ન્યુ રાણીપ અને સરખેજમાં ખંડણીખોરોનો આંતક
સાબરમતીમાં બિલ્ડર પાસેથી રૂ.રપ લાખની ખંડણી માંગી ઓફિસમાં તોડફોડ
|
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં ખંડણીખોરોનો આંતક દિવસેને દિવસે વધવા લાગ્યો છે શહેરના સાબરમતી વિસ્તારમાં ન્યુ રાણીપમાં કન્સ્ટ્રકશન સાઈટ પર પહોંચેલા ખંડણીખોરોએ બિલ્ડર પાસેથી રૂ.રપ લાખની ખંડણી માંગી ઓફિસમાં તોડફોડ કરતા સનસનાટી મચી ગઈ છે જયારે જુહાપુરામાં ફેરિયાઓ પાસેથી ખંડણીની માંગણી કરવામાં આવતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં વહેપારીઓ પાસેથી ખંડણીઓ માંગવાનું વ્યવસ્થિત નેટવર્ક ચાલી રહયું છે અને પોતાના ધંધા રોજગાર બચાવવા માટે વહેપારીઓ પોલીસ ફરિયાદ કરવાનું પણ ટાળતા હોય છે. ન્યુ રાણીપ વિસ્તારમાં બિલ્ડરે રૂ.પ હજાર આપ્યા બાદ પણ ખંડણીખોરોએ રૂ.રપ લાખની ખંડણી માંગી ઓફિસમાં તોડફોડ કરી હતી
જયારે જુહાપુરા વિસ્તારમાં ફ્રુટની લારી ઉભી રાખવા માટે માથાભારે શખ્સ દ્વારા ખંડણી માંગવામાં આવી હતી અને બંને કેસોમાં ખંડણી આપવામાં ન આવે તો ખંડણીખોરો દ્વારા ખુલ્લેઆમ હત્યાની ધમકી પણ આપવામાં આવી હતી જેના પગલે વહેપારીઓમાં ફફડાટ ફેલાયેલો છે. પોલીસ અધિકારીઓ દ્વારા આ બંને ઘટનાઓને ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી દીધી છે. બંંને કેસોમાં આરોપીઓ ફરાર થઈ ગયા છે જેની શોધખોળ ચાલી રહી છે.
આ અંગેની વિગત એવી છે કે શહેરના સાબરમતી પોલીસ સ્ટેશન હેઠળના ન્યુ રાણીપ વિસ્તારમાં ચાલી રહેલી આશ્રય ૯-૧૦ સાઈટ પર થોડા દિવસ પહેલા કેટલાક શખ્સો ખંડણી માંગવા આવ્યા હતા એક શખ્સે પોતાનું નામ વાઘુ રબારી હોવાનું જણાવી બિલ્ડર પાસેથી રૂ.રપ લાખની ખંડણી માંગી હતી અને પ હજાર પડાવી લીધા હતાં
ત્યારબાદ ફરી વખત ગઈકાલે કન્સ્ટ્રકશન સાઈટ પર પહોંચી જઈ ભારે ધમાલ મચાવી હતી હાથમાં લાકડીઓ સાથે ધસી આવેલા ખંડણીખોરોએ બિલ્ડર કેવલ મહેતા તથા તેની ઓફિસમાં કામ કરતા લોકોને ધાકધમકીઓ આપવા લાગ્યા હતા અને રૂ.રપ લાખની માંગ કરી હતી આ દરમિયાનમાં ખંડણીખોરોએ ઓફિસમાં તોડફોડ કરતા નાસભાગ મચી ગઈ હતી.
ખંડણીખોરોના ત્રાસથી કંટાળી આખરે ઓફિસમાં કામ કરતા એકાઉન્ટન્ટ વિજય પ્રકાશ મહેતાએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં વાઘુ રબારી નામના શખ્સ સહિત તેના સાગરિતો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી ખંડણીખોરોને ઝડપી લેવાની તજવીજ શરૂ કરી છે.
બીજા બનાવ જુહાપુરા વિસ્તારમાં બન્યો છે.ઉસ્માનગની ઈસ્માઈલભાઈ શેખ (અલસાર પાર્ક, જુહાપુરા) દિકરા રમજાની સાથે ફ્રુટની લારી ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.ઉસ્માનભાઈ પોતાની લારી યાશ્મીન સોસાયટીના નાકે ઉભી રાખે છે જાકે કેટલાંક દિવસો અગાઉ ત્યાં જ રહેતો સ્થાનિક લુખ્ખા તત્વ વસીમ બાજરાએ ઉસ્માનભાઈને લારી ઉભી રાખવાની ના પાડી હતી. જાકે ઉસ્માનભાઈએ સરકારી જમીન છે
તેમ કહી ધંધો ચાલુ રાખ્યો હતો ગતરોજ ફરીથી વસીમે ઉસ્માનભાઈને લારી ઉભી રાખવા બાબતે બોલાચાલી કરીને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી જેના પગલે ઉસ્માનભાઈએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ સક્રીય થઈ હતી જાકે કોઈ કાર્યવાહી થાય એ પહેલાં જ વસીમ ફરાર થઈ જતા પોલીસે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યાં છે.
આ અંગે વાત કરતાં વેજલપુર પીઆઈ ઓડેદરાએ જણાવ્યું હતું કે જાહેર જગ્યામાં લારી ઉભી રાખવા છતાં વસીમે તે સ્થળનો હપ્તો આપવાની માંગણી કરી હતી અને વેપારીને માર મારી ધાકધમકી આપી હતી. જાકે પોલીસ પહોંચે એ પહેલા જ તે ફરાર થઈ જતાં તેની શોધખોળ આદરી છે. સુત્રોના જણાવ્યા અનુસાર વસીમે બે દિવસ અગાઉ પણ સોનલ સિનેમા નજીક એક દુકાનમાં ઘુસી જઈ તોડફોડ કર્યા બાદ વેપારીને છરી બતાવી લુંટ ચલાવી હતી. જાકે ડરના માર્યા વેપારીએ તેની ફરીયાદ કરી નહતી એના બીજા જ દિવસે ફ્રુટવાળા સાથે બબાલ થઈ હતી. વધુમાં જાણકારી મળી છે કે વસીમ બાજરાના પિતા નાસીર બાજરો પણ રીઢો ગુનેગાર છે અને ગંભીર પ્રકારના ગુનાની ફરીયાદો તેની ઉપર અગાઉ થઈ ચુકી છે.