બોલેરો ગાડીમાં ગુપ્તખાનું બનાવી કરાઈ રહી હતી દારૂની હેરાફેરી
અમદાવાદ, શહેરના દારૂના અડ્ડા પર પોલીસ તેમજ એજન્સીઓએ તરખાટ મચાવ્યો હોવાના કારણે હવે બુટલેગરો પર એલર્ટ મોડ પર ધંધો કરી રહયા છે. અલગ અલગ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને બુટલેગરો રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશથી દારૂનો જથ્થો લાવી રહ્યા છે.
મોડી રાતે આવી જ એક મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)ની ટીમે કરતા દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. બાપુનગરમાં ડ્રાઈવર બોલેરોમાં દારૂનો જથ્થો લઈને આવી રહ્યો હતો, જેને એસએમસીએ ઝડપી પાડ્યો છે. એસએમસીની ટીમને બાતમી મળી હતી કે
રાજસ્થાનનો મૂકે કંડારા નામનો યુવક બોલેરો ગાડીમાં દારૂનો જથ્થો લઈને અમદાવાદ આવી રહ્યો છે અને વડોદરાના બુટલેગરને આપવા માટે જઈ રહ્યો છે. મૂકેશે બોલેરોમાં ગુપ્તખાનું બનાવ્યું છે, જેમાં દારૂનો જથ્થો છૂપાવ્યો છે. બાતમીના આધારે એસએમસીની ટીમ વોચમાં હતી ત્યારે બાપુનગરના હીરાવાડી રોડ પર એક બોલેરો ગાડી આવી હતી,
જેને એસએમસીની ટીમે રોકી હતી. ગાડી ખાલી હતી, પરંતુ તેમાં દારૂનો જથ્થો હોવાથી એસએમસીએ તેને ઝીણવટ ભરી રીતે ચેક કરી હતી. ગાડી ચેક કરતા તેમાંથી ગુપ્તખાનુ મળી આવ્યું હતું.
જેમાં દારૂની બોટલો તેમજ પેટી છૂપાવેલી હતી. એસએમસીએ દારૂ ૬૧૭ બોટલો તેમજ ગાડી સહિત કુલ પ.૯૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દારૂનો જથ્થો વડોદરાના સંજુ નામના બુટલેગરે મંગાવ્યો હતો, જ્યારે રાજસ્થાનના બાબુ ડાંગી ઉર્ફે નૈતિક નામના ઠેકેદાર મોકલાવ્યો હતો.