ડેન્ગ્યુની ઝપટમાં 56 નવજાત શીશુઓઃ કુલ ૧પ૧૯ કેસ નોંધાયા
૧૪ વર્ષ સુધીના ૪૦૦ કરતા વધુ બાળકો ડેન્ગ્યૂનો શિકાર બન્યા-સરખેજમાં ૧૦૪ કેસઃ મચ્છરને મારવા તંત્રએ સુતળી બોલનો ઉપયોગ શરૂ કર્યો
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો બેકાબુ બની રહયો છે. શહેરમાં એક મહિનાના વિરામ બાદ થયેલ વરસાદને પરિણામે ડેન્ગ્યૂ, ચીકનગુનીયા અને કોલેરા જેવા જીવલેણ રોગમાં ચિંતાજનક હદે વધારો થયો છે.
ડેન્ગ્યૂની ઝપટમાં નવજાત શીશુઓ પણ આવી ગયા છે અને ૧૪ વર્ષ સુધીના ૪૦૦ કરતા વધુ બાળકો ડેન્ગ્યૂનો શિકાર બન્યા છે. મ્યુનિ. તંત્ર દ્વારા મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે ફોગીંગ, આઈઆરએસ જેવી એક્ટિવીટી કરવામાં આવે છે તેમ છતાં રોગચાળો નિયંત્રણમાં ન આવતા હવે ઓઈલના સુતળી બોલનો નવતર પ્રયોગ પણ શરૂ કર્યો છે.
અમદાવાદમાં ડેન્ગ્યૂના કેસ સતત વધી રહયા છે ચાલુ વર્ષ દરમિયાન ૧૭ સપ્ટેમ્બર સુધી ડેન્ગ્યૂના ૧પ૭૯ કેસ નોંધાયા છે જે પૈકી સરકારી હોસ્પિટલોમાં ૧૧૮૮ અને ખાનગી હોસ્પિટલોમાં ૩૯૧ કેસ કન્ફર્મ થયા છે. ડેન્ગ્યૂની ઝપટમાં પ૬ નવજાત શીશુ પણ આવી ગયા છે જયારે ૧ થી ૪ વર્ષની વયજૂથમાં ૧ર૪ બાળકો અને પ થી ૮ વર્ષની વય જુથમાં ૧પ૭ બાળકો ડેન્ગ્યૂનો ભોગ બન્યા છે.
શહેરના તમામ વોર્ડમાંથી ડેન્ગ્યૂના કેસ મોટી સંખ્યામાં બહાર આવે છે. પરંતુ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ડેન્ગ્યૂનો કહેર વધુ જાેવા મળ્યો છે. શહેરના દ.પ.ઝોનમાં રર૪, ઉ.પ.ઝોનમાં ૩૦૭ અને પશ્ચિમ ઝોનમાં ર૪પ કેસ કન્ફર્મ થયા છે. જયારે પૂર્વ ઝોનમાં ર૯૮, દક્ષિણ ઝોનમાં રપ૧ કેસ નોંધાયા છે.
શહેરના સરખેજ વોર્ડમાં ડેન્ગ્યૂના કેસની સંખ્યા ૧૦૦ને પાર કરી ગઈ છે જયારે કેસનો આંકડો ૧૦૦ની નજીક આવ્યો છે. ર૦ર૧ના વર્ષમાં સપ્ટેમ્બર માસ સુધી ડેન્ગ્યૂના ૯૭૩ અને ર૦રરમાં ૯૬૯ કેસ નોંધાયા હતાં જેની સામે ર૦ર૩માં ૧પ૭૯ કેસ નોંધાયા છે.
આમ પાછલા વર્ષોની સરખામણીમાં ડેન્ગ્યૂના કેસોમાં લગભગ ૧પ૦ ટકાનો વધારો થયો છે. ડેન્ગ્યૂની સાથે સાથે ચીકનગુનીયાના કેસ પણ વધી રહયા છે. ચાલુ વર્ષ દરમિયાન ચીકનગુનીયાના ૩૬ કેસ નોંધાયા છે.
શહેરમાં કોલેરાનો રોગચાળો પણ આંતક મચાવી રહયો છે. સપ્ટેમ્બર મહિનામાં કોલેરાના નવા ૬ કેસ નોંધાયા છે. વટવામાં ૦ર, દાણીલીમડામાં ૦ર, અને ઈન્દ્રપુરી તથા ચાંદલોડીયા વોર્ડમાં ૧-૧ કેસ કન્ફર્મ થયા છે. વર્ષ દરમિયાન કોલેરાના કુલ ૪૮ કેસ નોંધાયા છે. ર૦રરમાં સપ્ટેમ્બર મહિના સુધી કોલેરાનો માત્ર એક જ કેસ નોંધાયો હતો. ચાલુ વર્ષ દરમિયાન ઝાડા-ઉલ્ટીના પ૧૮પ, કમળાના ૧ર૬૮ અને ટાઈફોઈડના ૩૧૪૮ કેસ નોંધાયા છે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે સુતળી બોલનો નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. મ્યુનિ. આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિનભાઈ સોલંકીના જણાવ્યા મુજબ જે સ્થળે વધુ પાણી ભરાયા હોય અથવા તો જયાં પહોંચી શકાય તેમ ન હોય તેવા સ્થળે સુતળી દોરીનો બોલ બનાવી
તેને મચ્છર મારવાની દવાવાળો કરી નાંખવામાં આવે છે. દવાના જેના કારણે પાણીમાં દવા ફેલાઈ જાય છે અને મચ્છરોનો નાશ થાય છે. જેમ જેમ પાણી સુકાઈ જાય તેમ તે દવા પરત બોલમાં આવી જાય છે. સરકારી, અર્ધ સરકારી કચેરીઓઅને ખુલ્લી જગ્યાના ખાડાઓમાં આ પ્રયોગ કરવામાં આવે છે
તંત્ર દ્વારા મધ્યઝોનમાં ૯૭, ઉત્તર ઝોનમાં ૧૩૩, પૂર્વ ઝોનમાં ૧૩પ, પશ્ચિમ ઝોનમં ૪૪૩, દક્ષિણમાં પ૮, ઉ.પ.માં ર૧૪ અને દ.પ.માં ૭૪ મળી કુલ ૧૩પ૩ સ્થળોએ આ રીતે દવાવાળા બોલ નાંખવામાં આવ્યા છે.