મુલાકાત કરી લાભાર્થીઓને સમજ, સ્તનપાનની યોગ્ય પદ્ધિઓ સહિત આહારલક્ષી વૈવિઘ્યતા વિશે લોકોને જાગૃત કરવામાં આવશે. તમામ આંગણવાડી કેન્દ્રોમાં સ્વસ્થ બાળક સ્પર્ધાનું આયોજન કરી ગ્રોથ મેઝરમેન્ટ ડ્રાઇવ (SAM/ MAM સ્ક્રીનીંગ)આરોગ્ય વિભાગના સહયોગથી કરવામાં આવશે.
સમગ્ર પોષણ માસ દરમ્યાન સમુદાય આઘારિત કાર્યક્રમો, મમતા દિવસની ઉજવણી, પોષણના 5 સૂત્ર અંતર્ગત પ્રથમ 1000 દિવસ હાઇજીન વિશે સેન્સેટાઇઝેશન પ્રવૃત્તિઓ, પ્રસૂતિ પૂર્વેની તપાસ, અન્નપ્રાશન દિવસ, સુપોષણ દિવસ, રસીકરણ કેમ્પ, સાયકલ રેલી / પદયાત્રા / પ્રભાત ફેરી, હાટ (ગુર્જરી) બજાર એક્ટીવિટી, સ્થાનિક આગેવાનો / નેતાઓ સાથે મિટીંગ, નુકકડ નાટક / ફોક શો (ભવાઇ શો), પોષણ વર્કશોપ / સેમીનાર, યુવા જૂથો સાથે મિટીંગ, તારૂણ્ય શિક્ષણ જેવી વૈવિઘ્ય સભર પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.
આ ઉપરાંત આઇસીડીએસના કર્મચારીઓ દ્વારા રોજ આંગણવાડીમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે જે તે મહિનામાં દાખલ થવા પાત્ર બાળકોનાં વાલી અને આંગણવાડીમાં આવતા બાળકોના વાલીઓની મુલાકાત કરાશે. આંગણવાડીમાં રમકડા અને રમત આધારિત શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સમુદાય કેન્દ્રિત ખેલો ઔર પઢો કાર્યક્રમ કરી સ્થાનિક રમકડાં મેળાનું પણ આયોજન કરવામાં આવશે.
પોષણ અભિયાન અંતર્ગત મિશન LiFE દ્વારા પોષણ સ્તરમાં સુઘારાની થીમ અંતર્ગત આંગણવાડી કેન્દ્ર પર વરસાદી પાણીના સંગ્રહ – રેઈનવોટર હાર્વેસ્ટિગ (RWH) દ્વારા જળ સંરક્ષણની કામગીરી તથા વર્કશોપનું આયોજન કરાશે. આ ઉપરાંત યોગ, સ્થાનિક ખોરાક વગેરે જેવી આયુષ પદ્ધતિઓ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા બાબતે ઝૂંબેશ કરવામાં આવશે.
આ ઉપરાંત મિલેટ અને પોષણ વાટિકાને પ્રોત્સાહન આપીને ટકાઉ આહાર પઘ્ઘતિઓ અપનાવાના સંદર્ભમાં મિલેટ પર ધ્યાન કેન્દ્રિત કરતી રેસીપી સ્પર્ધા, કિશોરીઓના સ્વાસ્થ્ય સંબંઘિત જાગૃતિ માટે સેશન, બેકયાર્ડ કિચન ગાર્ડન્સને પ્રોત્સાહન આપવાનું અભિયાન, મિલેટસ આધારિત ખાદ્ય ચીજવસ્તુઓથી બનેલી ત્રિરંગા/મેઘધનુષ્ય/પરંપરાગત થાળીને પ્રોત્સાહન આપવા માટેના કાર્યક્રમો તથા એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ (EMRS) માં એનિમિયા કેમ્પ અને તે દરમ્યાન મિલેટની ભૂમિકા વિશે સેન્સેટાઇઝ કરવામાં આવશે.
‘મારી માટી મારો દેશ’ અંતર્ગત પોષણ શપથ, વસુઘા વંદન- અમૃત વાટીકા (પોષણ વાટીકા) બનાવવી, વીરો કા વંદન- ગામ/પંચાયતના સ્વાતંત્ર્ય સેનાનીઓ/બહાદુરો અને તેમના પરિવારોનું સન્માન તથા રાષ્ટ્રધ્વજ ફરકાવવા અને રાષ્ટ્રગીતનું ગાન કરવા લોકોને પ્રેરિત કરવામાં આવનાર છે.
આદિવાસી કેન્દ્રિત પોષણ સેન્સેટાઇઝેશનમાં મિલેટ/સ્થાનિક ખોરાક/એનિમિયા માટે પરંપરાગત ખોરાક વગેરે અંગે આદિવાસી સમુદાયોને સેન્સેટાઇઝ કરી આદિવાસી જિલ્લાઓમાં બાળકો, કિશોરીઓ અને મહિલાઓ માટે એનિમિયા કેમ્પનું આયોજન કરવામાં આવશે.
ટેસ્ટ, ટ્રીટ, ટોક (T3) – એનીમીયા હેઠળ આરોગ્ય વિભાગ સાથેના સંકલનથી વિવિઘ લક્ષિત જૂથો જેવા કે બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ અને ઘાત્રી માતાઓમાં એનિમિયા નિદાન કેમ્પ કરવામાં આવશે. SHG, NSS/NYK વગેરે સાથે એનિમિયા સંબંધિત પ્રવૃત્તિઓનું આયોજન અને એનિમિયા વિશે પંચાયતોને સંવેદનશીલ કરવા વિશેષ સેશન ગોઠવવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે,પોષણ અભિયાન થકી સગર્ભા સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાઓ, કિશોરીઓ અને ૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં પોષણના પરિણામોને સર્વગ્રાહી રીતે સુધારવાનો પ્રયાસ કરવામાં આવે છે. મિશન સક્ષમ આંગણવાડી અને પોષણ ર.૦ એ એક સંકલિત પોષણ સહાય કાર્યક્રમ છે જેના દ્વારા આંગણવાડીની સેવાઓ, કિશોરીઓ માટેની યોજના અને પોષણ અભિયાનને વધુ સુદ્રઢ કરવામાં આવે છે.
પોષણ અભિયાનની શરૂઆતથી જ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો તેમજ સંલગ્ન મંત્રાલયો અને વિભાગોની ઉત્સાહપૂર્વક ભાગીદારી સાથે દેશમાં અત્યાર સુઘીમાં પાંચ પોષણની સફળતાપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. છેલ્લા પોષણ માહ-ર૦રર માં મુખ્ય થીમ હેઠળ ૧૭ કરોડથી વધુ સંવેદનાત્મક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.