UK ગયેલા બે ગુજરાતીને ભયાનક મુસીબતમાં ફસાવી દીધા

નવી દિલ્હી, સપ્ટેમ્બર ૨૦૨૨માં સ્ટૂડન્ટ વિઝા પર યુકે ગયેલા બે ગુજરાતી યુવક પોતાના જ ઓળખીતા એવા બે ઠગોની જાળમાં બરાબરના ફસાઈને હાલ કફોડી સ્થિતિમાં મૂકાઈ ગયા છે. લાખો રૂપિયાનો ખર્ચો કરીને ત્રણ વર્ષના સ્ટૂડન્ટ વિઝા પર યુકે ગયેલા આ બંને યુવકોએ લંડનની એક કોલેજમાં ગ્રેજ્યુએશનના કોર્સમાં એડમિશન લીધું હતું, પરિવારજનોએ જંગી દેવું કરીને બંનેને યુકે મોકલ્યા હોવાથી તેમના પર ભણવાની સાથે જાેબ શોધવાનું પણ જબરજસ્ત પ્રેશર હતું.
જાેકે, મોટાભાગના કેસમાં થાય છે તેમ આ બંને યુવકોને પણ ઘણા મહિના સુધી રઝળપાટ કર્યા પછીય કોઈ નોકરી નહોતી મળી. એક તરફ ઘરે પૈસા મોકલવાનું પ્રેશર અને બીજી તરફ લંડનમાં નોકરી ના મળતી હોવાથી ખાવાપીવાના અને મકાનનું ભાડું ભરવાના પણ ફાંફા પડી જતાં આ બંને યુવકોએ એકાદ મહિના પછી કોલેજ જવાનું પણ બંધ કરી દીધું હતું, કારણકે નોકરી શોધવાના ટેન્શનમાં તેઓ ભણવા પર જરાય ધ્યાન આપી શકે તેમ નહોતા.
આખરે ખાસ્સી મહેનત બાદ તેમને એક જગ્યાએ જાેબ મળી, પરંતુ તે પણ કેશમાં હતી અને આખો દિવસ તનતોડ કામ કર્યા બાદ પણ તેમના હાથમાં મહિને હજાર પાઉન્ડ પણ માંડ-માંડ આવતા હતા. આ કામ માટે તેઓ કોઈ વિશ્વાસુ માણસની શોધમાં હતા, ત્યારે તેમનો સંપર્ક તેમના જ વતનના અને ઘણા વર્ષોથી યુકેમાં રહેતા એક વ્યક્તિ સાથે થયો હતો. આ વ્યક્તિ લંડનની એક રેસ્ટોરાંમાં કેશિયર તરીકે કામ કરતો હતો અને તેણે ત્યાં જ આ બંનેને મળવા માટે બોલાવ્યા હતા.
જ્યારે તેમની વચ્ચે મુલાકાત થઈ ત્યારે કેશિયર તરીકે કામ કરતા આ વ્યક્તિએ બંને ગુજરાતી સ્ટૂડન્ટ્સને એવું કહીને ભરમાવ્યા હતા કે હવે તે લોકો યુકેમાં ભણી નહીં શકે, અને કોલેજાેની ફી ભરીને અહીં રહેવા કરતા જાે તે લોકો વર્ક પરમિટ લઈ લે તો તેમનું કામ આસાન થઈ જશે અને તે બંને કોઈ રોકટોક વિના જ યુકેમાં કામ કરીને મહિને બે-અઢી હજાર પાઉન્ડ આરામથી કમાઈ શકશે અને બાકીનો ખર્ચો કાઢતા તે દોઢેક હજાર પાઉન્ડ બચાવી પણ શકશે.
પોતાને જે જાેઈતું હતું તેની જ વાત આ વ્યક્તિએ કરતાં બંને ગુજરાતી સ્ટૂડન્ટ્સ તેની વાતોમાં આવી ગયા હતા, અને તેમનો વિશ્વાસ જીતી લઈને આ વ્યક્તિએ એવું કહ્યું હતું કે તે એક એવા માણસને ઓળખે છે કે જે સ્ટૂડન્ટ વિઝાને વર્ક વિઝામાં કન્વર્ટ કરાવી શકે છે, પરંતુ આ કામ માટે તેમને ૧૦-૧૦ હજાર પાઉન્ડ આપવા પડશે.
આ બંને સ્ટૂડન્ટ્સને યુકેની વર્ક પરમિટ તો લેવી હતી, પરંતુ તેઓ આ કામ કરાવી આપનારા બીજા એક ગુજરાતીને એક સાથે કુલ ૨૦ હજાર પાઉન્ડ ચૂકવી શકે તેવી સ્થિતિમાં નહોતા. ત્યારે આ વ્યક્તિએ તેમને હપ્તેથી પૈસા આપી દેવાની ઓફર કરી હતી, અને તેની વાતોમાં આવી જનારા આ બંને સ્ટૂડન્ટ્સ આખરે તેના માટે તૈયાર થઈ ગયા હતા.
શરૂઆતમાં તેમને એવું કહેવામાં આવ્યું હતું કે તેમને વેરહાઉસમાં જાેબ અપાવીને તેના આધારે જ વર્ક પરમિટ અપાવી દેવાશે, પરંતુ પછી આ બંને લોકો કેરર વિઝા અપાવવાની વાત કરવા લાગ્યાા હતા. જ્યારે સ્ટૂડન્ટે કેરર વિઝા માટે ના પાડી તો તેમને એવી રીતે ઉંઠા ભણાવાયા હતા કે એકવાર જે વિઝા આવે છે તે લઈ લો, પછીનું પછી જાેયું જશે.
પોતાની પાસે કોઈ વિકલ્પ ના રહેતા આ સ્ટૂડન્ટ્સ તેના માટે પણ તૈયાર થઈ ગયા હતા, પરંતુ ત્યારે તેમને ખબર નહોતી કે આ બધું કરીને તેમને બોટલમાં ઉતારનારા પેલા બંને લોકો માત્ર ટાઈમપાસ કરી રહ્યા છે. વર્ક વિઝા અપાવવાના નામે સ્ટૂડન્ટ્સને ફસાવનારા લંડનના આ બંને ગુજરાતી ઠગોએ તેમનો નકલી ઈન્ટરવ્યુ પણ કરાવ્યો હતો, અને ત્યારબાદ તેમની પાસેથી ફેબ્રુઆરીથી એપ્રિલ મહિનાના ગાળા દરમિયાન ટુકડે-ટુકડે કરીને કુલ ૧૭ હજાર પાઉન્ડ લઈ લીધા હતા.
૧૭ હજાર પાઉન્ડની વ્યવસ્થા કરવા માટે આ બંને સ્ટૂડન્ટ્સે પોતાના ઘરેથી પણ ઘણા પૈસા મગાવ્યા હતા. તેમને યુકે મોકલવા માટે આ યુવકોના મા-બાપે દેવું કર્યું જ હતું પરંતુ તેમને વર્ક પરમિટ મળી જાય તે માટે તેમણે બીજું દેવું કરીને તેમના સંતાનોને પૈસા મોકલ્યા હતા. આ બંને સ્ટૂડન્ટ્સની હકીકતથી તેમને વર્ક વિઝા અપાવી દેવાની વાત કરતાં બંને ઠગ પણ સારી રીતે વાકેફ હતા, પરંતુ તેમને માત્ર પૈસામાં જ રસ હતો.
આખરે તેમની પાસેથી ૧૭ હજાર પાઉન્ડ મળી જતાં આ બંને ઠગોનું વર્તન જાણે રાતોરાત બદલાઈ ગયું હતું, તેમણે આ સ્ટૂડન્ટ્સના ફોન રિસીવ કરવાનું બંધ કરી દીધું હતું અને જાે ક્યારેક તેઓ તેમને મળી જાય તો પણ તે બંને ગલ્લા-તલ્લાં કરીને તેમને ધક્કા ખવડાવતા હતા. તો બીજી તરફ, ૧૭ હજાર પાઉન્ડ આપી દીધા બાદ આ બંને ગુજરાતી સ્ટૂડન્ટ્સની યુકેમાં સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. તેમને ઘરનું ભાડું ભરવાના અને જમવાના પણ ફાંફા પડી ગયા હતા.
જાેકે, તેમને એમ હતું કે વર્ક પરમિટ આવી જાય પછી પોતે મહેનત કરીને જેટલો પણ ખર્ચો કર્યો છે તેટલું કમાઈ લેશે. પરંતુ ઘણાય દિવસો વિત્યા બાદ પણ તેમની વર્ક પરમિટના કોઈ ઠેકાણા નહોતા પડી રહ્યા., અને તેમની પાસેથી પૈસા લેનારા પેલા બે લોકો પણ કોઈ સીધો જવાબ નહોતા આપી રહ્યા.
આખરે, બંને ગઠિયાના વાયદાથી કંટાળેલા આ સ્ટૂડન્ટ્સે જ્યારે એવી વાત કરી કે હવે તેમને વર્ક પરમિટ નથી જાેઈતી, પણ તેમના પૈસા પાછા જાેઈએ છે ત્યારે આ ઠગોએ પોતાનું અસલી સ્વરૂપ બતાવ્યું હતું. શરૂઆતમાં તો તેમણે એવી વાત કરી હતી કે તમે જે પૈસા અમને આપ્યા હતા તે બાઉન્સ થયા છે. પૈસા પાછા આપવાના આવ્યા ત્યારે આ ઠગોએ અલગ જ સ્ટોરી ઉભી કરતાં આખરે આ સ્ટૂડન્ટ્સને પોતાની સાથે છેતરપીંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો.
આ દરમિયાન યુકેમાં સ્ટૂડન્ટ વિઝાને ટિયર ટુ વિઝામાં કન્વર્ટ કરાવવાના નિયમોમાં જ ફેરફાર થઈ જતાં તેમની રહી-સહી આશા પર પણ પાણી ફરી વળ્યું હતું. પોતે આપેલા ૧૭ હજાર પાઉન્ડ પાછા મેળવવા માટે તેમની સાથે છેતરપિંડી કરનારા બંને શખસોની આગળ-પાછળ ફરી તેમને ભાઈ-બાપા કરનારા આ બંને સ્ટૂડન્ટ્સ ઘણીવાર તો પૈસા માટે તેમની આગળ રડી પણ પડતા હતા, પરંતુ આ ઠગોને જાણે તેનાથી કશોય ફરક જ નહોતો પડતો.
આ દરમિયાન એક દિવસ પોતાની ધીરજ ખૂટી જતાં આ સ્ટૂડન્ટ્સે તેમના ૧૭ હજાર પાઉન્ડનો ફાંદો કરનારા તે બંને ઠગ સાથે મોટો ઝઘડો પણ કર્યો હતો, અને ત્યારે તેમને મોઢે જ એવું કહી દેવાયું હતું કે હવે તમારાથી થાય તે કરી લો, પણ તમને તમારા પૈસા પાછા તો નહીં જ મળે. આખરે કોઈ રસ્તો ના રહેતા આ અંગે આ સ્ટૂડન્ટ્સે પોતાના પરિવારજનો સાથે આ મામલે વાત કરતાં તેમના પરિવારજનો ગુજરાતમાં આ બંને ઠગની ફેમિલી જ્યાં રહેતી હતી ત્યાં પહોંચ્યા હતા.
જાેકે, તેમના પરિવારજનોએ તો તેમને ઓળખવાનો જ ઈનકાર કરી દેતા એવું કહી દીધું હતું કે તેમની સાથે અમારે હવે વાતચીતના કોઈ સંબંધ જ નથી રહ્યા.. જાેકે, ઠગાઈનો ભોગ બનેલા આ સ્ટૂડન્ટ્સે વધુ તપાસ કરી ત્યારે તેમને ખબર પડી હતી કે આ બંને ઠગ યુકેમાં ગુજરાતના કેટલાય છોકરા-છોકરીઓને પોતાની જાળમાં ફસાવીને તેમની પાસેથી હજારો પાઉન્ડ પડાવી ચૂક્યા છે અને તેમના ગુજરાતમાં રહેતી ફેમિલી સાથે કોઈ સંબંધ નથી તે વાત પણ સાવ જૂઠ્ઠી છે.
આ સ્થિતિમાં સ્ટૂડન્ટ્સના પરિવારજનોએ આ ઠગની ફેમિલીવાળા પર પ્રેશર વધારતા આખરે તેમના પર ખોટો પોલીસ કેસ કરી દેવામાં આવ્યો, જેના કારણે તે લોકો પણ મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે.SS1MS