સાળંગપુર હનુમાનજીની પ્રતિમા નીચેના વિવાદિત ચિત્રો હટાવાશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/12/Sarangpur-1024x683.jpg)
રાજ્ય સરકારની દરમિયાનગીરીથી વિવાદનો અંત
અમદાવાદ, સુપ્રસિદ્ધ સાળંગપુર મંદિરમાં વિવાદિત ચિત્રોને લઈ છેલ્લાં કેટલાંક દિવસથી રાજ્યમાં ભારે તંગદિલી જાેવા મળતી હતી. આખરે રાજ્ય સરકારે આ મુદ્દે દરમિયાનગીરી કરતાં બપોરે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા
અને ત્યાં મંત્રીમંડળના અન્ય સભ્યો પણ હાજર હતા. આ મીટીંગમાં ચર્ચા બાદ સમગ્ર વિવાદનો ઉકેલ લાવવાની સાધુ સંતોએ ખાતરી આપી હતી અને આવતીકાલ મંગળવાર સવાર સુધીમાં તમામ વિવાદિત ચિત્ર હટાવી લેવાની જાહેરાત કરી હતી. આમ, વિવાદનો અંત આવતાં શ્રદ્ધાળુઓએ હાશકારો અનુભવ્યો છે.
સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંતોના દાસ તરીકે રજૂ કરાયેલાં ભીંતચિત્રોને લઈ છેલ્લા થોડા દિવસથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદને લઈ સનાતન ધર્મના સાધુ-સંતો, મહંતોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો હતો. ત્યારે હવે ભીંતચિત્રો વિવાદ મામલે હવે સરકાર દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને વડતાલ સ્વામિનારાયણ સંતો સાથે બંધબારણે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ સાધુ, પાંચ સામાજિક અગ્રણીઓ અને બે મંત્રી હાજર રહ્યા હતા અને મુખ્યમંત્રી સાથે વિવાદ મુદ્દે મંત્રણા કરી હતી. ત્યારે આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા.
ત્યારબાદ અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે સ્વામિનારાયણ સંતો અને વીએચપી તથા સંતો વચ્ચે બેઠક બાદ સુખદ નિરાકરણની જાહેરાત કરાઈ હતી.
વડતાલના મુખ્ય કોઠારી જણાવ્યું હતું કે, આ મીટીંગ સદભાવનાભર્યા વાતાવરણમાં પૂરી થઈ છે. પાયાનું કામ કર્યું છે. ૨ કલાક મીટીંગ ચાલી, સ્વામિનારાયણ સંપ્રદાય હિંદુ સમાજનો ભાગ. કાલે સૂર્યોદય પહેલા ભીતચિત્ર દૂર કરી લેવાશે. સમાજમાં સમરસતા સ્થાપવા બેઠક કરવામાં આવશેકોઈએ વિવાદાસ્પદ વાણીનો ઉપયોગ ન કરવો.
આ વિવાદનો પૂર્ણ વિરામ લાવવા પહેલ થઈ છે. સ્વામિનારાયણ સંતો અને સ્વામી વડતાલની આજે શિવાનંદ આશ્રમમાં મીટીંગ થઈ છે.
જાેકે, આ બેઠક પૂર્ણ થતાં વડતાલ સંપ્રદાયના સંતો સીએમ નિવાસસ્થાનથી રવાના થયા હતા. દોઢ કલાકની આ બેઠક બાદ વિવાદનો સુખદ અંત આવવાનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે. વડતાલ સંપ્રદાયના સંતો દ્વારા સરકારને બાંયધરી આપવામાં આવી છે કે, હિન્દુ ધર્મને નુકસાન નહીં થવા દેવાય.
૩૬ કલાકમાં ભીંતચિત્રો હટાવી લેવામાં આવશે. ગાંધીનગર સીએમ નિવાસસ્થાને બેઠક પૂર્ણ કર્યા બાદ વડતાલ સંપ્રદાયના સંતોની ઈસરો સામે આવેલા શિવાનંદ આશ્રમ ખાતે વીએચપી અને સનાતન ધર્મ સાથે બેઠક યોજાઈ હતી.