CMની દિલ્હી મુલાકાત પાછળ ચર્ચાનું બજાર ગરમ

ગાંધીનગર, એક સમયના ગૌ સેવા આયોગના ચેરમેન ડો. વલ્લભ કથિરીયાની નિમણુંક રાજકોટ એઇમ્સના પ્રમુખ પદે દસેક દિવસ પહેલા થઇ હતી અને ચાર જ દિવસમાં તેઓનું ટેકનિકલ કારણોસર રાજીનામું લઇ લેવાયુ હતુ.
જાેકે રાજીનામું લઇ લેવાયા બાદ પણ દસ દિવસ સુધી એઈમ્સના પ્રમુખ તરીકેનું સન્માન લેતા રહેલા વલ્લભ કથિરીયા લોકોમાં હાંસીપાત્ર બન્યા હતા અને રાજીનામું લેવા પાછળ ખરેખર ટેકનિકલ કારણ હતું કે પછી અન્ય કોઇ કારણ હતુ? તેની ચર્ચાઓ પણ થઇ રહી હતી. સૂત્રોનું માનીયે તો એઇમ્સમાં અત્યાર સુધી પ્રમુખ પદે કોઇપણ મેડીકલ કોલેજમાં ટીચિંગ ફેકલ્ટી રહેલા ડોકટર-પ્રોફેસરની નિમણુંક થતી આવી છે. વલ્લભ કથિરીયા ડોકટર તો છે પરંતુ તેઓ ટીચીંગ ફેકલ્ટી નથી.
જેને લઇને રાજકોટ એઈમ્સની એકઝીક્યુટીવ કાઉન્સિલ અને ગવર્નિંગ કાઉન્સિલમાં વિરોધના સૂર ઉઠયા હતા અને તેઓ દ્વારા લેખિતમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને રજૂઆત કરવામાં આવી હતી. અને એટલે જ રાજકોટ એઇમ્સ જેવી નવી જ હોસ્પિટલમાં પ્રમુખ મુદ્દે વિવાદોના ઘર ઉભા થાય એ પહેલાં તેમનુ રાજીનામું લઇ લેવાનું મુનાસિબ મનાયું હતું. ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં કુલ ૨૩ જેટલી એઇમ્સ છે. જેમાં માત્ર દિલ્હી એઇમ્સના પ્રમુખ પદે કેન્દ્રીય કેબિનેટ આરોગ્ય મંત્રી હોય છે.
બાકી બધી જ જગ્યાએ ડોકટર-ટીચિંગ ડોકટર પ્રોફેસરોને પ્રમુખ બનાવાયા છે. એઇમ્સના બંધારણમાં ટીચિંગ પ્રોફેસર ડોક્ટરને જ પ્રમુખ બનાવવા એવો કોઇ નિયમ કે જાેગવાઇ નથી પરંતુ ટીચિંગ પ્રોફેસર ડોક્ટરને પ્રમુખ બનાવાની પ્રણાલિ ચોક્કસ બની ચૂકી છે. જેના પરિણામે વલ્લભ કથિરીયાને રાજીનામું આપવું પડ્યું છે.
ઉલ્લેખનીય છે કે, એઇમ્સના પ્રમુખનું પદ એ નોન એક્ઝીકયુટીવ પોસ્ટ ગણાય છે ને બે મહિને મળતી બોર્ડની બેઠકમાં હાજરી આપવા સિવાય આ પોઝિશન પર મેજર જવાબદારી નથી હોતી. છેલ્લા સાડા ચાર વર્ષથી પ્રાથમિક શિક્ષણ વિભાગમાં રહીને સતત શિક્ષણ વ્યવસ્થાને સુધારવા મથતા ડો. વિનોદ રાવ વિરુદ્ધ છેલ્લા એક મહિનાથી શિક્ષકોએ મોરચો ખોલ્યો છે. સચિવને બદનામ કરતી અને તેમનું મોરલ ડાઉન થાય તે પ્રકારની વિવિધ પત્રિકાઓ તેઓ ફરતી કરી રહ્યા છે.
શિક્ષકો માટે બાયોમેટ્રીક હાજરી ફરજિયાત કરવા સહિત બાળકોને ખરા અર્થમા શિક્ષણ મળે એ માટે શિક્ષકોના સતત મૂલ્યાંકનની પ્રથા લાવનારા શિક્ષણ સચિવ બદલાય તેવુ તેઓ ઇચ્છી રહ્યા છે. હાલમાં તો ટેટ-ટાટ પાસ શિક્ષકોને કાયમી નોકરીને બદલે કોન્ટ્રાક્ટ બેઇઝ રાખવા માટેનો આઇડિયા કથિત રીતે રાજ્ય સરકારને આપવા મુદ્દે વિનોદ રાવના માથે ઠીકરું ફોડવામાં આવ્યું છે.
અગાઉ પ્રિન્ટીંગ પ્રેસ એસોસિએશન દ્વારા પણ ખોટી માહીતી ફરતી કરાઇ હતી, કારણ કે પાઠ્ય પુસ્તક મંડળમાં ચાલતી લાલિયાવાડી વિનોદ રાવે બંધ કરાવી હતી. અધિકારીઓની દ્રષ્ટિએ પ્રાથમિક શિક્ષણ વિભાગ એ ક્રીમ પોસ્ટીંગ નહી ગણાતુ હોવા છતાં કેટલાક ઉચ્ચ આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની લોબી પણ સક્રિય પણે આદુ ખાઇને રાવની પાછળ હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે.
જેના ભૂતકાળ માં વડોદરા પાસેના એક મોટા જમીન પ્રકરણમાં વિનોદ રાવે તે સમયના અધિકારીઓને ખોટો ફાયદો નહી કરાવી આપવા સહિત તે સમયે સીએમઓ માં સીધી જાણ કરી હોવાનું કારણ મનાય છે.
સીએમઓના પૂર્વ ઓફિસર ઓન સ્પેશિયલ ડયુટી આઇએએસ એમ.ડી.મોડીયા અને હાલ જીએસઆરટીસીના એમડી તરીકે કાર્યરત એમ.એ.ગાંધીની નિમણુક રેરાના સભ્ય પદે થઇ છે. હાઇકોર્ટે કરેલા ઓર્ડર અનુસાર પહેલા રેરાના ચેરમેન તરીકે અનિતા કરવાલ અને ત્યારબાદ સભ્યો તરીકે આ બે અધિકારીઓની પાંચ વર્ષ માટે નિમણુક કરવામાં આવી છે.
એમ.ડી.મોડીયા અગાઉ સીએમઓમાં રહી ચૂક્યા છે ને નિવૃત્ત અધિકારી છે જયારે એમ.એ.ગાંધીનો વય નિવૃત્તિકાળ ટૂંક સમયમાં જ હતો પરંતુ વય નિવૃત્ત થાય એ પહેલા જ તેઓને પાંચ વર્ષનું પોસ્ટીંગ મળી ચૂક્યું છે. સોમવારે મોડીયા રેરામાં વિધિવત રીતે ચાર્જ પણ સંભાળશે. ઉલ્લેખનિય છે કે રેરા તો ભરાયું પરંતુ રેરાનુઅપિલિંગ ટ્રીબ્યુનલ ઘણાં સમયથી ખાલી છે. જેઓ રેરાના ચુકાદાથી સંતુષ્ટ નથી હોતા તેવા લોકો આ અપિલિંગ ટ્રીબ્યુનલમાં જઇ શકે છે.
પરંતુ આ ટ્રીબ્યુનલમાં કોઇ નિમણુંક નહી થઇ હોવાથી હાલ રેરાના ચુકાદા સામે લોકોએ સીધા હાઇકોર્ટમાં જવું પડે છે. સામાન્ય રીતે અપીલ ટ્રીબ્યુનલ માટેનિવૃત્ત ન્યાયાધીશની નિમણુંક કરાતી હોય છે. રાજ્ય સરકાર જે નામોની પેનલ મોકલે એમાંથી એક પર હાઇકોર્ટે મંજૂરીની મહોર મારવાની રહે છે.
પરંતુ હાલ આ જગ્યા ખાલી છે. ત્યારે એ ઝડપથી ભરાય તેમ બિલ્ડર લોબી ઇચ્છી રહી છે. ગત અઠવાડિયે સીએમ ભૂપેન્દ્રભાઇ પટેલે અચાનક દિલ્હી પીએમ મોદીની મુલાકાત કરતા ચર્ચાનું બજાર ગરમ થયું હતું. તેમના નિયત શેડયુલમાં દિલ્હી ગમનનો દિવસ અનામત તરીકે રખાયો હતો. અને અચાનક તેઓ દિલ્હી પહોંચી ગયા હતા.
સીએમના દિલ્હી ગમન પાછળ એક ચર્ચા ૨૦૨૪ પહેલા મંત્રી મંડળ વિસ્તરણની ચાલી હતી. જ્યારે બીજી ચર્ચા હાલ ચાલી રહેલા સ્વામિનારાયણ સંપ્રદાયના વિવાદ શમન માટે સીએમને દિલ્હી બોલાવાયાની હતી.SS1MS