ઝઘડિયા GIDCમાં કોન્ટ્રાક્ટમાં કામ કરતા પર પરપ્રાંતિય કામદારોની પોલીસ દફતરે નોંધણી થાય છે ખરી?

પ્રતિકાત્મક
તાલુકામાં જીઆઈડીસી વિસ્તાર ઉપરાંત ઝઘડિયા રાજપારડી ઉમલ્લા જેવા વિસ્તારોમાં પણ પરપ્રાંતિયો રહે છે
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતેની જીઆઈડીસીમાં કામ કરતા કામદારોમાં પર પ્રાંતિય કામદારોની સંખ્યા પણ મોટાપ્રમાણમાં છે.જીઆઈડીસીમાં કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા કામદારોમાં પર પ્રાંતિય કામદારોનો પણ સમાવેશ થાય છે,ત્યારે આવા પર પ્રાંતિય કામદારોની ખરેખર પોલીસ દફતરે નોંધણી થયેલી હોય છે ખરી?
તાલુકામાં જીઆઈડીસી ઉપરાંત અન્ય સ્થળોએ કામ કરતા પર પ્રાંતિય ઈસમો મકાનો ભાડે રાખીને રહેતા હોય છે અને પર પ્રાંતિયોને મકાનો ભાડે આપતા મકાન માલિકોએ પણ આ બાબતની પોલીસ દફતરે નોંધ કરાવવાની હોય છે.પરંતું આ બાબતે લાલિયાવાડી ચાલતી હોય એમ સરેઆમ નિયમોનો ભંગ થઈ રહ્યો છે.
તાજેતરમાં જીલ્લા પોલીસ દ્વારા સંયુક્ત રીતે તાલુકાના દધેડા ગામે તપાસ કરીને પોલીસ વેરિફિકેશન વિના પર પ્રાંતિયોને મકાનો ભાડે આપતા મકાન માલિકો વિરૂધ્ધ પોલીસ ફરિયાદો દાખલ કરવામાં આવી હતી.પરંતું દધેડા ઉપરાંત ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારના અન્ય ગામોએ પણ ઘણા પર પ્રાંતિય ઈસમો ભાડાના મકાનમાં રહેતા હોવાની વાતો પણ ચર્ચામાં છે,
ત્યારે આ ગામોએ પણ પોલીસ દ્વારા આ બાબતે સઘન તપાસ કરવામાં આવે તો ઘણી ગેર રીતિઓ બહાર આવવા સંભવ છે.જીઆઈડીસી વિસ્તાર ઉપરાંત અન્ય વ્યવસાયો કરતા કેટલાક પર પ્રાંતિયો તાલુકાના ઝઘડિયા,ઉમલ્લા અને રાજપારડી જેવા નગરોમાં પણ મકાનો ભાડે રાખીને રહેતા હોય છે.
ત્યારે આ સ્થળોએ પર પ્રાંતિય ઈસમોને મકાનો ભાડે આપતા મકાન માલિકોએ પોલીસમાં નોંધણી કરાવી છે ખરી? કે પછી નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઇ રહ્યું છે?ત્યારે સ્થાનિક પોલીસ આ બાબતે અસરકારક ભુમિકા અપનાવવા આગળ આવે તે જરૂરી ગણાય છે.