સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરી ધમકી આપનારા બે આરોપીઓને ર૦ વર્ષની કેદ
એક આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપી હતી
મહેસાણા, મહેસાણા તાલુકાની એક સગીરાને આખજના એક યુવાને લગ્નની લાલચ આપી તેના મિત્રના ઘરે બોલાવી મિત્ર સાથે મળી સામૂહિક દુષ્કર્મ આચરી બરબાદ કરી દેવાની ધમકી આપવાના કિસ્સામાં મહેસાણાના ચોક્સો જજે બંને આરોપીઓને ર૦ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.
મહેસાણાના આખજ ગામના વિકાસ સુરેશભાઈ જાની નામના યુવાને એક સગીરાને લગ્નની લલાચ આપી આખજના તેના મિત્ર ગિલ્લી કનુભાઈ પટેલના ઘરમાં તેણીની મરજી વિરૂદ્ધ બંનેએ સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ આ બંનેએ તેણીને જાનથી મારી નાખવાની તેમજ જીવન બરબાદ કરી દેવાની ધમકીઓ આપી હતી.
આ અંગે બંને આરોપીઓ વિરુદ્ધ લાંઘણજ પોલીસ મથકમાં પોકસો એકટની વિવિધ કલમો તેમજ એટ્રોસિટી એકટની કલમો તેમજ દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.
આ કેસમાં સરકારી વકીલ રેખાબેન જાેશીએ કુલ પ૦ જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા અને ૧૯ જેટલા સાહેદો કોર્ટ સમક્ષ તપાસીને સમાજમાં દાખલો બેસે અને સગીર વયની છોકરીઓ અને બાળકોનું શારીરિક શોષણ અટકે તેવી મહત્તમ સજા આરોપીઓને કરવા સહિતની દલીલો કરી હતી.
જે દલીલો ભોગ બનનારની જુબાની તેમજ પુરાવા ધ્યાને લઈ પોકસો જજ એસ.એસ.કાલેએ બંને આરોપીઓને વિવિધ કલમો હેઠળ ર૦ વર્ષની સખત કેદની સજા અને કુલ રૂ.૩૭ હજારનો દંડ ફટકાર્યો હતો તેમજ ભોગ બનનારને વળતર પેટે રૂ.૭પ૦૦૦ હજાર અપાવતો આદેશ પણ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ કેસમાં કોર્ટે અવલોકન કર્યું છે કે, તપાસ કરનાર અમલદારે કરવી જાેઈએ તેવી તપાસ કરેલી નથી, તપાસ કરનાર અમલદારને આ ગુનાની ગંભીરતાનો ખ્યાલ નથી કાં તો જાણી જાેઈને આરોપીઓને લાભ થાય તે હેતુથી તેઓએ તપાસમાં ઢીલ રાખેલ છે, કોર્ટે તપાસ કરનાર મામલતદારની આ બેદરકારીની ખૂબ જ ગંભીર નોંધ લીધી છે.