Western Times News

Gujarati News

Aditya-L1 પૃથ્વીને અલવિદા કહીને ૧૫ લાખ કિમીની યાત્રાએ રવાના

નવી દિલ્હી, ભારતીય અંતરિક્ષ એજન્સી ઈસરો દ્વારા સૂર્ય પર રિસર્ચ કરવા માટે મોકલવામાં આવેલું આદિત્ય એલ૧ હવે પૃથ્વીની કક્ષામાંથી બહાર નીકળી ગયું છે. આદિત્ય એલ૧ હવે પોતાની યાત્રાના અંતિમ પડાવ માટે નીકળી ચૂક્યું છે. જે પૃથ્વીથી લગભગ ૧૫ લાખ કિલોમીટરના અંતરે છે.

એટલે કે આદિત્ય એલ૧ સોમવાર-મંગળવારની મધરાતે લગભગ ૨ વાગે નિર્ધારિત પ્રક્રિયા હેઠળ ધરતીના ગુરુત્વાકર્ષણના પ્રભાવથી આગળ નીકળી ગયું અને પછી પૃથ્વી સૂર્ય પ્રણાલીમાં લેગ્રેન્જ પોઈન્ટ ૧ પર પહોંચવા માટે પોતાની ચાર મહિનાની યાત્રા શરૂ કરી દીધી છે. આ જાણકારી ઈસરોએ ટ્‌વીટ કરીને આપી છે.

અત્રે જણાવવાનું કે આ લેગ્રેન્જ પોઈન્ટ પૃથ્વીથી લગભગ ૧૫ લાખ કિલોમીટર દૂર છે. અંતરિક્ષ યાન આદિત્ય એલ૧એ પૃથ્વી તરફની ચાર ગતિવિધિઓને સફળતાપૂર્વક પૂરી કરી છે. એકવાર જ્યારે આદિત્ય એલ૧ લેગ્રેન્જ પોઈન્ટ પર પહોંચી જશે ત્યારે તે એક પ્રભામંડળ કક્ષામાં પ્રવેશ કરશે અને પોતાના મિશનના સમયગાળા દરમિયાન તે ત્યાં રહેશે. લેગ્રેન્જ પોઈન્ટ જેનું નામ પ્રસિદ્ધ ઈટાલિયન-ફ્રાન્સિસ ગણિતશાસ્ત્રી જાેસેફ લઈ લેગ્રેન્જના નામ પર રખાયું છે.

આદિત્ય એલ૧એ હાલ સાયન્ટિફિક ડેટા ભેગા કરવાનું શરૂ કરી દીધુ છે. ગત ૨ સપ્ટેમ્બરે ઈસરોએ પીએસએલવી-સી૫૭ રોકેટથી આદિત્ય એલ૧નું લોન્ચિંગ કર્યું હતું. જેને પૃથ્વીથી ૧૫ લાખ કિલોમીટર દૂર લેગ્રેજિયન પોઈન્ટ ૧ પર પ્રભામંડળ કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. હાલમાં ઈસરોએ ટ્‌વીટ કરીને કહ્યું હતું કે આદિત્યમાં લાગેલા ઉપકરણ સુપ્રા થર્મલ એનર્જેટિક પાર્ટિકલ સ્પેક્ટ્રોમીટર (સ્પેસ)ના સેન્સરે સુપર થર્મલ અને ઉર્જાવાન આયનો અને ઈલેક્ટ્રાનોને માપવાનું શરૂ કરી દીધુ છે.

તેને ૧૦ સપ્ટેમ્બરે પૃથ્વીથી ૫૦ હજાર કિલોમીટરથી વધુ અંતરે સક્રિય કરાયું હતું. અત્રે જણાવવાનું કે આદિત્ય એલ૧ સૂર્યનો અભ્યાસ કરનારું પહેલું ભારતીય અંતરિક્ષ મિશન છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.