મોહમ્મદ સિરાજ ICCની ODI બોલરોની રેન્કિંગમાં નંબર વન પર
દુબઈ, શ્રીલંકા સામે એશિયા કપ ફાઇનલમાં ઘાતક બોલિંગ કરીને સમગ્ર ટીમને ૫૦ રનમાં આઉટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવનાર મોહમ્મદ સિરાજને આનો ઘણો ફાયદો થયો છે. ICCની તાજેતરની ODI બોલરોની રેન્કિંગમાં તે નંબર વન પર પહોંચી ગયો છે. તેણે બીજા સ્થાને રહેલા ઓસ્ટ્રેલિયાના જાેસ હેઝલવુડથી ઘણું અંતર બનાવી લીધું છે. કુલદીપ યાદવ પણ ટોપ ૧૦ બોલરોમાં સામેલ છે. જાેકે તેને રેન્કિંગમાં નુકસાન થયું છે.
ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે એશિયા કપ ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેની કાતીલ બોલિંગથી તેણે શ્રીલંકાની બેટિંગની કમર તોડી નાખી હતી. માત્ર એક ઓવરમાં ૪ વિકેટ લઈને સનસનાટી મચાવનાર આ બોલરે તાજેતરની ICC ODI રેન્કિંગમાં ફરીથી નંબર વનનું સ્થાન મેળવી લીધું છે. ભારતીય સ્પિનરકુલદીપ યાદવે ટોપ ૧૦ રેન્કિંગમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.
એશિયા કપ ફાઈનલ જેવી મોટી મેચમાં શ્રીલંકાની બેટિંગને એકલા હાથે ધ્વસ્ત કરનાર મોહમ્મદ સિરાજ ૬૯૪ પોઈન્ટ સાથે ICC ODI બોલરોની રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયાનો જાેસ હેઝલવુડ ૬૭૮ પોઈન્ટ સાથે બીજા ક્રમે છે જ્યારે ન્યુઝીલેન્ડનો ટ્રેન્ટ બોલ્ટ એક પોઈન્ટ પાછળ ત્રીજા સ્થાને છે.
અફઘાનિસ્તાનના સ્પિનર મુજીબ ઉર રહેમાનને ચોથું સ્થાન મળ્યું છે જ્યારે તેના સિનિયર રાશિદ ખાન પાંચમાં સ્થાને છે. ભારતીય સ્પિનર કુલદીપ યાદવ ૯મા સ્થાને છે જ્યારે પાકિસ્તાનનો શાહીન શાહ આફ્રિદી ૧૦મા સ્થાને છે.
સિરાજે એશિયા કપમાં કુલ ૧૦ વિકેટ લીધી હતી જેમાંથી ફાઈનલમાં તેણે ૬ વિકેટ ઝડપી હતી. ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે તે બીજા ક્રમે હતો. શ્રીલંકાની મથિસા પાથિરાના ૧૧ વિકેટ સાથે ટોપ પર રહ્યો હતો. સિરાજે અત્યાર સુધી રમાયેલી ૨૯ વનડે મેચોમાં કુલ ૫૩ વિકેટ લીધી છે.SS1MS