Western Times News

Gujarati News

દસ્તાવેજ નોંધણી સમયે આધાર નંબરના માત્ર છેલ્લા ચાર અંકનો જ ઉલ્લેખ કરવાનો રહેશે

સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ સમયે ઓળખના પુરાવા તરીકે કચેરીમાં આધાર કાર્ડ રજૂ કરવાનું રહેશે, જે કચેરીના રેકોર્ડ પર જ રહેશે- દસ્તાવેજનો ભાગ નહીં બને

આધાર ઈનેબલ પેમેન્ટ સિસ્ટમ-AEPSના દૂરઉપયોગથી જાહેર જનતાના નાણાના રક્ષણ હેતુથી સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં નોંધણી માટે રજૂ થતાં દસ્તાવેજમાં પક્ષકારોના (દસ્તાવેજ લખી આપનાર, લેનાર તથા ઓળખાણ આપનાર) આધાર નંબરનો ઉલ્લેખ ન કરવા  જરૂરી સૂચના પ્રસિદ્ધ કરવામાં આવી હતી તેમ, નોંધણી સર નિરીક્ષકશ્રી અને સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ, ગાંધીનગર દ્વારા જણાવવામાં આવ્યું છે.

નોંધણી સર નિરીક્ષકશ્રીએ આ સંદર્ભે જાહેર જનતાને જણાવ્યું છે, કે દસ્તાવેજ નોંધણી વખતે સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધણી અર્થે રજૂ કરવામાં આવે તે દસ્તાવેજમાં કોઈપણ પક્ષકારના આધાર નંબરનો ઉલ્લેખ કરવો નહીં અને જો ઉલ્લેખ કરવો જરૂરી જણાય તો આધાર નંબરના માત્ર છેલ્લા ૪ અંકનો જ ઉલ્લેખ કરવો તથા પ્રથમ આઠ અંકોને બદલે **  ** ની નિશાની દર્શાવવાની રહેશે.

તેમણે કહ્યું હતું કે,દસ્તાવેજના પક્ષકારો દસ્તાવેજ કરી આપનાર, દસ્તાવેજ કરી લેનાર અને ઓળખ આપનારના ઓળખના પુરાવા તરીકે આધારકાર્ડની નકલ સબ રજિસ્ટ્રાર કચેરીમાં પહેલાંની જેમ જ રજૂ કરવાની રહેશે. જ્યારે ઓળખના પુરાવા તરીકે આધારકાર્ડની નકલ સબ રજિસ્ટ્રાર કચેરીમાં રજૂ કરવામાં આવે

ત્યારે તેને દસ્તાવેજની સાથે જોડીને તેનો ભાગ બનાવવાને બદલે કચેરીના રેકર્ડ ઉપર જ તેની જાળવણી કરવાની રહેશે. આમ,આધાર કાર્ડને ઓળખના પુરાવા તરીકે રજૂ કરવાની મનાઈ કરવામાં આવી નથી, પરંતુ જાહેર રેકર્ડનો ભાગ ન બને તે હેતુથી સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધણી થયેલ દસ્તાવેજનો ભાગ ન બનાવવાની સૂચના સંબંધિતોને આપવામાં આવી છે તેમ, તેમણે વધુ વિગતો આપતાં ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.