સુરતઃ બંગલો ભાડે રાખી નકલી ઇંગ્લિશ દારૂ બનાવતા હતા
સુરત, સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સીટી નામનું અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં માદક પદાર્થો તેમજ ડ્રગનું વેચાણ કરતા અનેક શખ્સોને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે, ત્યારે સુરત પીસીબી પોલીસને સુરત શહેરમાંથી કેમિકલવાળો નકલી ઇંગલિશ દારૂ બનાવવાની મીની ફેક્ટરી પકડવામાં મોટી સફળતા મળી છે. પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે અને કુલ ૯,૨૮,૩૨૦ના મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસના હાથે જે બે શખ્સો પકડાયા તે બંને આ કેમિકલ વાળો દારૂ બનાવતા હતા અને તે બંને રીઢા આરોપી હોવાનું સામે આવ્યું છે. શહેર પીસીબી પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓને બાતમી મળી હતી કે, ઈચ્છાપોર વિસ્તારમાં આવેલ ડાયમંડ નગરની પોશ સોસાયટીમાં એક બંગલામાં બે શખ્સો કેમિકલવાળો ઇંગ્લિશ દારૂ બનાવવાની મીની ફેક્ટરી ચલાવી રહ્યા છે.
ત્યારે આ બાદમીના આધારેના ઈચ્છાપોર ડાયમંડ નગર હાઉસિંગ સોસાયટીના બંગલા નંબર ૬૩માં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન પોલીસને કલ્પેશ શામરીયા અને દુર્ગાશંકર ખટીક નામના બે શખસોને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. કલ્પેશ શામરીયા જમીન દલાલીનો ધંધો કરે છે અને તે મૂળ રાજસ્થાનનો રહેવાસી છે. તે સુરતના ઉમરા વિસ્તારમાં પાર્લે પોઇન્ટ પાસે આવેલી સરિતા દર્શન સોસાયટીનો રહેવાસી છે.
આ ઉપરાંત દુર્ગાશંકર ખટીક મૂળ રાજસ્થાન રહેવાસી છે અને તે સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતો હતો. પોલીસે આ બંગલામાં તપાસ કરતા અલગ-અલગ કંપનીની નાની મોટી દારૂની ખાલી બોટલો મળી આવી હતી. આ ઉપરાંત અલગ-અલગ કંપનીના સ્ટીકરો મળી આવ્યા હતા. આ ઉપરાંત ૪૦ લીટરની કેપેસિટી વાળા પ્લાસ્ટિકના ત્રણ કેરબા કે જેમાં બનાવટી ઇંગ્લિશ દારૂ ભરેલો હતો તે મળી આવ્યા હતા. સાથે જ ૭૫૦ એમએલ રંગવિહીન પ્રવાહી પણ પોલીસને મળ્યું હતું.
આ ઉપરાંત અન્ય પણ અલગ-અલગ પ્રકારના કેમિકલો દારૂની નાની મોટી બોટલના ઢાંકણાઓ સહિતની વસ્તુ પોલીસને મળી આવી હતી. આ ઉપરાંત આરોપીની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે, તેમને ઇંગલિશ દારૂ બનાવવાનું કેમિકલ અથવા ગેટ સર્કલ પાસે આવેલ પેરેડાઇઝ એપાર્ટમેન્ટની દુકાન નંબર ૮માં સંતાડ્યું છે.
પોલીસે આ જગ્યા પર તપાસ કરી અને દુકાનમાંથી ૧૦૫૦ લીટર કેમિકલ તેમજ અલગ-અલગ દારૂની બોટલો પણ મળી આવી હતી. આમ પોલીસે ૯,૨૮,૩૨૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ કરતાં સામે આવ્યું હતું કે, કલ્પેશ શામરીયા નામનો શખ્સ અગાઉ રાજસ્થાન તેમજ દમણ ખાતેથી દારૂની હેરાફેરી કરતો હતો અને ત્રણ વખત પોલીસના હાથે દારૂની હેરાફેરી કરતા ઝડપાઈ ગયો હતો.
જેથી તેને રાજસ્થાનમાં જઈ પોતાના મિત્ર સાથે જાતે દારૂ બનાવવાનું શીખી લીધું હતું અને ત્યાર બાદ પોશ વિસ્તારમાં બંગલો ભાડેથી રાખીને દારૂ બનાવવાનું કેમિકલ, આલ્કોહોલ, બુચ સ્ટીકર વગેરે જેવી ચીજ વસ્તુ તે રાજસ્થાનથી લાવતો હતો. આ બંગલામાં તમામ કેમિકલ ભેગા કરીને કેમિકલ વાળો ઇંગ્લિશ દારૂ તે બનાવતો હતો અને રાજસ્થાન ખાતે રહેતા શખ્સને આ દારૂનું વેચાણ કરતો હતો.
આરોપી અગાઉ જમીન લે-વેચમાં દલાલીનું કામ કરતો હતો. તે સમયે આર્થિક મુશ્કેલીમાં આવી જતા વધારે આર્થિક નફો મેળવવા માટે તેને આ ધંધો શરૂ કર્યો હતો. આરોપી કલ્પેશ સામરીયા સામે અગાઉ સુરતના પાંડેસરા ઉધના અને ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયા છે.
આ ઉપરાંત પારડીમાં પણ પ્રોહીબિશન એક્ટ હેઠળ કોર્ટ કેસ ચાલી રહ્યો છે તો પોલીસના હાથે જે અન્ય આરોપી ઝડપાયો છે. દુર્ગાશંકર ખટીક તે પણ પ્રોહિબીશનના ગુનામાં પાંડેસરા પોલીસના હાથે ઝડપાયો છે અને અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં તેની સામે આઇપીસીની કલમ ૨૮૩ મુજબનો ગુનો દાખલ થયો છે. હાલ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી આ મામલે વધુ પૂછપરછ હાથ ધરી છે.SS1MS