રવિવારે આખો દિવસ વરસાદ રહેતાં ખાણી-પીણીના ધંધાને માઠી અસર
અમદાવાદમાં ભારે વરસાદઃ પૂર્વ વિસ્તારના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા -શહેરમાં વરસાદ માટે કંટ્રોલ રૂમ શરૂ કરાયાઃ સીસીટીવીના માધ્યમથી શહેર પર ચાંપતી નજરઃ ભારે વરસાદને પગલે અંડરપાસ બંધ કરાયા
અમદાવાદ, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. શહેરમાં થોડા જ વરસાદમાં પૂર્વ વિસ્તારના અનેક વિસ્તારો પાણી પાણી થઇ ગયા છે. અમદાવાદમાં શનિવાર મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો બીજી બાજુ એએમસી તંત્ર સજ્જ થયુ હતું. રવિવારે પણ આખો દિવસ લગભગ વરસાદ ચાલુ રહ્યો હતો જેના કારણે ખાણી પીણીના ધંધાને અસર થઈ હતી.
શહેરમાં વરસાદ માટે કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. સીસીટીવીના માધ્યમથી શહેર પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. જ્યારે વાસણા બેરેજના પણ છ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં ભારે વરસાદના પગલે મેયર પ્રતિભા જૈન અને સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણીએ મ્યુનિસિપલ કન્ટ્રોલ રૂમ ની મુલાકાત લઈ સીટી ઈજનેર હરપાલ સિંહ ઝાલા પાસેથી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. શહેરના અજીત મિલ વિસ્તારમાં કમર સુધી પાણી ભરાયા છે. પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં ભારે વરસાદ ખાબક્યો છે. ગોમતીપુર, રખિયાલ વિસ્તારમાં પાણી ભરાયા છે. શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણીમાં ગરકાવ થઇ ગયુ છે. શહેરમાં હજુ ભારે વરસાદ પડે તેવી શક્યતા સેવાઇ રહી છે.
અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે વરસાદ વચ્ચે એએમસી તંત્ર સજ્જ થયુ છે. કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. એએમસીના અધિકારીઓ સતત મોનિયરિંગ કરી રહ્યા છે. સીસીટીવીના માધ્યમથી શહેર પર નજર રાખી રહ્યા છે. સાબરમતી વાસણા બેરેજનું લેવલ ડાઉન કરાયું છે. રુલ લેવલ જાળવવા માટે ૬ દરવાજા ખોલવામાં આવ્યા છે.
હવામાન વિભાગે આપેલા મોપ પરથી જાણીએ તો, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબકવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે.
જ્યારે બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નર્મદા, છોટાઉદેપુરમાં યલો એલર્ટ આપવામાં આવી છે. એટલે કે,આ વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંતના વિસ્તારોમાં વરસાદની કોઇ આગાહી આપવામાં આવી નથી.
હવામાન ખાતાની માહિતી પ્રમાણે આવતીકાલે એટલે સોમવારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં રેડ એલર્ટ આપવામાં આવી છે. જેના કારણે આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે. આ સાથે પાટણ, મહેસાણા, ગાંધીનગર અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલમાં યલો એલર્ટ એટલે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.