બોટાદમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકો, શ્રેષ્ઠ શાળાઓને સન્માનિત કરાયા
માહિતી બ્યુરો, બોટાદ બોટાદમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી દ્વારા શિક્ષક દિવસની ઉજવણી અન્વયે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વિરાણીના અધ્યક્ષસ્થાને શ્રેષ્ઠતા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં તાલુકા અને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકો, શ્રેષ્ઠ શાળાઓ તેમજ જિલ્લાના પ્રતિભાશાળી બાળકોને સન્માનિત કરાયા હતા.
આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ વિરાણીએ ઉપસ્થિત મહાનુભાવો અને શિક્ષકોને સંબોધતા જણાવ્યું હતું કે, “બોટાદ જિલ્લાના આંગણે આજે આ રૂડો અવસર આવ્યો છે. શિક્ષણ એ રાષ્ટ્રઉત્થાનનું પ્રથમ ચરણ છે. આપણાં દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી છેવાડાના ગામો સુધી શિક્ષણની ઉત્તમ સુવિધાઓ મળે અને તમામ બાળકોને સુશિક્ષિત બને તે હેતુથી નિરંતર પ્રતિબદ્ધ છે.
આજે બોટાદ જિલ્લો અનેક ક્ષેત્રોમાં અવ્વલ છે ત્યારે શિક્ષણના ક્ષેત્રમાં પણ અવિરત પ્રગતિ કરી રહ્યો છે. જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ વધુમાં ઉમેરતા જણાવ્યું હતું કે, જિલ્લાની તમામ શાળાઓ અપેક્ષા પૂર્વકની શ્રેષ્ઠ કામગીરી કરી રહી છે, જે બદલ અમે સૌ ગૌરવ અનુભવીએ છીએ.” શ્રી વિરાણીએ તાલુકા અને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠતા સન્માન પ્રાપ્ત કરનારા શિક્ષકોને શુભેચ્છા આપી ભવિષ્યમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે નિરંતર કાર્યરત રહેવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાનિયાએ પ્રસંગોચિત ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, “આજના દિવસ સાથે મારી વિશેષ સ્મૃતિઓ જાેડાયેલી છે. મારા માતા-પિતા પણ શિક્ષક તરીકે કાર્યરત છે. જેથી હું શિક્ષક પરિવાર સાથે અભિન્ન રીતે જાેડાયેલો છું.
શિક્ષકો બાળકોને શિક્ષણ તો આપે જ છે સાથેસાથે તેઓ બાળકોનું જીવન ઘડતર પણ કરે છે. આજે શિક્ષણની સાથે શિક્ષકો અન્ય ફરજાે પણ નીભાવી રહ્યા છે જે ખરેખર પ્રશંસાને પાત્ર છે. આજે કાર્યક્રમમાં શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પ્રાપ્ત કરનારા તમામ શિક્ષકોને અભિનંદન પાઠવું છું.”
કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી મુકેશભાઈ પરમારે જણાવ્યું હતું કે, “બાળકોના ઘડતરમાં શિક્ષકોનું પ્રદાન અનેરૂં છે. વ્યક્તિ કોઈપણ હોદ્દા ઉપર પહોંચી જાય પરંતુ તેમને હંમેશા તેમના શિક્ષકો અને શાળાના સંસ્મરણો યાદ રહે છે. શિક્ષકોની નાની-નાની વાતોનું પણ વિદ્યાર્થીઓ બારીકાઈથી નિરીક્ષણ કરી તેનું અનુકરણ કરતા હોય છે.
દરેક સ્થિતિમાં સિક્સ મારવાનું એટલે સ્થિતિનો સામનો કરવાનું શીખવે એ શિક્ષક. બાળકોને દરેક બોલમાં છગ્ગો ફટકારવાનું શિક્ષક જ શીખવી શકે છે. સ્માર્ટ ફોનના આ યુગમાં હવે બાળકો પણ સ્માર્ટ બની રહ્યા છે, ત્યારે શિક્ષકો પોતાનામાં જ એક યુનિવર્સિટી છે.
શિક્ષકો પણ હવે પોતાનું જ્ઞાન માત્ર ક્લાસરૂમ પૂરતું સિમિત ન રાખીને ટેક્નોલોજીના માધ્યમથી વિશ્વ સુધી પહોંચાડતા થાય છે, આપણાં બોટાદ જિલ્લામાં આવી ઉમદા કામગીરી થકી શિક્ષકો આજે વિદ્યાર્થીઓના ભવિષ્યને વધુ મજબૂત કરવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે.”
ઉલ્લેખનીય છે કે તાલુકા કક્ષાએ શ્રેષ્ઠતા સન્માન પ્રાપ્ત કરનારા શિક્ષકોને રૂ. ૫ હજારનો ચેક તેમજ શાલ અને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરાયા હતા. જ્યારે જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠતા સન્માન પ્રાપ્ત કરનારા શિક્ષકોને રૂ. ૧૫ હજારનો ચેક, શાલ અને પ્રશસ્તિ પત્ર આપી પુરસ્કૃત કરાયા હતા.