ગણેશજીની પ્રતિમાને લઈને આવતો ટેમ્પો DJના તાલે નાચતા ભક્તો પર ફરી વળ્યો
શોભાયાત્રામાં ભક્તો નાચી રહ્યા હતા અને ટેમ્પો ફરી વળ્યોઃ મહિલાનું મોત
(એજન્સી)સુરત, સુરતમાં ગણેશ મહોત્સવ દરમિયાન એક કરૂણાંતિકા બની છે. પલસાણામાં ગણેશજીની પ્રતિમાને સ્થાપના માટે પંડાલ સુધી લઈ જવા શોભાયાત્રા એક નીકળી હતી.
આ શોભાયાત્રા દરમિયાન ભકતો પર ટેમ્પો ફરી વળ્યો હતો. આ અકસ્માતમાં એક યુવતીનું કરુણ મૃત્યુ થયું છે. હાલ શોભાયાત્રામાં અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે. જેમાં ડી.જે ની પાછળ નાચી રહેલા લોકો પર ટેમ્પા ફરી વળે છે. જાણવા મળી રહ્યું છે કે ગણપતિની મૂર્તિ મુકેલ ટેમ્પાના ચાલકે કાબુ ગુમાવ્યો હતો.
કાબુ ગુમાવતા ડી.જે પાછળ નાચી રહેલા લોકોને કચડાયા હતા. આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, પલસાણાના પાડા ફળિયાના રહીશો ગણેશ પંડાલ માટે ગણેશજીની પ્રતિમા લેવા ગયા હતા. ગણેશજીની પ્રતિમાને લઈને પરત ફરતી વખતે ગણેશજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સમગ્ર શોભાયાત્રામાં ડીજેના તાલે ભક્તો નાચવામાં વ્યસ્ત હતા.
આ શોભાયાત્રા પઠાણ પાર્ક પાસે પહોંચી ત્યારે દુર્ઘટના થઈ હતી. ટેમ્પોના ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવી દીધો હતો. ટેમ્પોની આગળ જ ડીજેના તાલે ભક્તો નાચી રહ્યા હતા. આ બેકાબુ ટેમ્પો ભક્તો પર ફરી વળતા ભયાવહ દ્રશ્યો સર્જાયા હતા. સમગ્ર વાતાવરણ ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યું હતું.
આ ગમખ્વાર અકસ્માતમાં એક યુવતીનું કરૂણ મૃત્યુ થયું હતું. તેમજ બે બાળકો સહિત ચાર ભકતો ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં રંજનબેન ભાણાભાઈ રાઠોડ (ઉ.વર્ષ ૫૦)ને ગંભીર ઇજા થતાં તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
જ્યારે યાત્રામાં સામેલ આરતીબેન ઉક્કડભાઈ રાઠોડ (ઉ.વર્ષ ૧૯), પિંકુબેન કાળુભાઈ રાઠોડ(ઉ.વર્ષ ૩૦), અંશ નવીનભાઈ હળપતિ(ઉ.વર્ષ ૧૦)અને રાધિકા લાલુભાઈ રાઠોડ (ઉ.વર્ષ ૧૧)ને ઈજા થઈ હતી.