ગણપતિની મૂર્તિ નર્મદા નદીમાં વિસર્જન કરવા માટે કલેકટરને રજૂઆત
શ્રીજીની પ્રતિમાઓનું નર્મદા નદીમાં વિસર્જન કરવા મંડળોનું આવેદન
(પ્રતિનિધિ) ભરૂચ, ગણેશ મહોત્સવ નજીક આવતા જ ભરૂચ શહેર અને જીલ્લામાં પ્રસ્થાપિત કરાયેલ શ્રીજીની પ્રતિમાને નર્મદા નદીમાં વિસર્જન કરવા માટે વિવિધ મંડળોએ કલેકટરને રજૂઆત કરી હતી અને જાે રજુઆત ધ્યાને નહિ લેવામાં આવે તો ચક્કાજામ પણ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
આગામી દિવસોમાં શ્રીજી મહોત્સવ નજીક આવી રહ્યો છે.તેમ તેમ વિવિધ શ્રીજી મંડળોમાં ઉત્સાહ જાેવા મળી રહ્યો છે.ભરૂચ શહેર અને જીલ્લા માં શ્રીજી ની શાહી સવારીઓ આવી ચૂકી છે અને મંડળો શ્રીજી ઉત્સવ ઉજવવા તૈયાર છે.પરંતુ શ્રીજીની દશ દિવસ પૂજા અર્ચના કર્યાં બાદ વિસર્જન કરવામાં આવે છે.ત્યારે તંત્ર દ્વારા કુત્રિમ કુંડ ઉભા કરવામાં આવે છે
અને પાંચ ફૂટ સુધીની શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવનાર છે.પરંતુ વિવિધ મંડળો દ્વારા શ્રીજીની પ્રતિમા વિસર્જન કર્યા બાદ પ્રતિમાઓને તંત્ર દ્વારા યોગ્ય રીતે નિકાલ નહિ કરવામાં આવતા રઝળતી જાેવા મળતી હોવાના કારણે મંડળો અને હિન્દુ સંગઠનોની લાગણી દુભાતી હોવાના કિસ્સા સામે આવતા હોય છે.જેથી આવા કિસ્સાઓ સામે ન આવે અને તંત્ર દ્વારા શ્રીજીની પ્રતિમાને નર્મદા નદીમાં વિસર્જન કરવા દેવામાં આવે તે માટે કલેકટરને આવેદનપત્ર પાઠવી મંજૂરી માંગવામાં આવી હતી.
આવેદનપત્ર દરમ્યાન સનાતન હિન્દુ ઉત્સવ સમિતિના પ્રમુખ પ્રકાશ કાયસ્થે જણાવ્યુ હતુ કે ભાડભૂત અને કુકરવાડા ખાતે નર્મદા નદીમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવતું હોય તો અંક્લેશ્વર અને ભરૂચ શહેરની પ્રતિમાઓને કેમ નર્મદા નદીમાં કરવા દેવામાં આવતી નથી તેવા આક્ષેપ કરવા સાથે નર્મદા નદીમાં વિસર્જન નહિ કરવા દેવામાં આવે તો ચક્કાજામ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
બીજી તરફ વર્ષોથી તંત્ર દ્વારા શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવા વિવિધ સ્થળોએ કુત્રિમ તળાવ અને કુંડ ઉભા કરી આયોજક મંડળોને ફરજીયાત પણે નક્કી કરેલ સ્થળોએ પ્રતિમા લને વિસર્જિત કરવાની ફરજ પાડવામાં આવે છે.પરંતુ તંત્ર દ્વારા વિસર્જિત બાદ શ્રીજીની પ્રતિમાઓનું યોગ્ય જતન કરવામાં આવતું નથી અને કુત્રિમ તળાવો અને કુંડોમાં પ્રતિમાઓની દયનિય હાલત જાેવા મળતી હોય છે.