વરસાદથી પાલનપુર-અંબાજી હાઇવે પર પાણી ફરી વળ્યા
(એજન્સી)પાલનપુર, ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં સવારથી જ વરસાદી માહોલ જાેવા મળ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રિથી સાવર્ત્રિક વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના પાલનપુર, દાંતીવાડા, ડીસા, વડગામ, અમીરગઢ, કાંકરેજ, ભાભર, ધાનેરા, વાવ, થરાદના અનેક વિસ્તારોમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.
લાંબા સમયના વિરામ બાદ વરસાદ શરૂ થતાં મુરઝાઈ રહેલા પાકને જીવતદાન મળતાં ધરતીપુત્રોમાં ભારે ખુશી છવાઈ છે તો બીજી તરફ પાલનપુરમાં પડેલા સામાન્ય વરસાદમાં જ પાલનપુર -અંબાજી હાઇવે ઉપર ધનિયાણા ચોકડી નજીક મુખ્ય માર્ગ ઉપર એક ફૂટ જેટલા પાણી ભરાઈ જતા પાલનપુરથી દાંતા, અંબાજી અને વડગામ જતા તેમજ અંબાજીથી પાલનપુર તરફ આવતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.
સામાન્ય વરસાદમાં જ હાઇવે ઉપર અવારનવાર પાણી ભરાઈ જતા હોવાથી અનેક રજૂઆતો બાદ પણ પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા ન કરતાં વાહનચાલકોમાં રોષ છે તો બીજી બાજુ લાંબા સમય બાદ જિલ્લામાં સાવર્ત્રિક વરસાદ વરસતા લોકો અને ખેડૂતોમાં ખુશી પ્રસરી છે. બનાસકાંઠા જિલ્લામાં સાવર્ત્રિક વરસાદ વરસ્યો છે,
જેના કારણે પાલનપુર -અંબાજી હાઇવે પર પાણી ભરાયા છે. બીજી બાજુ ઉત્તર ગુજરાતથી સૌરાષ્ટ્ર, અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ તૂટી પડ્યો છે. જેને કારણે અનેક ડેમ ઓવરફ્લો થયા છે. તો અનેક વિસ્તારો ડૂબાણમાં આવ્યા છે. આ કારણે લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે.
અરવલ્લી જિલ્લામાં ખુબ લાંબા વિરામ બાદ ફરી વરસાદે ધમાકેદાર બેટિંગ કર્યું. જેમાં બાયડ અને ધનસુરામાં ૫ થી ૬ ઈંચ જેટલો વરસાદ ખાબક્તા ચારેકોર વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. તો રસ્તાઓ પરથી પણ પૂરની જેમ પાણી વહેતાં જાેવા મળ્યાં હતાં. મોડાસા શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ ૪ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.