મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા અમદાવાદનાં ગામોમાં ભીંતસૂત્રો દ્વારા જનજાગૃતિનો પ્રયાસ
લોકો અને સરકારી તંત્ર સાથે મળીને કામગીરી કરે તો રોગને કંટ્રોલ કરી સો ટકા નાબૂદ કરવામાં સફળતા મળી શકે ઃ જિલ્લા મેલેરિયા અધિકારી
અમદાવાદ, આજે દરેકના હાથમાં મોબાઈલ ફોન છે અને મોબાઈલમાં અનેક પ્રકારની સોશિયલ મીડિયા એપ છે. સોશિયલ મીડિયા આજે જાહેરાત અને જનજાગૃતિ માટેનું માધ્યમ બની ગયું છે, પરંતુ આજના સમયમાં પણ ભીંતસૂત્રોને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં જનજાગૃતિ માટેનું અસરકારક માધ્યમ માનવામાં આવે છે.
જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શૈલેષ પરમારના માર્ગદર્શન અને જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડના સીધા નિરીક્ષણ હેઠળ અમદાવાદ જિલ્લાનાં વિવિધ ગામોમાં આરોગ્ય વિભાગ મેલેરિયા શાખા સાથે સંકળાયેલા કર્મચારીઓ દ્વારા પાકા કલરથી વાહકજન્ય રોગ નિયંત્રણ માટે જનજાગૃતિ કરતા ભીંતસૂત્રો લખવામાં આવ્યાં છે. આરોગ્ય કર્મચારીઓ દ્વારા ભીંતસૂત્રો લખીને સામાન્ય લોકોને વાહકજન્ય રોગ નિવારણ અને નિયંત્રણ અંગેની સચોટ માહિતી આપવામાં આવી રહી છે.
અમદાવાદ જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, ૨૦૨૭માં મેલેરિયા નાબૂદ કરવા માટે ભારત સરકાર અને રાજ્ય સરકારના આદેશો મુજબ લોકોમાં જનજાગૃતિ કેળવાય અને લોકો આ બાબતથી જાગૃત થઈ આરોગ્ય કર્મચારીની કામગીરીમાં ખૂબ સાથ સહકાર આપે
અને સ્વયં આ બાબતે પોતાના ઘર અને ઘરની આજુબાજુ પાણીનો ભરાવો ન થવા દે અને મચ્છરની ઉત્પત્તિ અટકાવી રાજ્યના આ ભગીરથ કાર્યમાં સહકાર આપે તે હેતુસર જિલ્લા પંચાયત અમદાવાદના આરોગ્ય વિભાગની મેલેરિયા શાખા દ્વારા અમદાવાદ જિલ્લાના તમામ ગામોમાં પાક્કા કલરથી પાંચ પાંચ ભીંત સૂત્રો લખી લોકોને સમજાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યો છે.
એની સાથે સાથે કાયદાની પણ જાણકારી આપવામાં આવી રહી છે. માત્ર એક જ પાસા પર કામ કરવાથી કોઈ પણ રોગનો નાશ થતો નથી પબ્લિક અને સરકારી તંત્ર બંને એકસાથે કામગીરી કરે તો રોગને કંટ્રોલ કરી સો ટકા નાબૂદ કરવામાં સફળતા મળી શકે છે. ભૂતકાળમાં આપણે શીતળા અને વાળા જેવા રોગોને પણ હરાવી અને નાબૂદ કરેલ છે.
તે જ રીતે આપણે મેલેરિયાને પણ નાબૂદ કરવા જઈ રહ્યા છીએ તો લોકો ખૂબ જ સાથ સહકાર આપે તેવી અપીલ છે, એવું મેલેરિયા અધિકારીએ ઉમેર્યું હતું.