સાબરકાંઠા કલેક્ટર સામે આક્ષેપો કરનારા વિરુદ્ધ પગલાં લેવા જિલ્લાના ના. મામલતદારોની માંગ
નાયબ અધિક કલેકટરને આવેદનપત્ર આપી પગલાં ભરવા રજૂઆત કરાઈ
હિંમતનગર, સાબરકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ મામલતદારોએ તલોદ તાલુકામાં રજિસ્ટર વેચાણ દસ્તાવેજની નોંધની તકરાર બાબતે જિલ્લા કલેકટર વિરુદ્ધ ખોટા આક્ષેપો કરી પોતાના અંગત સ્વાર્થ માટે જાહેર પ્લેટફોર્મ ઉપર પાયા વિહોણા આક્ષેપો અંગે પગલાં લેવા માંગ કરી અધિક કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
આ અંગે આવેદનપત્ર આપતા નાયબ મામલતદાર એસોસિએશનના પ્રતિનિધિઓએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, પ્રિતેશ શાહ નામના વ્યક્તિએ મોજે તલોદ તાલુકામાં રજિસ્ટર વેચાણ દસ્તાવેજની નોંધની તકરાર બાબતે જિલ્લા કલેકટર વિરુદ્ધ ખોટા આક્ષેપો કર્યા છે.
નાયબ કલેકટરની કોર્ટમાં તથા કલેકટરની કોર્ટમાં જમીનના તકરાર બાબતે ચાલતા આરટીએસ કેસોમાં નિયમ અનુસાર નિર્ણય કરવાનો થાય છે. જાે કોઈ પક્ષ નિર્ણયથી નારાજ હોય તો સક્ષમ અધિકારીની કોર્ટમાં અપીલ, રિવિઝન કરી દાદ માંગી શકે છે.
આ કિસ્સામાં પણ નાયબ કલેકટર પ્રાંતિજ તથા કલેકટર સાબરકાંઠા હિંમતનગર દ્વારા સરકારે સોંપેલી જવાબદારીના ભાગરૂપે કેસોમા બંને પક્ષકારોને રૂબરૂ સાંભળી રેકર્ડની ચકાસણી કરી તેઓના અધિકારો પરત્વે આરટીએસ તકરારી કેસોનો નિર્ણય કર્યો હતો. તેમ છતાં તેનાથી નારાજ હોય તો અરજદાર પ્રિતેશ શાહે મહેસુલ વિભાગ (વિવાદ) ગુજરાત સમક્ષ રિવિઝન અને એના ઉપર ગુજરાત હાઈકોર્ટમાં પણ દાદ માંગી શકે છે.
આ બાબતથી અરજદાર પ્રિતેશ શાહ પોતે હાઈકોર્ટના વકીલ હોવા છતાં પણ પોતાના અંગત લાભ માટે સરકારી તંત્ર સામે ખોટા આક્ષેપો કરી રહ્યા છે અને ગુજરાત હાઈકોર્ટના વકીલ હોવાનો રોફ બતાવી સરકારી તંત્રને બાનમાં રાખવાનો પ્રયાસ કર્યો છે. મીડિયામાં પ્રસિદ્ધ થયેલા સમાચારોથી જાહેર જનતામાં સરકારી તંત્ર વિરુદ્ધ ખોટા મેસેજ જાય છે.
જેના લીધે અધિકારીઓ તેમજ કર્મચારીઓ સતત માનસિક તાણ અનુભવી રહ્યા છે. જેના કારણે તેની ખરાબ અસર સરકારી તંત્ર ઉપરની કામગીરી ઉપર પડે છે.
સમગ્ર પ્રકરણ અંગે જરૂરી તપાસ કરી સખ્તાઈપૂર્વકના પગલાં ભરવામાં આવે તેવી માંગણી કરી હતી. સાબરકાંઠા જિલ્લાના જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળના એસ.એ. શાહ, જશુભાઈ પટેલ, ટી.બી.પટેલ, જે.આર.પટેલ, એ.કે.પટેલ, બી.કે. પરમાર, આર.બી.મકવાણા સહિતના નાયબ મામલતદારો ઉપસ્થિત રહ્યા હતા.